અભિનેતા મધુર મિત્તલ પર મારપીટ અને જાતીય સતામણીનો આરોપ

હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા મધુર મિત્તલ પર મારપીટ અને જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેની ઉપર તેની પૂર્વ ગર્લફ્રેન્ડ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં તેની ફરિયાદ પર મુંબઈ પોલીસે એક્ટર સામે ફરિયાદ નોંધી છે. જો કે, આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. મળતી માહિતી અનુસાર, મધુર વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં મારપીટ અને ઘાયલ કરવા અને જાતીય ગેરવર્તન માટે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી યુવતી ગત વર્ષે ડિસેમ્બરમાં મધુરને મળી હોવાનું કહેવાય છે. આના થોડા દિવસો પછી, મધૂરે દારૂના નશામાં જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો.
પીડિતાના વકીલે જણાવ્યું હતું કે તેના ક્લાયન્ટે આ ઘટનાના બે દિવસ પહેલા ૧૧ ફેબ્રુઆરીએ મધુર સાથેનો તમામ સંપર્ક સમાપ્ત કર્યો હતો. વકીલે કહૃાું કે મધુર ખૂબ ગુસ્સે હતો અને કોઈ વાતચીત કર્યા વિના તેના રૂમમાં પ્રવેશ કર્યો. ફરિયાદમાં જણાવાયું છે કે મધુરે પીડિતાનું ગળું પકડ્યું હતું અને ઘણી વાર તેને થપ્પડ મારી હતી, તેના વાળ અને કાન ખેંચ્યા હતા અને તેને આંખની નીચે મુક્કો માર્યો હતો. આના કારણે પીડિતાના ચહેરા, ગળા, છાતી, પાંસળી, હાથ, પીઠ, કાન અને આંખોમાં ઇજાઓ થઈ છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મધુર મિત્તલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ છેડતી, જાતીય શોષણ, જાતીય હુમલો અને કેસની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ મામલે મધુર મિત્તલ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. કામની વાત કરીએ તો, મધુર મિત્તલે અત્યાર સુધીમાં ઘણી હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે કહીં પ્યાર ન હો જાયે, સે સલામ ઈન્ડિયા અને માત્ર જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની હોલીવુડ ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર અત્યાર સુધીમાં ઘણા ઓસ્કર જીતી ચૂકી છે. ફિલ્મ્સ ઉપરાંત મિત્તલ અનેક ટીવી સિરિયલોમાં પણ જોવા મળ્યો છે.