અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો: રાત્રે નવા વાગ્યા સુધી મંદિર ખૂલ્લૂ રહેશે

  • રાત્રિ આરતીમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ

    શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહૃાા છે. અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી રાત્રે નવ વાગ્યા અંબાજી મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી બાજુ કોરોના મહામારીના કારણે અંબાજીમાં થતી રાત્રિ આરતીમાં ભક્તોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે.
    અનલોક ચારની ગાઈડલાઈન આવ્યા બાદ શક્તિપીઠ અંબાજી મંદિરના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અનલૉક ૧થી અનલૉક ૩ સુધી અંબાજી મંદિર રાત્રે ૮:૧૫ સુધી ખુલ્લું રહેતું હતું. પરંતુ હવે અનલોક ૪માં મંદિર ખુલ્લું રહેવાનો સમય વધારી દેવામાં આવ્યો છે. હવે ભકતો રાત્રે ૯ વાગ્યા સુધી પણ દર્શન કરી શકશે. પરંતુ હા.. અંબાજી મંદિરની આરતીમાં કોઈપણ ભક્તને પ્રવેશ મળશે નહીં.
    અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે શક્તિપીઠ અંબાજીને પણ મોટું ગ્રહણ લાગ્યું છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં સામાન્ય રીતે ભાદરવી પૂનમના મેળા વખતે ૨૫ લાખથી વધુ દર્શનાર્થીઓ ઉમટતા હોય છે પરંતુ આ વખતે કોરોના સંક્રમણને પગલે મેળો જ રદ કરવામાં આવ્યો હતો. અનલોક બાદ શક્તિપીઠ અંબાજીમાં અંદાજે કુલ ૩ લાખ દર્શનાર્થીઓ દર્શન માટે આવ્યા હતા.