અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો, ખાનગી હોસ્પિટલના ૯૦૦ બેડ દર્દીઓથી ભરાયા

શહેરની ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-૧૯ના દર્દીઓ માટેના બેડ ભરાવામાં છેલ્લા એક અઠવાડિયામાં ૧૦૦ ટકાનો ઉછાળો આવ્યો છે. ૧૫મી માર્ચે ૪૫૦ બેડ ભરેલા હતા જે વધીને ૨૨મી માર્ચે ૯૦૩ થયા હતા. અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ અસોસિએશનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, બેડની સંખ્યા ૨,૨૭૩થી વધારીને ૨,૩૪૧ કરવામાં આવી હોવા છતાં ઓક્યુપન્સી ૨૦%થી વધીને ૩૯% થઈ છે. ૯૦૩માંથી ૨૨% આઇસીયુ બેડ અથવા વેન્ટિલેટર પર હતા.

સાપ્તાહિક ઉછાળાના વિશ્ર્લેષણમાં એ પણ બહાર આવ્યું છે કે, આઇસીયુમાં દર્દીઓ લગભગ ત્રણ ગણા એટલે કે ૫૫થી વધીને ૧૪૫ થયા છે. જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓ બમણા એટલે કે ૨૯થી ૫૮ થઈ ગયા છે.

રાજ્યભરમાં, કોવિડ-૧૯ના દર્દીઓમાં વધારો થઈ રહૃાો છે. દિવાળી બાદની સરખામણીમાં પણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઓછી છે. સુરતમાં, ખાનગી હોસ્પિટલના ૯૬૪માંથી ૬૨૨ બેડ ભરેલા હતા પરંતુ સિવિલ હોસ્પિટલમાં ૧ હજારમાંથી માત્ર ૧૩૪ બેડ પર દર્દીઓ હતા.

મહાનગરપાલિકા સહિત વડોદરા જિલ્લામાં ઉપલબ્ધ ૫,૮૦૪ માંથી કોવિડ ૧૯ બેડમાંથી ૩,૨૪૮ બેડ ભરેલા હતા. અધિકારીઓએ દાવો કર્યો હતો કે, આ સંખ્યામાં પાડોશી જિલ્લાના દર્દીઓનો પણ સમાવેશ થાય છે, જેમનાથી ૫૬% બેડ ભરેલા છે. રાજકોટમાં કોવિડ-૧૯ના ૨૫% બેડ (૧,૩૮૧ માંથી ૩૪૪) ભરાઈ ગયા હોવાનું સ્થાનિક વહીવટીતંત્રએ જણાવ્યું હતું.

અમદાવાદ શહેરમાં ૨૭મી નવેમ્બરે ૩૨૫ જેટલા કેસ નોંધાયા હતા. જ્યારે ૨૨મી માર્ચે ૪૮૧ કેસ નોંધાયા હતા. ૨૭મી નવેમ્બરે ખાનગી હોસ્પિટલોમાં ૩,૧૪૩ બેડ ઉપલબ્ધ હતા, જ્યારે ૨૨મી માર્ચે ૨,૩૪૧ બેડ ઉપલબ્ધ હતા.