અફઘાનમાં પગદંડો જમાવ્યા પછી તાલિબાનો ભારતને ભારે પડશે

ગુજરાતીમાં કહેવત છે કે વાર્યા ન વળે એ હાર્યા વળે ને અમેરિકા-તાલિબાન જંગમાં એ વાત સાચી સાબિત થઈ છે. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અલ કાયદાના ઓસામા બિન લાદેનના ઈશારે અમેરિકામાં ટિવન ટાવર્સ પર આતંકવાદી હુમલો થયો તેનો બદલો લેવા અમેરિકાએ અફાઘાનિસ્તાનને ધમરોળી નાખેલું. ઓસામા બિન લાદેનના અફઘાનિસ્તાનના શાસક તાલિબનના મુલ્લા ઉમરે આશરો આપેલો તેથી બદલો લેવા અમેરિકાએ અફઘાનિસ્તાનને નિશાન બનાવેલું. અફઘાનિસ્તાનમાં બોમ્બ પર બોમ્બ ઝીંકીને અમેરિકાએ અફઘાનિસ્તાનને ખેદાનમેદાન કરી નાખેલું. અમેરિકાને એમ હતું કે, હલ્લાબોલ કરીને તાલિબાનને ચપટીમાં મસળી નાખીશું ને ઓસામાનો કાંઠલો ઝાલીને અમેરિકા લઈ આવીશું.
અમેરિકાની ધારણા પ્રમાણે કશું થયું નહીં ને અમેરિકાએ તાલિબાનને ખતમ કરવા અફઘાનિસ્તાન પર કરેલું આક્રમણ ધાર્યા કરતાં લાંબું ચાલ્યું તેમાં અમેરિકા પણ લાંબું થતું ગયું. અમેરિકા ઓસામાને મારવામાં તો સફળ થયું પણ તાલિબાનને સાવ સાફ ના કરી શક્યું. લડાઈ લંબાતી ગઈ તેમાં તાલિબાનને તો કંઈ ફરક પડ્યો નહીં કેમ કે એ લોકો તો આમ પણ લુખ્ખા હતા તેથી તેમનું કશું લૂંટાઈ જાય એમ નહોતું પણ અમેરિકા હાંફી ગયું. અમેરિકાએ આ લડાઈમાંથી બહાર નિકળવા બહુ ફાંફાં માર્યાં પણ મેળ ના પડ્યો એટલે છેવટે તાલિબાનના પગ પકડીને સમજૂતી કરી લીધી.
આ સમજૂતી પ્રમાણે અમેરિકા આ વરસે 11 સપ્ટેમ્બર લગીમાં અફઘાનિસ્તાનમાંથી પોતાના તમામ સૈનિકોને પાછા બોલાવી લેશે ને અમેરિકાના ઈતિહાસની અત્યાર લગીની સૌથી લાંબી લડાઈ પૂરી થશે. આમ તો ડોનલ્ડ ટ્રમ્પ પ્રમુખ હતા ત્યારે જ આ વાત નક્કી થઈ ગયેલી. ટ્રમ્પના સમયમાં જ અમેરિકાએ તાલિબાનના પગ પકડેલા ને તેમની સાથે સમજૂતી કરેલી પણ સત્તાવાર રીતે ક્યાં લગીમાં અમેરિકાના સૈનિકોને પાછા ઘરે તેડાવી લેવાશે તેની જાહેરાત નહોતી કરાઈ.
ડોનલ્ડ ટ્રમ્પના વખતમાં અમેરિકા અને તાલિબાન વચ્ચે ગયા વરસના માર્ચ મહિનામાં થયેલી સમજૂતી અથવા તો સોદાબાજી થયેલી. અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની આ સમજૂતીમાં કતારે દલાલી કરી હતી તેથી કતારના દોહામાં આ શાંતિ સમજૂતી પર બંને દેશોએ મત્તું માર્યું હતું. આ સોદાબાજી પ્રમાણે અમેરિકા અફઘાનિસ્તાનમાં રહેલા પોતાના તમામ સૈનિકોને 14 મહિનામાં પાછા ઘરભેગા કરી દેવાનું નક્કી કર્યું હતું. એ પહેલાં સાડા ચાર મહિનામાં અફઘાનિસ્તાનનો કારભાર તાલિબાનને સોંપી દેવાનું પણ નક્કી થયેલું. આ સોદાબાજી પ્રમાણે ગયા વરસે જુલાઈ મહિના લગીમાં આ સત્તાની સોંપણી પૂરી થઈ જવાનું નક્કી કરાયેલું. બંને વચ્ચેના કરારમાં 135 દિવસનો સમય નક્કી કરાયો હતો તેથી અમેરિકા ત્યાં લગીમાં ખસી જશે તેમાં મીનમેખ નહોતો. આ 135 દિવસના ગાળા પછી સંકેલો કરવા અમેરિકા પોતાના 8600 સૈનિકોને અફઘાનિસ્તાનમાં રાખે ને 14 મહિનાની મુદત પૂરી થાય ત્યાં લગીમાં તેમને પણ પાછા બોલાવીને અમેરિકા પોતાની લીલા સંકેલી લેશે એવું નક્કી થયેલું.
આ સોદાબાજીનો સંપૂર્ણ અમલ થાય એ પહેલાં કોરોના આવી ગયો ને લોકડાઉન આવી ગયું તેથી બધુ ધીમી ગતિના સમાચારની જેમ ચાલતું હતું. એ પછી અમેરિકામાં ચૂંટણી આવી ને તેમાં ડોનલ્ડ ટ્રમ્પ જ ઘરભેગા થઈ ગયા તેથી બાઈડન ટ્રમ્પે કરેલી સમજૂતીને માન્ય રાખશે કે નહીં એ સવાલ ઊભો થયેલો. બાઈડને શાણપણ વાપરીને આ સમજૂતીને ફોક ના કરી પણ સાથે સાથે ક્યાં લગીમાં બધા સૈનિકોને પાછા ખેંચી લેવાશે તેનો ફોડ પણ નહોતો પાડ્યો. હવે અમેરિકાના પ્રમુખ જો બાઈડને સત્તાવાર રીતે એ ફોડ પણ પાડી દેતાં અમેરિકાની અફઘાનિસ્તાનમાં ચાલતી આતંકવાદ સામેની કહેવાતી બે દાયકા લાંબી લડાઈનું વિધિવત અચ્યુતમ્ કેશવમ્ થઈ જશે.
અલ કાયદાના ઓસામા બિન લાદેનના ઈશારે 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકામાં ટિવન ટાવર્સ પર આતંકવાદી હુમલો થયેલો. આ વરસે 21 સપ્ટેમ્બરે એ વાતને વીસ વરસ પૂરાં થશે. વીસ વર્ષની લડાઈ પછી કદી ના ભૂલાય એવી નાલેશી સાથે ને નાક વઢાવીને અમેરિકા પાછું ઘરભેગું થશે. આ પહેલાં 1970ના દાયકામાં વિયેતનામમાંથી પણ આ રીતે જ અમેરિકાએ સંકેલો કરી લીધેલો. હવે એ જ ઈતિહાસનું અફઘાનિસ્તાનમાં પુનરાવર્તન થશે. વિયેતનામના લડવૈયાઓએ અમેરિકાને મારી મારીને ખોખરા કરી નાંખ્યા પછી અમેરિકાએ આબરૂ બચાવવા ભાગવું પડેલું. અફઘાનિસ્તાનમાં પણ તાલિબાને અમેરિકાની પદુડી કાઢી નાખી પછી અમેરિકાએ “બડે બેઆબરૂ હોકર તેરે કૂંચે સે હમ નિકલે’ કરીને ભાગવું પડ્યું છે.
અમેરિકા પોતાના સ્વાર્થ સિવાય બીજા કશા વિશે વિચારતું નથી એ જગજાહેર વાત છે. અફઘાનિસ્તાનમાંથી સંકેલો કરી લેવાની અમેરિકાની જાહેરાત તેનો વધુ એક પુરાવો છે. પોતાના સ્વાર્થની વાત આવે ત્યારે અમેરિકાને કોઈ સિદ્ધાંતો કે નીતિમત્તા નડતી નથી તેનો પણ આ એક પુરાવો છે. અમેરિકાએ પોતાના સ્વાર્થ ખાતર તાલિબાનો પર એક વાર આતંકવાદી તરીકેનો ઠપ્પો લગાવી દીધેલો ને આખી દુનિયાને તાલિબાન સામે મૂકી દીધેલી.
હવે પોતાના સ્વાર્થની વાત આવી ત્યારે એ જ અફઘાનિસ્તાનના તાલિબાન સાથે અમેરિકાએ સમાધાન કરી લીધું. એ વખતે અમેરિકા તાલિબાનનો સફાયો કરીને દુનિયામાંથી આતંકવાદનો ખાતમો કરી નાખવાની વાતો કરતું હતું. અફઘાનિસ્તાનને આતંકવાદી શાસનમાંથી મુક્ત કરવાના ફડાકા મારતું હતું ને હવે પોતાના સ્વાર્થને ખાતર એ જ તાલિબાન સાથે હાથ મિલાવી લેતાં તેને શરમ નથી આવતી. હવે અફઘાનિસ્તાનની પ્રજા પાછી આતંકવાદી શાસનને હવાલે થઈ જશે તેની અમેરિકાને ચિંતા નથી. અમેરિકાને બસ પોતાની ચિંતા છે તેથી અફઘાનિસ્તાનની પ્રજાને કટ્ટરવાદી તાલિબાનના ભરોસે છોડીને એ હાથ ખંખેરીને ઊભું થઈ જશે.
અમેરિકાએ આ નિર્ણય – હારીને આ નિર્ણય લેવો પડ્યો છે એ કહેવાની જરૂર નથી. અમેરિકાએ 2001માં અફઘાનિસ્તાન પર હલ્લાબોલ કર્યું ત્યારથી તેના સૈનિકો ત્યાં ધામા નાખીને પડ્યા છે. જો કે, અબજોનું આંધણ કર્યા પછી પણ તાલિબાનનો સફાયો કરવામાં સફળ થયું નહોતું. અફઘાનિસ્તાનમાં હાલત બગડતી જતી હતી તેથી અમેરિકા સફળ થાય એવી શક્યતા પણ નથી તેથી અમેરિકા ગમે તે ભોગે ખંખેરીને ઊભું થઈ જવા માગતું જ હતું. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના આંકડા અનુસાર 2001થી માર્ચ 2019 સુધી અફઘાનિસ્તાનમાં અમેરિકાએ 760 અબજ ડોલરનો – આંખ ફાટી જાય એટલો તોતિંગ લશ્કરી ખર્ચ કરી નાખેલો. છેલ્લાં 20 વર્ષમાં અમેરિકાના અફઘાનિસ્તાનમાં 2400 સૈનિકો જંગમાં ખપી ગયેલા અને આશરે વીસ હજાર સૈનિકો હાથ-પગ ગુમાવીને વિકલાંગ બનીને અફઘાનિસ્તાનથી વતન પાછા ફરેલા.
આપણે ત્યાં દેવના દીધેલા 150 કરોડ લોકો છે તેથી સરહદે દરરોજ બે-પાંચ સૈનિકો મરી જાય તેનાથી આપણા પેટનું પાણી હાલતું નથી પણ અમેરિકામાં તો એક સૈનિક પણ મરે તો હોહા થઈ જાય. અમેરિકામાં સૈનિકને લોકો બહુ માન આપે છે ને સૈનિકના મોત માટે સરકારે જવાબ આપવો પડે છે. અફઘાનિસ્તાનમાંથી દર અઠવાડિયે એક-બે સૈનિકોની લાશો આવે તેમાં અમેરિકનો ઉકળવા માંડેલા. નાઈન ઈલેવનને બદલો આપણે લઈ લીધો ને હજુ આ પારકી પળોજણ આપણે શા માટે વેંઢારવી જોઈએ એવા સવાલો લોકો કરવા માંડેલા. ડોનલ્ડ ટ્રમ્પના સમયમાં આ સવાલો વધ્યા ને તેમના માટે માથાનો દુ:ખાવો થઈ ગયેલો તેથી ટ્રમ્પ ગમે તે રીતે અફઘાનિસ્તાનમાંથી બધું ખંખેરીને ખસી જવા તૈયાર હતા. એ માટે તે તાલિબાનની દરેક શરત સ્વીકારવા તૈયાર હતા તેથી કતારે દલાલી કરીને સમાધાન કરાવી દીધું.
આ સોદાબાજીથી તાલિબાન ને અમેરિકા બંને ભલે રાજી થયાં હોય પણ આ સોદાબાજી દુનિયાનાં લોકો માટે રાજી થવા જેવી નથી. આ કરાર દ્વારા અમેરિકાએ અફઘાન પ્રજાને પાછી સાતમી સદીની માનસિકતા ધરાવતા જંગલી તાલિબાનને હવાલે કરી દીધા છે. એ લોકો પાછા એ જ જૂના કાયદા લાવીને મહિલાઓને દબાવવાને ને તેમના પર અત્યાચાર કરવાના ખેલ શરૂ થઈ જશે તેના કારણે અફઘાનના પ્રજાનું તો આવી જ બનશે પણ આપણી હાલત પણ બગડશે કેમ કે અત્યારે અફઘાનિસ્તાન સાથે ભારતનાં વ્યાપક હિતો સંકળાયેલાં છે.
તાલિબાન મજબૂત થતાં જ તેની સામે જોખમ ઊભું થઈ જ જવાનું છે. ભારત અફઘાનિસ્તાનમાં સંખ્યાબંધ પ્રોજેક્ટમાં સામેલ છે અને જંગી રોકાણ કરીને બેસી ગયું છે. અફઘાનિસ્તાનની સંસદને પણ ભારતના સહયોગથી બનાવાઈ છે ને બીજા ઘણા પ્રોજેક્ટ ભારતે હાથ ધર્યા છે. તાલિબાન ફરી સત્તામાં આવે તો એ બધું ખોરવાઈ જાય. તાલિબાનનો ઝૂકાવ પાકિસ્તાન તરફ વધારે છે તેથી પાકિસ્તાનના ઈશારે ભારત-અફઘાનિસ્તાનના વ્યાપારને રોકી દે એવું પણ બને. ભારતનાં આર્થિક હિતોને એ રીતે મોટો ફટકો પડે. તાલિબાન અત્યારે ડાહી ડાહી વાતો કરીને બધાં સાથે સારા સંબધોની રેકર્ડ વગાડે છે પણ માંહ્યલા ગુણ એમ થોડા જાય?
તાલિબાન પાછા સત્તામાં આવે ને તાકતવર બને તેના કારણે કાશ્મીરમાં પણ તકલીફ વધી શકે. પાકિસ્તાન અફઘાન આતંકીઓનો ઉપયોગ કાશ્મીરમાં કરી શકે છે. તાલિબાન અંતે તો પાકિસ્તાને પોષેલું જ પાપ છે તેથી એ પાકિસ્તાનના ઈશારે જ નાચશે. અમેરિકા સામે લડવાનું રહ્યું નહીં એટલે તાલિબાનને પાકિસ્તાન કાશ્મીરમાં આપણી મેથી મારવા માંડે એ પણ મોટો ખતરો છે.