અભિમાની ટ્વીટર માલિકોને મોદી સરકાર આકરો પાઠ તો ભણાવશે

નરેન્દ્ર મોદી સરકારે બનાવેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોના મુદ્દે એક આંદોલન સોશિયલ મીડિયા પર પણ ચાલી રહ્યું છે. મોદી સરકારના તરફદારો ને વિરોધીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર પણ જોરદાર જંગ ચાલે છે ને રોજેરોજ પટ્ટાબાજી ખેલાયા કરે છે. આ પટ્ટાબાજીમાં રોજ નવા નવા ટ્વિસ્ટ આવ્યા કરે છે ને તાજો ટ્વિસ્ટ ખેડૂત અંદોલનના સમર્થનમાં થઈ રહેલી ટ્વિટ્સના મુદ્દે મોદી સરકારે લાલ આંખ કરી તેમાં મોદી સરકાર ને ટ્વિટર સામસામે આવી ગયા એ છે.
કૃષિ કાયદાના વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં હોલીવૂડ એક્ટ્રેસ અમાંડા, નોર્વેની 18 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ, પોપ સિંગર રિહાના, પોર્ન સ્ટાર મિયાં ખલીફા, કમલા હેરિસની ભત્રીજી મીના હેસિસ વગેરેએ ટ્વિટ્સ કરી તેના કારણે મોદી સરકાર વ્યાકુળ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર કરોડોની સંખ્યામાં ફોલોઅર ધરાવતી આ સેલિબ્રિટીઝની ટ્વિટ્સના કારણે ખેડૂતોનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજવા માંડતા મોદી સરકારે ટ્વિટર ફરતે ગાળિયો કસીને હજારથી વધુ વાંધાજનક એકાઉન્ટ બંધ કરવા ફરમાન કર્યું છે.
ભારતનો દાવો હતો કે, તેમણે આપેલા લિસ્ટમાં ખાલિસ્તાનના સમર્થક, પાકિસ્તાનના પીઠ્ઠુ, આતંકીઓના દલાલ, હેટ સ્પીચ ફેલાવનારા વગેરે લોકોનાં એકાઉન્ટ્સ છે. મોદી સરકારનું કહેવું હતું કે, ખેડૂત આંદોલન મુદ્દે લોકોને અવળે પાટે દોરતાં કેટલાંક એકાઉન્ટ્સ સરકારના ધ્યાને આવ્યા હતા તેથી સરકારે એ એકાઉન્ટ્સ હટાવવા ટ્વિટરને કહ્યું હતું. સરકારે કેટલાક વાંધાજનક અને ગેરબંધારણીય લેખન કરનારા પત્રકારો, મીડિયા હાઉસ, આંદોલનકારીઓનાં એકાઉન્ટ્સ બ્લોક કરવા પણ ટ્વિટરને કહ્યું હતું.
મોદી સરકારને એમ હશે કે, આપણે ફરમાન કરીશું એટલે ટ્વિટર પૂંછડી પટપટાવીને આ બધાં એકાઉન્ટ બંધ કરી દેશે પણ તેના બદલે ટ્વિટરે અડધાથી ઓછાં એટલે કે પાંચસો જેટલાં એકાઉન્ટ્સ જ બ્લોક કર્યા. ભારતે કાયમ માટે આ એકાઉન્ટ્સ બંધ કરવા કહેલું પણ ટ્વિટરે માત્ર ભારતમાં જ એકાઉન્ટ્સ બ્લોક કર્યાં છે. મતલબ કે, આ એકાઉન્ટ્સ પર જે પણ ટ્વિટ થાય એ ભારતમાં ન દેખાય, બાકી બીજે બધે તો દેખાય જ. આ ટ્વીટરની દગાબાજી છે ને સરકારને છેતરવાની ચાલબાજી છે. મીડિયા હાઉસ અને પત્રકારોનાં એકાઉન્ટ્સ બંધ કરવાની તો ટ્વિટરે ઘસીને ના પાડી દીધી ને અમુક કિસ્સામાં ટ્વિટરે કેટલાક એકાઉન્ટ્સ થોડા સમય માટે બંધ કરી દીધાં પણ પછી તપાસ કરીને મોદી સરકારની વાત યોગ્ય નથી એવું કહીને પાછાં આ એકાઉન્ટ્સ શરૂ કરી દીધાં. એટલે હવે ભારત સરકારે કડક હાથે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.
મોદી સરકારને આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ન ચગે એટલે જ આ એકાઉન્ટ્સ બંધ કરાવવામાં રસ હતો પણ ટ્વિટર એ માટે તૈયાર નથી. બાકી હતું તે ટ્વિટરે મોદી સરકારને ફ્રી સ્પીચનું જ્ઞાન પિરસીને કહ્યું કે, અમે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને પ્રાથમિકતા આપીએ છીએ એટલે કોઈ પણ એકાઉન્ટને સાવ બંધ કે બ્લોક ન કરી શકીએ કેમ કે ભારતમાં જે કોમેન્ટ્સ વાંધાજનક લાગતી હોય કે જે એકાઉન્ટ્સ ભારત વિરોધી લાગતું હોય એ બીજા વ્યક્તિ માટે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય હોઈ શકે. આ કારણે ભારતમાં આ એકાઉન્ટ્સ બંધ કરીએ છીએ પણ એ ભારત બહાર બંધ નહીં થાય. ટ્વિટરે એવું પણ કહ્યું કે, અમે ભારત સરકારના કાયદા પ્રમાણે જ કામ કરી રહ્યા છીએ ને વાંધાજનક લાગે એ બધું રદ કરી જ નાખીએ છીએ.
ટ્વિટરની આ નાફરમાનીથી મોદી સરકાર છંછેડાઈ ગઈ. મોદી સરકારે બુધવારે તાબડતોબ ટ્વિટરના ભારતના કારભારીઓને હાજર થવા ફરમાન કર્યું. મોદી સરકાર વતી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈ. ટી. સેક્રેટરી અજય પ્રકાશ સાહનીએ ટ્વિટરના મોનિક મેશ અને જિમ હેકરને બોલાવીને ચીમકી આપી કે, ભારત સરકારના કાયદા પ્રમાણે કામ નહીં કરો તો બિસ્તરાં પોટલાં બાંધીને ઘરભેગા કરી દેવાશે. ટ્વિટર અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના તરફદારો માટે નહીં પણ તેનો દુરૂપયોગ કરનારા લોકોના દલાલ તરીકે વર્તે છે એવું આળ પણ મોદી સરકારે ટ્વિટર પર મૂક્યું છે.
ટ્વિટરને ધમકી આપવા માટે ટ્વિટરની બેઠ્ઠી નકલ જેવા કૂ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોદી સરકારે ટ્વિટરને અપાયેલી ચીમકીની વિગતો મૂકેલી. ભાજપના બીજા નેતાઓ પણ એ પ્લેટફોર્મ પર મચ્યા છે. ગુરૂવારે કેન્દ્રના આઈ.ટી. પ્રધાન રવિશંકર પ્રસાદે લોકસભામાં ટ્વિટરને ચેતવણી આપી કે, સોશિયલ મીડિયા હિંસા ભડકાવશે, ફેક ન્યૂઝ ફેલાવશે કે દેશમાં એખલાસ ખોરવશે તો મોદી સરકાર આકરાં પગલાં લેતાં નહીં વિચારે. પ્રસાદે સ્પષ્ટતા કરી કે, કંપનીઓ ભારતમાં કામ કરે કે પૈસા કમાય તેની સામે વાંધો નથી પણ ભારતના કાયદા ને બંધારણને તો માનવું જ પડશે.
ટ્વિટર તો પહેલાં જ કહી ચૂક્યું છે કે, અમે તો ભારતના કાયદા પ્રમાણે જ વર્તીએ છીએ ને ભારત સરકાર કહે એ બધું રદ કરી નાખીએ છીએ. સામે સરકારને ટ્વિટર પોતાની રીતે ભારતના કાયદાનું અર્થઘટન કરે એ પસંદ નથી. મોદી સરકાર ઈચ્છે છે કે, અમે કહીએ એ બધું ટ્વિટરે રદ કરી નાખવાનું ને અમે કહીએ ફરમાન માનવાનું. ટ્વિટર એ માટે જરાય તૈયાર નથી એ જોતાં ટ્વિટર અને મોદી સરકાર વચ્ચે સંઘર્ષ લાંબો ચાલશે એ નક્કી છે.
આ સંઘર્ષમાં કોણ જીતશે એ ખબર નથી પણ અત્યારે જે સ્થિતિ છે એ જોતાં ટ્વિટરને નમાવવું મોદી સરકાર માટે બહુ કપરું છે. તેનું કારણ ટ્વિટરનો વિશ્વવ્યાપી પ્રભાવ છે. આ પ્રભાવનું કારણ એ છે કે, ટ્વિટર કોઈ વાતને દબાવતું નથી ને જેને જે કહેવું હોય એ કહેવાની છૂટ આપે છે. ટ્વિટર કોઈની શરમ ભરતું નથી કે કોઈના દબાણમાં આવતું નથી. ટ્વિટરની આ દાદાગીરીનો તાજો નમૂનો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે જો બાઈડનને સત્તા પર આવતા રોકવા માટે કરેલા ઉધામા વખતનું ટ્વિટરનું વલણ છે. ટ્રમ્પે ઉશ્કેરણી કરી તેમાં તો અમેરિકાના ખુરશી પર બેઠેલા પ્રમુખ ટ્રમ્પનું એકાઉન્ટ ટ્વિટરે કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દીધું હતું. ટ્રમ્પ ખુરશી પરથી ઉતરી ગયા પણ હજુય તેમનું એકાઉન્ટ ચાલુ કરાયુ નથી. હવે ટ્વિટર ટ્રમ્પ જેવા માણસને ન ગણકારતી હોય તો ભારત સરકારને આસાનીથી મચક આપે એ વાતમાં માલ નથી.
ટ્વિટરને ભારતના કાયદાઓનો અને આપણે ટેકનોલોજીમાં પછાત છીએ તેનો પણ ફાયદો છે. ભારતમાં ટેકનોલોજી કંપનીઓને નાથવા માટેના કે કાબૂમાં રાખવાના કડક કાયદા જ નથી. આ કારણે આ ફેસબુક હોય કે ટ્વિટર હોય, તેમની સામે સરકાર કશું કરી શકતી નથી. આપણે ત્યાં સરકારમાં બેઠેલા લોકોની ટેકનોલોજીની સમજ મર્યાદિત છે. બલકે તેમને ગતાગમ જ પડતી નથી તેથી કેવા પ્રકારના કાયદા બનાવવા તેનો ટપ્પો જ પડતો નથી. આ કારણે વરસોથી વાતો ચાલે છે પણ એવા કાયદા જ નથી બન્યા કે જેના કારણે તેમને કાબૂમાં રાખી શકાય.
મોદી સરકાર પોતે સોશિયલ મીડિયા પર સક્રિય હોવાનું અને ટેકનોલોજીસેવી હોવાનો ગર્વ અનુભવે છે પણ એ ગર્વ ટ્વિટર ને ફેસબુક જેવી વિદેશી કંપનીઓના જોરે છે. આપણે ત્યાં વડા પ્રધાનથી માંડીને નાયબ મામલતદાર સુધીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ બન્યા છે. સરકારી યોજનાઓ ને સરકારના મોટા નિર્ણયની જાહેરાત ટ્વિટર પર સૌથી પહેલી થાય છે. ટ્વિટર પર બ્લૂ ટિક ધરાવતા સત્તાવાર એકાઉન્ટ્સ પર આવતી માહિતી સાચી જ હોય એમ માનીને લોકો ચાલે છે તેથી લોકો પણ ટ્વિટર પર નિર્ભર છે. આખું સરકારી નેટવર્ક માહિતી માટે ટ્વિટર પર ચાલે છે તેના કારણે રાતોરાત તેના પરથી હટવું પણ સરકાર માટે શક્ય નથી.
મોદી સરકારે ટ્વિટરને પાઠ ભણાવવો હોય તો ચીનની જેમ પોતાનું સોશિયલ મીડિયા બનાવવું પડે ને ટ્વિટરને નવરું કરી દેવું પડે પણ એ આપણું ગજું નથી. મોદી સરકારે ટ્વિટરને ચેતવણી આપવા માટે ટ્વિટરના વિકલ્પ તરીકે કૂ નામની એપને પોષવા માંડી છે. આ એપ ભારતમાં જ બની છે અને તેને આત્મનિર્ભર એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ભાજપના ઘણા બધા નેતા, મંત્રીઓ ને રાજ્ય કક્ષાના નેતાઓઓ કૂ પર એકાઉન્ટ ખોલાવ્યાં છે પણ તેનો પ્રભાવ જ નથી. ચાર ભારતીય ભાષા હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડમાં ઉપલબ્ધ આ એપ પ્લે સ્ટોર પર દસ લાખથી વધારે વાર ડાઉનલોડ થઈ છે પણ તેના કરતાં વધારે તો ટ્વિટર પર મોદીના ફોલોઅર્સ છે. સરકારના ઘણા વિભાગો આ એપ પર આવી ચૂક્યા છે પણ તેની વાત કરવા માટે પણ તેમણે ટ્વિટ તો કરવી જ પડે છે. આ સ્થિતિમાં ટ્વિટરના વર્ચસ્વને તોડવું સરળ નથી જ. અને હવે મિસ્ટર મોદી એ પ્રભુત્વને તોડ્યા વિના નહીં રહે એ પણ નક્કી છે.