અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા ૧૯ થઈ

અમદાવાદ: શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે પણ ૨૦૦થી ઓછા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કેસમાં પણ ઘટાડો થતો જોવા મળી રહૃાો છે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહૃાો છે. મહત્ત્વનું છે કે, છેલ્લા ૨૪ કલાકમાં શહેર અને જિલ્લામાં ૧૬૪ નવા કેસ નોંધાયા છે તો બીજી તરફ ૧૬૯ દર્દીઓ સાજા થયા છે. જ્યારે ૩ દર્દીના કોરોનાના કારણે મોત થયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં ૧૫૭ અને જિલ્લામાં ૭ નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં ૩ દર્દીના મોત થયા છે તેમ જ શહેરમાં ૧૬૩ અને જિલ્લામાં ૬ દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૫૭,૪૭૪ પર પહોંચ્યો છે. જ્યારે ૫૨,૩૧૨ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક ૨૨૪૬ થયો છે.