અદાલતે ખેડૂત આંદોલનમાં સરકાર સામે પડવાની કોઈ જરૂર જ ન હતી

કિસાન આંદોલન ઉકેલવા માટે વડાપ્રધાને પોતાના પદને શોભે એવી વિનમ્રતાથી વાત કરી છે. તેમણે કહ્યું કે માથું નમાવી ને હાથ જોડી હું વાટાઘાટો માટે તૈયાર છું. લોકશાહીના ચારમાંના એક આધારસ્થંભ એવી અદાલતનું મર્યાદિત કામ બંધારણની સર્વોપરિતા જાળવવાનું અને વિધાનમંડળ (સંસદ, વિધાનસભા) દ્વારા પસાર કરાયેલા કાયદાના અર્થઘટન દ્વારા ન્યાય તોળવાનું છે. અદાલત તેની આ લક્ષ્મણરેખા ઓળંગીને દહીહાંડીની ઉંચાઈ નક્કી કરવાથી લઇ રસ્તાને એકમાર્ગી બનાવવા સબંધી વહીવટી સૂચના આપે ત્યારે તે લોકશાહીના બીજા આધારસ્થંભ એવા વહીવટીતંત્રની સાથે સીધા ઘર્ષણમાં આવે છે. અદાલતે કર્મશીલ બનીને ઘર્ષણમાં ઉતરવું ન હોય તો તેણે વહીવટીતંત્રના મામલામાં દરમ્યાનગીરી કરવાની લાલચ ટાળવી જોઈએ.

આ વર્ષના આરંભે નાગરિકતા ધારામાં સુધારાના વિરોધમાં દિલ્હીના શાહીન બાગમાં આંદોલનનો ઉકેલ લાવવાનું સરકાર માટે મુશ્કેલ બન્યું ત્યારે સુપ્રિમ કોર્ટે અન્ય નાગરિકોના મૂળભૂત અધિકારની જાળવણીનો પક્ષ લેતા પ્રદર્શકોને જાહેર માર્ગને નહીં અવરોધવાનો આદેશ આપ્યો હતો. હવે અદાલત જયારે એવું કહે કે ખેડૂતોને શાંતવિરોધ કરવાનો મૂળભૂત હક્ક છે. પણ આ આંદોલનના કારણે ઉદ્યોગો, વપરાશકારો સહિતના અન્ય વર્ગના હક્કનો ભંગ થાય છે તેનું શું ? અદાલતે શાહીન બાગના કેસમાં યોગ્ય વલણ લીધું હતું પણ ખેડૂત આંદોલનના મામલે સરકારને કાયદાનો અમલ અટકાવવાનું કહી તેના અધિકારક્ષેત્રની મર્યાદા ઓળંગી છે. અદાલતે વહીવટીતંત્રની સાથે સંઘર્ષ નોતર્યો છે.

ખેડૂતોનો વિવાદ ઉકેલવા માટે ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)એ અદાલતની દરમ્યાનગીરી માંગી તો તેના જવાબમાં સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેએ બીકેયુ અને અન્ય સહિત આઠ કિસાન સંગઠનોની એક સમિતિ બનાવવાનું સૂચન કર્યું. ત્યારે તેમાં જેઓ બહાર રહી ગયા તે યુનિયનોએ તેમની લડત ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. દિલ્હીને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગોને 22 દિવસથી ઘેરો ઘાલીને બેઠેલા આંદોલનકારી ખેડૂતોની સાથે ભળી ગયેલા ડાબેરી નેતા યોગેન્દ્ર યાદવે ત્યારે કડવી પણ સાચી વાત કહી હતી કે, અદાલતે તેની ન્યાય આપવાની પાયાની મૂળભૂત ફરજ બજાવવાથી આગળ વધવું જોઈએ નહીં.

હવે સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, તે અંતિમ ફેંસલો આપે નહીં ત્યાં સુધી ત્રણ કૃષિ કાયદાનો અમલ અટકાવવો અને આંદોલનકારી ખેડૂતોની સાથે ચર્ચા કરવી. સુપ્રિમ કોર્ટ આવી “સૂચના” આપી પરિસ્થિતિને વધુ ગુંચવી રહી છે. અદાલતનું આ સૂચન સંસદે પસાર કરેલા કૃષિ કાનૂનોને રદ્દ કરવાની ખેડૂતોની માગણીનું આડકતરું સમર્થન કરનારું છે. સરકારને આ સૂચન સ્વીકારવું મુશ્કેલ હશે. આ ઉપરાંત, અદાલતનો કોઈ પણ નિર્ણય તમામને સંતોષ આપે તે અશક્ય છે. હવે અદાલતે જયારે આ મામલામાં ઝુકાવ્યું જ છે ત્યારે તેણે વાસ્તવિકતા પણ જોવી જોઈએ કે, આ આંદોલન ખેડૂતોનું રહ્યું નથી. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે વિધાનસભાના ગૃહમાં સંસદે પસાર કરેલા કાયદાની પ્રતના ફાડીને લીરા ઉડાડ્યા તે બતાવે છે કે તે લોકશાહી વિરોધ નથી પણ સંસદનું અપમાન અને કેન્દ્ર સરકારની સામેનો દ્વેષ છે. ભારતના આંતરિક મામલા એવા ખેડૂત આંદોલનના સમર્થનમાં એક વિદેશી સરકાર હસ્તક્ષેપ કરે અને બ્રિટન, અમેરિકા સહિતના દેશોના કાનૂન ઘડવૈયાઓ કાયદેસર રીતે ચૂંટાયેલી સરકારનો વિરોધ કરે તેની નોંધ પણ અદાલતે લેવી જોઈએ.

ખેડૂત આંદોલન ઉપર વિરોધ પક્ષો, શહેરી નક્સલો અને વિભાજનવાદી તત્વોએ કબ્જો કરી લીધો છે. સરકારે જયારે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)નો અમલ કરાવવાની લેખિત બાંહેધરી આપવાનું કહ્યું અને એપીએમસી મંડીઓ ચાલુ રહેશે તેવો વિશ્વાસ કહ્યું ત્યારે જ ખેડૂત નેતાઓએ આંદોલન સમેટી લેવું જોઈતું હતું, પણ ખેડૂત સિવાયના તત્વોની ઘુષણખોરી થઇ તે પછી મામલો હાથ બહાર ગયો છે. તેથી સરકાર કે અદાલત જે કોઈ ઉકેલ સૂચવે તે નહીં સ્વિકારીને દબાણ ચાલુ રાખવાની તેમની એટલે કે જુઠ્ઠા આંદોલનકારીઓની ગંદી રાજનીતિ ચાલુ રહેશે. જો આવું ન હોત તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ સહિત તમામ પ્રધાનો ચર્ચા અને સંવાદના માર્ગે સમાધાન માંગતા હોય અને ત્રણ કૃષિ કાનૂન રદ્દ કરવા સિવાયનું કહે તે કરવાની ઓફર આપતા હોય તો ખેડૂત અગ્રણીઓએ આંદોલન પાછું નહીં ખેંચવા માટેનું કોઈ કારણ નથી.

આ આંદોલનનું બીજું પાસું એ છે કે રાજકીય પક્ષો અને સરકારોએ અત્યાર સુધી સમાજના બાકી વર્ગના હિતના ભોગે ખેડૂતોના દુઃખનો વિચાર કરીને તેમને વિશેષ સવલતો આપવાની જે લોકરંજક નીતિ અપનાવી તેનું આ પરિણામ છે. હવે તેમાં અદાલત પણ જોડાઈ છે. કોંગ્રેસ, યુપીએ અને એનડીએ સહિતની સરકારોએ આટલા વર્ષો દરમ્યાન ખેડૂતોને વૉટબેન્ક ગણી તેમને રાજી રાખવાની નીતિ અપનાવી તેનું એક પરિણામ નજર સામે દિલ્હીમાં છે અને બીજું પરિણામ ઘઉં, ચોખાથી છલકાઈ રહેલા સરકારના ગોડાઉનોમાં દેખાઈ રહ્યું છે. લઘુત્તમ ભાવ વધારતા રહેવાથી ફૂડ કોર્પોરેશનના ગોડાઉનોમાં એટલા ઘઉં, ચોખાનો ભરાવો થયો છે કે આવનારા બે વર્ષ સુધી તેનું ઉત્પાદન થાય નહીં તોય દેશને વાંધો આવે નહીં. આ એક ગુનાહિત રાષ્ટ્રીય વ્યય છે. અદાલત પાસે શું આનો કોઈ ઉકેલ છે?

હવે વેપારી મંડળો પણ આંદોલનના પ્રત્યાઘાત આપવા લાગ્યા છે. દિલ્હી હિન્દુસ્તાની મર્કેન્ટાઈલ એસોસિએશનના પૂર્વ પ્રધાન સુરેશ બીન્દલે કહ્યું કે આ આંદોલનના કારણે વેપારમાં ખૂબ નુકસાન થઇ રહ્યું છે. દિલ્હીના જે મુખ્ય બજારો છે જેવા કે ચાંદની ચોક, સદર બજાર, ખારી બાવલી, નયા બજાર, ભાગીરથ પેલેસ, દરિયાગંજ, ટેંક રોડ, સરોજીની નગર અને દિલ્હીની આસપાસના પણ મોટા બજારોમાં અસર પડી રહી છે. વેપારીઓના ટર્નઓવર પર પણ મોટી અસર પડી છે, 30 હજાર કરોડ રૂપિયાની ખરીદ વેચાણ રોકાઈ ગઈ છે.

વેપારી વડાઓ કહે છે કે કોરોના વાયરસના કારણે પહેલાથી જ બજારોમાં તકલીફ પડી રહી છે એવામાં આ આંદોલને વેપારીઓની કમર તોડી નાખી છે. ટ્રાન્સપોર્ટર્સમાં પણ એક ભય જોવા મળી રહ્યો છે. એસોચેમ અને કેટનું પણ અનુમાન છે કે ખેડૂત આંદોલનના કારણે વેપારને ખૂબ નુકસાન થઇ રહ્યું છે. એસોચેમ તરફથી કહેવામાં આવ્યું કે આ મુદ્દાઓનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવવું જોઈએ, આ આંદોલનના કારણે દરરોજ 3500 કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે એવામાં દેશભરના વેપારીઓને તકલીફ પડી રહી છે. પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ જેવા રાજયોના અર્થતંત્રને પણ માઠી અસર પડી છે.

કેટના રાષ્ટ્રીય મહાસચિવનું કહેવું છે કે આંદોલનના કારણે પાંચ હજાર કરોડ રૂપિયાનો વેપાર પ્રભાવિત થયો છે. તેમણે કહ્યું કે ખેડૂતોની માંગ સાંભળવી જોઈએ અને સમસ્યાનું સમાધાન નીકાલવું જોઈએ.  જો આવ્ય નહીં કરવામાં આવે તો વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સની હાલત ખૂબ ખરાબ થઇ જશે. દિવાળી બાદ જેમ તેમ ગાડી પાટા પર આવી હતી અને આંદોલનના કારણે ફરીથી મુશ્કેલી ઉભી થઇ ગઈ. એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે આંદોલન માત્ર સરકારનો અકારણ વિરોધ કરવા માટે ચાલે છે. કારણ કે કેન્દ્રના અનેક પ્રધાનોએ અને ખુદ વડાપ્રધાને તમામ પ્રકારે વાટાઘાટોની તૈયારી બતાવી તો પણ આંદોલનના કહેવાતા નેતાઓ માથું ધુણાવ્યા કરે છે અને એ ખ્યાલ જ આવતો નથી કે તેઓ આ આંદોલનને કઈ દિશામાં લઈ જવા ચાહે છે.