અનીડામાં શિલાફલકમ, ધ્વજવંદન, પંચપ્રાણ, વૃક્ષારોપણ સંપન્ન

અમરેલી ,
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા.30 ઓગસ્ટ, 2023 સુધી “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આ કડીના ભાગરુપે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લાના વડિયા-કુંકાવાવ તાલુકાના અનીડા ગામે “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ સંપન્ન થયો હતો.પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિમાં નાયબ મુખ્ય દંડકશ્રીના હસ્તે શિલાફલકમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વંજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામજનો અને ઉપસ્થિત મહાનુભાવોએ અનીડા ગામની પાવન માટીને હાથમાં રાખી આઝાદીના અમૃત મહોત્સવના પંચપ્રણની પ્રતિજ્ઞા લીધી હતી.ગ્રામજનોને સંબોધતા નાયબ મુખ્યદંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ હતુ કે, દેશમાં પહેલીવાર દેશના વીરોને આટલા મોટા વિશાળ ફલક પર વંદન અને માટીને નમન કરવાનો કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાઈ રહ્યો છે. ગામની માટી, ગામના વીરોને નમન અને વંદન કરી દેશના ગામે ગામની માટી દિલ્હી ખાતે લઈ જવામાં આવશે જ્યાં વડાપ્રધાનશ્રીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે. નાયબ મુખ્યદંડકશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે, આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દેશવાસીઓમાં દેશભક્તિ અને દેશદાઝને જાગૃત્ત કરવાનું, દેશભક્તિ ઉજાગર કરવાનું કાર્ય કરી રહ્યા છે. કાર્યક્રમમાં સેનામાં ફરજ બજાવી વયનિવૃત્ત થયેલા અનીડાના વીર જવાન શ્રી રમેશભાઈ વાસાણીનું નાયબ મુખ્યદંડકશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના પટાંગણમાં અમૃત વાટીકાના ઉપલક્ષમાં વૃક્ષારોપણ કરી તેના જતનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના પ્રતિનિધિ શ્રી, જલ્પેશભાઈ મોવલિયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના પ્રતિનિધિશ્રી, શ્રી વસંતભાઈ સોરઠીયા, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, આસપાસના ગામના સંરપચશ્રીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.