અગ્નિપથ યોજના સામેના ધૂમાડાને  ગણકાર્યા વગર ભરતી પ્રક્રિયા શરૂ 

ભારતીય લશ્કરમાં અગ્નિપથ યોજના હેઠળ ભરતી કરવાની મોદી સરકારની સ્કીમ સામેનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. પાંચ દિવસ પહેલાં જાહેરાત કરાઈ ત્યારે બિહારથી શરૂ કરાયેલો વિરોધ ૧૯ રાજ્યમાં ફેલાઇ ચૂક્યો છે ને ગંભીર વાત એ છે કે, હિંસક બની ગયો છે. ટ્રેનો સળગાવાઈ રહી છે, રેલવેના પાટા ફૂંકી મરાઈ રહ્યા છે, સરકારી મિલકતોને આગ લગાવાઈ રહી છે ને ભાજપની ઑફિસો પર પણ હુમલા થઈ રહ્યા છે.

આ હિંસામાં ઉત્તર પ્રદેશ અને બિહાર મોખરે છે કેમ કે યુપી-બિહારમાંથી સૌથી વધારે યુવાનો લશ્કરમાં જોડાય છે. મોદી સરકારે ૧૫ માર્ચ, ૨૦૨૧નાં રોજ રાજ્યસભામાં માહિતી આપીને જણાવ્યું હતું કે, ભારતીય લશ્કરની ત્રણેય પાંખમાં કુલ મળીને ૧૩.૪૦ લાખથી વધુ જવાન છે. આ પૈકી પાયદળ એટલે કે આર્મીમાં સૌથી વધુ ૧૧.૨૧ લાખ, હવાઈ દળ એટલે કે એરફોર્સમાં ૧.૪૭ લાખ અને નૌકા દળ એટલે કે નેવીમાં ૮૪ હજાર જવાન અને અધિકારી છે. આ ૧૩.૪૦ લાખ જવાનોમાંથી સૌથી વધુ ૨.૧૮ લાખથી વધુ જવાન ઉત્તર પ્રદેશના છે જ્યારે ૧.૦૪ લાખ જવાનો સાથે બીજા નંબરે બિહારના છે. મતલબ કે બિહાર-યુપીમાં લશ્કરમાં જોડાવું કારકિર્દી છે તેથી અગ્નિપથ યોજના સામે બિહારમાં સૌથી હિંસક વિરોધ છે.

મોદી સરકારે આ યોજના શરૂ કરવા પસંદ કરેલો સમય પણ આક્રોશ ભડકવા પાછળ જવાબદાર છે. કોરોનાના બહાને છેલ્લાં બે વર્ષથી લશ્કરમાં ભરતી બંધ હતી ને હવે ભરતીની જાહેરાત કરાઈ એ પણ આ રીતે ચાર વર્ષ માટે નોકરીની જાહેરાત કરાઈ તેમાં યુવાનોનો આક્રોશ ભડક્યો છે. મોદી સરકારે બે વર્ષ નિયમિત ભરતી કર્યા પછી અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હોત તો કદાચ યુવાનો હિંસા પર ન ઊતર્યા હોત. દેખાવકારો હિંસા પર ઊતર્યા એ ખોટું છે પણ રાજ્ય સરકારો પણ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે એ હકીકત છે તેથી હિંસા માટે માત્ર યુવાનોને દોષ ના દઈ શકાય.

મોદી સરકારે આ આક્રોશને ઠંડો પાડવા પગલાં લેવા માંડી સરાહનિય અભિગમ અપનાવ્યો છે. અગ્નિપથ યોજના હેઠળ ભરતી થનારા અગ્નિવીરોને ચાર વર્ષની નોકરી પછી અપાનારી રાહતો ઉપરાંત સરકારે દેખાવકારોના પ્રતિનિધીઓ સાથે વાતચીતનો અભિગમ પણ દર્શાવ્યો છે એ હકારાત્મક છે પણ તેના કારણે દેખાવકારોને જે વાંધા છે તેનું નિરાકરણ થવાનું નથી. અગ્નિપથ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે તેનું સૌથી મોટું કારણ બેકારીનો ડર છે, અસલામત ભવિષ્યનો ફફડાટ છે. અગ્નિવીર યોજના માટેની ભરતીમાં લઘુતમ ઉંમર ૧૭.૫ વર્ષ અને મહત્તમ ઉંમર ૨૩ વર્ષ રખાઈ છે. ચાર વર્ષની અગ્નિવીર તરીકેની નોકરી પછી ૧૭.૫ વર્ષનો યુવાન સાડા એકવીસ વર્ષનો થાય ને ૨૩ વર્ષનો યુવાન ૨૭ વર્ષનો થાય.
તેની સામે આખી જિંદગી પડી હોય પણ એ શું કરી શકે ? લશ્કરમાં ભરતી માટે આકરી મહેનત કરવી પડે છે. યુપી-બિહારમાં તો યુવાનો ૪-૫ વર્ષ તૈયારી કરે છે. હવે ૪ વર્ષની તૈયારી પછી ૪ વર્ષની નોકરી મળે અને એ પછી ફરી બેરોજગારી આવી જાય તો શું કરવું એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે. મોદી સરકારે યુવાનોનો આ ડર કાઢવા માટે કેટલીક જાહેરાતો કરી છે. મોદી સરકારે ‘અગ્નિવીર’ યુવાનો માટે સેન્ટ્રલ આર્મ્ડ પેરામિલિટરી ફોર્સીસ (સીએપીએફ) તથા આસામ રાયફલ્સમાં ૧૦ ટકા બેઠકો અનામત રાખવાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે આ બે જ નહીં પણ તમામ સેન્ટ્રલ આર્મ્ડ પેરામિલિટરી ફોર્સીસ (સીએપીએફ)ની ભરતીમાં ૧૦ ટકા જગાઓ અગ્નિવીરો માટે અનામત આપવાની જાહેરાત કરી છે. સીએપીએફની ભરતીમાં ‘અગ્નિવીર’ની પહેલી બેચને વયમર્યાદામાં પાંચ વર્ષ અને પછી સામાન્ય સંજોગોમાં પણ ત્રણ વર્ષની છૂટછાટની ઓફર પણ કરી છે.

ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ આર્મ્ડ પેરામિલિટરી ફોર્સીસ (સીએપીએફ) એટલે સીઆરપીએ સહિતનાં અર્ધલશ્કરી દળો. અગ્નિવીર ચાર વર્ષની નોકરી પછી સીએપીએફમાં ભરતી માટે અરજી કરશે ત્યાં સુધીમાં પૂર્વ સૈનિકોની શ્રેણીમાં આવી જશે. અર્ધલશ્કરી દળોમાં જ્ઞાતિના આધારે અનામત નથી મળતી પણ વયમર્યાદામાં છૂટ મળે છે. ભૂતપૂર્વ અગ્નિવીર તેનો પણ લાભ લઇ શકે છે. સંરક્ષણ મંત્રાલય પણ તેની તમામ ભરતીઓમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને ૧૦ ટકા અનામત આપશે. પહેલી બેચના પૂર્વ અગ્નિવીરોને મહત્તમ વયમર્યાદામાં ૫ વર્ષની છૂટ આપવાની પણ જાહેરાત કરાઇ છે.

આ ઉપરાંત યુવા તથા રમત મંત્રાલયે અગ્નિવીરો માટે ક્રેશ કોર્સ શરૂ કરીને અગ્નિવીરોને પીટી ટીચર એટલે કે વ્યાયામ શિક્ષખ માટે લાયક બનાવવાની ટ્રેનિંગ આપવાની જાહેરાત કરી છે. સરકારનું કહેવું છે કે, દેશનાં તમામ રાજ્યોમાં ૧૫ લાખ પી.ટી. ટીચરની જગાઓ ખાલી છે. અગ્નિવીરો આ કોર્સ કરીને પીટી ટીચર બની શકશે.
આ ઉપરાંત આવાસ, પેટ્રોલિયમ મંત્રાલય સંબંધિત કંપનીઓ અને વિભાગોમાં નોકરીમાં પણ તેમને પ્રાથમિકતા મળશે. નેવીમાંથી નિવૃત્ત અગ્નિવીરને પોર્ટ એન્ડ શિપિંગ મંત્રાલય સાથે જોડાયેલી ૬ કંપનીઓમાં નોકરી અપાશે. હરિયાણા, યુપી, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશમાં પોલીસની નોકરીઓમાં પણ અગ્નિવીરોને પ્રાથમિકતા આપશે.

આ બધી જાહેરાતો કાગળ પર આકર્ષક લાગે છે. તેના કારણે એવું ચિત્ર ઊભું કરાઈ રહ્યું છે કે, અગ્નિવીર તરીકે જોડાનાર માટે જબરદસ્ત તકો જ તકો છે પણ છતાં યુવાનોને ભરોસો નથી બેસતો. તેનું કારણ એ કે, અગ્નિવીર તરીકે નિવૃત્ત થનારને જ્યાં તકો આપવાની વાત થાય છે ત્યાં ભરતી જ થતી નથી. ભારત સરકારમાં અત્યારે ૧૦ લાખથી વધારે સરકારી જગાઓ ખાલી છે પણ તેમાં ભરતી જ થતી નથી, માત્ર વાતો થાય છે. સરકારે અર્ધલશ્કરી દળોમાં ભરતીમાં અનામતની જાહેરાત કરી છે પણ ત્યાં પણ ભરતી થતી નથી. અત્યારે ગૃહ મંત્રાલય હેઠળ આવતાં પાંચ અર્ધલશ્કરી દળોમાં જ કુલ મળીને ૭૩ હજાર જગા ખાલી છે. આ જગાઓ વરસોથી ખાલી છે ને તેમને ભરવા માટે કંઈ થતું નથી ત્યારે ભવિષ્યમાં ‘અગ્નિવીર’ને અર્ધલશ્કરી દળોમાં લેવાશે એ વાત ગાજર લટકાવવાથી વધારે કંઈ નથી. મોદી સરકારે આ સમસ્યા ઉકેલવી પડે, બેરોજગારીનો ઉપાય શોધવો પડે. મોદી સરકારે આ યોજનાના વિરોધને પગલે કૂદી પડેલા સોશિયલ મીડિયાના શૂરવીરોને પણ કાબૂમાં લેવા જરૂરી છે. તેમની વાત કાલે કરીશું.