અનામતની જોગવાઈઓમાં ક્રિમી લેયર અંગેની અમલવારી સરકારને ભારે પડે છે

સુપ્રીમ કોર્ટે છેલ્લા બે વર્ષમાં સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈને મુદ્દે આપેલા અલગ અલગ ચુકાદાઓના કારણે આપણે ત્યાં લાંબા સમયથી મગજમારી ચાલે છે. સુપ્રીમ કોર્ટે અનામત બંધારણીય અધિકાર નથી એવો સૌથી મોટો ચુકાદો આપ્યો પછી અનામતની જોગવાઈ અંગે અર્થઘટન કરતા અલગ અલગ ચુકાદા આપ્યા છે. અનામતનો લાભ કોને મળવો જોઈએ અને કોને ના મળવો જોઈએ ત્યાંથી માંડીને કેન્દ્ર કે રાજ્ય સરકારો અનામતનો લાભ આપવા બંધાયેલી નથી ત્યાં લગીની ચોખવટો આ ચુકાદાઓમાં કરાઈ છે.

સુપ્રીમ કોર્ટે તો પોતાના ચુકાદામાં અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ને અનામતનો લાભ આપવા માટે ક્રીમી લેયરની જોગવાઈ કરવા પણ કહ્યું છે. અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી)માં અનામતનો લાભ લેવા માટે વરસે લાખની આવક મર્યાદા નક્કી કરેલી છે. 8 લાખ કરતાં વધારે આવક હોય એ બધા ક્રીમી લેયર એટલે કે મલાઈદાર માણસો ગણાય ને તેમને અનામતનો લાભ ના મળે. અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)માં પણ અનામતનો લાભ લઈ લઈને મલાઈદાર બનેલા લોકો માટે ક્રીમી લેયર નક્કી કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફરમાન કરેલું. આ ફરમાન હજુ ઊભું જ છે ને તેનો અમલ કઈ રીતે કરવો એ મામલે મોદી સરકાર ગોથાં ખાય જ છે.

સુપ્રીમે આવો જ એક ચુકાદો સરકારી નોકરીઓમાં પ્રમોશન મુદ્દે આપેલો. આ વરસના ફેબ્રુઆરી મહિનામાં આપેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહેલું કે, સરકારી નોકરીઓમાં નિમણૂક તથા પ્રમોશનમાં અનામત આપવા માટે સરકાર બંધાયેલી નથી. સુપ્રીમ કોર્ટે એ ચોખવટ પણ કરેલી કે, કોઈ પણ કોર્ટ સરકારને નોકરીઓમાં અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત રાખવાની ફરજ પાડતો આદેશ ના આપી શકે. રાજ્ય કે કેન્દ્ર સરકારની મરજી પડે તો અનામતનો લાભ આપે બાકી રામ રામ. તેનું કારણ એ કે, અનામતનો લાભ મેળવવા દાવો કરવો એ કોઈ પણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર નથી. અનામત બંધારણીય જોગવાઈ નથી પણ એક નિયમ છે તેથી સરકારી નિમણૂકો અને પ્રમોશનમાં અનામત આપવી કે નહીં એ નક્કી કરવાનો અધિકાર માત્ર ને માત્ર સરકારને છે. કેન્દ્ર સરકારની નોકરી હોય તો એ કેન્દ્ર સરકાર કરે ને રાજ્ય સરકારની નોકરી હોય તો રાજ્ય સરકાર નક્કી કરે પણ કોઈ કોર્ટ સરકારને એવું ફરમાન ના કરી શકે કે, ફલાણાને અનામતનો લાભ આપો ને ઢીંકણા માટે અનામતની જોગવાઈ કરો.

સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે કકળાટ થઈ ગયેલો. આ ચુકાદાને બદલવા માટે દબાણ શરૂ થયેલું. મોદી સરકારના પ્રધાન રામવિલાસ પાસવાને તો માગણી કરેલી કે, અનામતને લગતા જેટલા પણ કાયદા છે એ બધાંને બંધારણના નવમા શીડ્યુલમાં નાંખી દો કે જેથી તેને કોર્ટમાં પડકારી ના શકાય. બીજાં સંગઠનો પણ મેદાનમાં આવી ગયેલાં ને તેના કારણે મોદી સરકાર માટે ઈધર કૂઆં, ઉધર ખાઈ જેવી હાલત છે. સુપ્રીમના ચુકાદાને માન્ય રાખે તો દલિતો અને આદિવાસીઓ બગડે. સુપ્રીમના ચુકાદાને બદલે તો સવર્ણો બગડે તેથી મોદી સરકાર શું કરવું તેની મૂંઝવણમાં હતી. છેવટે મોદી સરકારે આ ચુકાદા સામે અરજી કરી. સુપ્રીમ કોર્ટે એ વખતે તેને થોડી રાહત આપીને યથાવત્ સ્થિતિ જાળવી રાખવા માટે કહ્યું પણ પ્રમોશનમાં અનામતનો લાભ આપવાની તો ઘસીને ના પાડી દીધી હતી.

આ મુદ્દે દબાણ વધતું જતું હતું તેથી મોદી સરકારે વચલો રસ્તો કાઢીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે, સરકારી નોકરીઓમાં પ્રમોશન આપવા માટે કામચલાઉ મંજૂરી આપો કે જેથી ખાલી પડેલી 1.30 લાખ જગાઓ ભરી શકાય. સરકારે એવી પણ દલીલ કરેલી કે, પ્રમોશનની મંજૂરી નથી તેના કારણે આ જગાઓ ભરાતી નથી તેથી કારભાર કરવાનું જ અશક્ય બની ગયું છે. સુપ્રીમ કોર્ટ આ દલીલથી પણ પિગળી નથી ને તેણે ફરી એક વાક સાફ શબ્દોમાં કહી દીધું કે, પ્રમોશનમાં અનામતનો લાભ આપીને સરકારી નોકરીઓ નહીં જ ભરી શકાય. ચીફ જસ્ટિસ શરદ બોબડેના નેતૃત્વ હેઠળની બેંચે એપ્રિલ ૨૦૧૯માં આપેલા ચુકાદા મામલે કોઈ ચોખવટ કરવાનો પણ સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. એસસી અને એસટી માટે પ્રમોશનમાં અનામતને લગતા કેસમાં સુનાવણી પતી ના જાય ત્યાં લગી કશું નહીં થાય એવું કહીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઠાલા હાથે પાછી કાઢી છે. સુપ્રીમ એ પણ કહી દીધું છે કે, એક મહિના પછી પ્રમોશનના કેસમાં અંતિમ સુનાવણીની તારીખ નક્કી કરીશું ને એ પછી જે થશે તેનો અમલ સરકારે કરવાનો રહેશે, બાકી અત્યારે થાગડથીગડ કશું નહીં થાય. મોદી સરકારે આજીજી કરેલી કે, પ્રમોશન સીનિયોરિટીના આધારે જ અપાશે ને તેમાં કોઈની સાથે અન્યાય નહીં થાય પણ સુપ્રીમ કોર્ટ એ માટે પણ તૈયાર થઈ નથી.

સુપ્રીમ કોર્ટે મોદી સરકારને બીજો પણ આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એસસી અને એસટી માટે અનામતમાં પણ ક્રીમી લેયરનો અમલ કરવા કહેલું. મોદી સરકારે આ ચુકાદા અંગે પણ ફેરવિચારણા કરવા કહેલું પણ સુપ્રીમે ઘસીને ના પાડી દીધી. સુપ્રીમે સ્પષ્ટ કર્યું છે કે, દલિતો અને આદિવાસીઓમાં પણ જે લોકો સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે આગળ વધીને સધ્ધર થયા છે તેમની સરકારી નોકરીઓમાંથી અનમાતનો લાભ મેળવનારા વર્ગમાંથી બાદબાકી કરવી જ પડશે.

સુપ્રીમ કોર્ટે બંને મુદ્દે લીધેલું વલણ એકદમ બરાબર છે કેમ કે મોદી સરકારની દલીલ વાહિયાત છે. એવી દલીલ હાસ્યાસ્પદ ને ગળે ઊતરે તેવી નથી. મોદી સરકારનું કહેવું છે કે, પ્રમોશન આપવા સામે સુપ્રીમ કોર્ટે ફરમાવેલા પ્રતિબંધના કારણે સરકાર કેન્દ્ર સરકારના 23 વિભાગોમાં 1.30 લાખ જગાઓ પર પ્રમોશન અટવાઈ ગયાં છે ને વહીવટ ચલાવવો મુશ્કેલ થઈ ગયો છે તેથી પ્રમોશન આપવા માટેની કામચલાઉ મંજૂરી મળવી જોઈએ.

પ્રમોશનને કારણે વહીવટ પર અસર પડે એવી દલીલ બકવાસ ને હાસ્યાસ્પદ છે. સરકાર પાસે એ અધિકાર છે કે, એ કોઈ પણ કર્મચારીને કામચલાઉ રીતે ચાર્જ આપી જ શકે. કલેક્ટરનો ચાર્જ ડેપ્યુટી કલેક્ટરને સોંપાય કે કોઈ શહેરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ કામચલાઉ રીતે કોઈને ચાર્જ અપાય તેમાં કશું નવું નથી. આવું તો બધા વિભાગોમાં થાય છે ને બધી સરકારો પોતાના ફાયદા માટે કે પોતાના માનીતા અધિકારીઓને સાચવવા માટે આ ખેલ કરે જ છે. એ વખતે વહીવટ ચલાવવો મુશ્કેલ થઈ ગયો છે એવું કોઈ વિચારતું નથી. આપણે ત્યાં તમામ સરકારો ઢગલાબંધ જગાઓ ભરતી નથી ને તેનો કાર્યભાર બીજા વિભાગના અધિકારીઓને સોંપીને કે પછી એ જગાઓ સાવ ખાલી રાખીને પણ કામ ચલાવે છે. મોટા ભાગના અધિકારીઓ પાસે પોતાના વિભાગ ઉપરાંત બીજા વિભાગોના હવાલા હોય છે ને એ પ્રથા રાજકારણીઓએ જ પાડેલી છે. શિક્ષકો ને ડોક્ટરો જેવી અત્યંત જરૂરી સેવાઓમાં પણ જગાઓ ભરાતી નથી ને ત્યારે તો કોઈ કારભાર નહીં થાય તેની ચિંતા કરતું નથી. હવે અત્યારે જ મોદી સરકારને આ ચિંતા કેમ થઈ ?

મોદી સરકારે પોતે જ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, ૧.૩૦ લાખ જગાઓ ખાલી છે. આ જગાઓ પૈકી બધી જગાઓ પ્રમોશનથી ભરવાની ના હોય એ વાત નાના છોકરાને પણ સમજાય એવી છે. જે જગાઓ પ્રમોશનથી નથી ભરવાની એ જગાઓ પર પણ સરકાર ભરતી કરી જ શકે તો એ ભરતી કેમ થતી નથી ? આ ભરતી થાય તો પણ સમસ્યા હળવી થઈ જ જાય છતાં મોદી સરકાર પ્રમોશનનું પૂંછડું પકડીને જ કેમ બેઠી છે ? કેમ કે સરકારને ખાલી જગાઓ ભરવામાં રસ નથી પણ પ્રમોશન અટક્યાં તેમાં રાજકીય ફાયદાને ફટકો પડી શકે તેની ચિંતા છે.

સુપ્રીમ કોર્ટે દલિતો અને આદિવાસીઓમાં ક્રીમી લેયરની વાત કરી એ પણ બરાબર છે. બલ્કે તેનો તો સૌથી પહેલાં અમલ કરવાની જરૂર છે. અનામતનો ઉદ્દેશ સદીઓથી કચડાયેલા ને તેના કારણે વિકાસથી વંચિત રહેલા દલિત અને આદિવાસી સમાજને બીજી જ્ઞાતિઓની સમકક્ષ લાવવાનો છે. સામાજિક અસમાનતાના કારણે જેની પાસે સગવડો અને સમૃદ્ધિ છે એ લોકો જ બધો લાભ ના લઈ જાય એટલા માટે અનામતની જોગવાઈ કરાઈ.

આ જોગવાઈનો લાભ લઈને જે લોકો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે આગળ આવ્યા તેમનાં સંતાનોને ખરેખર અનામતનો અધિકાર નથી. તેમનાં સંતાનોને તો એ બધી સગવડો મળે જ છે કે જે ઉચ્ચ વર્ગનાં લોકોને મળે છે પછી તેમને અનામતની શું જરૂર ? આ સંજોગોમાં તેમને ક્રીમી લેયર કેટેગરીમાં મૂકીને જે ખરેખર હજુ વિકાસથી વંચિત છે એ લોકોને જ અનામતનો લાભ આપવો એ વાત ન્યાયી પણ છે અને તર્કસંગત પણ છે. અનામતનો સાચો ઉદ્દેશ વંચિતોને તક આપવાનો છે પણ હાલની જોગવાઈમાં એ ઉદ્દેશ પાર નથી પડતો એ જોતાં એસસી-એસટી અનમાતમાં ક્રીમી લેયર જરૂરી છે જ.