અમદાવાદમાં ચૂંટણી ખત્મ: કોરોનાનો કહેર શરૂ: ૮ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

મહાનગરપાલિકાની ચૂંટણી બાદ અમદાવાદ શહેરમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. શહેરમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ એકાએક કોરોનાનાં કેસમાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય તંત્ર તરફથી છેલ્લા બે દિવસમાં અલગ અલગ વિસ્તારની આઠ સોસાયટીને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી છે. મતદાન બાદના બીજા દિવસે ત્રણ સોસાયટી અને મતગણતરીના દિવસે પાંચ સોસાયટીને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. જે વિસ્તારોની સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવી છે તેમાં ખોખરા, બોપલ, ભાઈપુરા, બોડકદેવ સહિતનો સમાવેશ થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન વિવિધ પક્ષના નેતાઓ અને કાર્યકરો બેફાન બનીને ફર્યા હતા. ક્યાંક કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થતું હોય તેવું જોવા મળ્યું ન હતું. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમો ભૂલી ગયા હતા. ચૂંટણીને લઈને માસ્ક ન પહેરવા પર દૃંડ અને ઇ-મેમો બંધ થઈ જતાં લોકો પણ બેફામ બની ગયા હતા. આ દરમિયાન લગ્નની સિઝન પણ ચાલી રહી હોવાથી લોકો બેજવાબદાર બની ગયા હતા. લોકો એવી રીતે ફરી રહૃાા હતા કે જાણે કોરોના જતો રહૃાો હોય. આ જ કારણ છે કે તંત્રએ અગમચેતીના ભાગરૂપે ડોમ બાંધવાની શરૂઆત કરી છે.

ચૂંટણી સંપન્ન થતા જ હવે કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવશે. ૨૧મી તારીકે અમદાવાદમાં મતદાન પૂર્ણ થયાના બીજા દિવસથી જ કોરોના ટેસ્ટિંગ માટેન ડોમ ઊભા કરવામાં આવ્યા હતા. રાતોરાત ડોમ ઊભા કરી દેવામાં આવતા લોકોમાં આશ્ર્ચર્યની સાથે સાથે ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન શહેરમાં ઠેર ઠેર ઊભા કરવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ માટેના ડોમ દૂર કરી દેવામાં આવ્યા હતા. હવે ફરીથી શહેરના વિવિધ વિસ્તારોમાં તંત્ર તરફથી ડોમ નાખવામાં આવી રહૃાા છે, અથવા તો બંધ કરી દેવામાં આવેલા ડોમ પર ટેસ્ટિંગની કામગીરીની તૈયારી કરી દેવામાં આવી છે.