અંકલેશ્ર્વરના ધંતુરીયા ગામે પતિએ પત્નીના શંકા રાખી કુહાડીના ઘા ઝીંકતાં મોત, પોલીસે આરોપીને ઝડપ્યો

અંકલેશ્ર્વરના ધંતુરીયા ગામમાં પતિએ પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને કુહાડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારીને ફરાર થઇ ગયો હતો. આ મામલે અંકલેશ્ર્વર તાલુકા પોલીસે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને ગણતરીના કલાકમાં જ હત્યારા પતિને ઝડપીને રિમાન્ડ મેળવવાની કાવાયત હાથ ધરી છે. અંકલેશ્ર્વરના ધંતુરીયા ગામ ખાતે આવેલા ન્યુ ધંતુરીયા ઇન્દિરા આવાસમાં રહેતી ૩૫ વર્ષીય પરિણિત મહિલા જ્યોત્સના રણજીત વસાવા રાત્રીના સમયે પોતાના ઘરે હતી. તે દરમિયાન તેના પતિ રણજીત બાલુ વસાવાએ તેના ચારિત્ર્ય વિશે ખોટો વહેમ રાખી તેની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન બંને વચ્ચે તું-તું મેં-મેં બાદ એકાએક ઉશ્કેરાયેલા રણજીત વસાવાએ જ્યોત્સના ઉપર કુહાડીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં જ્યોત્સનાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. પત્નીની હત્યા કર્યા બાદ રણજીત સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જો કે, હત્યાના ગુનામાં અંકલેશ્ર્વર તાલુકા પોલીસ મથકના સ્ટાફે ગણતરીના સમયમાં જ હત્યારા પતિને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા કવાયત હાથ ધરી હતી.