અમદાવાદમાં જેઇઇની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન, પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ

ધોરણ ૧૨ બાદ એન્જિનિયરિગમાં એડમિશન મેળવવા માટે લેવામાં આવતી જોઈન્ટ એન્ટ્રાન્સ એક્ઝામિનેશન મેઈનની ઓનલાઇન પરીક્ષાનો મંગળવારે રાજ્યભરમાં પ્રારંભ થયો હતો. કોરોના કાળમાં અનેક ચર્ચા અને વિરોધ બાદ પરીક્ષા લેવામાં આવી હતી. પ્રથમ સેશનમાં લેવાયેલી પરીક્ષા એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. બેચલર ઓફ આર્કિટેક અને પ્લાનિંગ માટે શરૂ થયેલી પરીક્ષા બે ભાગમાં લેવામાં આવી હતી. જેમાં પહેલા સેશનમાં સવારે ૯ વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી અને બપોરે ૧૨ વાગ્યે પરીક્ષા પુરી થઈ હતી. પરીક્ષાનું આયોજન અને સહેલું પેપર રહેતા વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા હતા. ૧૩ જિલ્લાના ૩૧ કેન્દ્રો ખાતેથી ૩૮,૧૬૭ વિદ્યાર્થીઓ જેઇઇ પરીક્ષા આપી હતી.
જેમાં આર્કિટેક અને પ્લાનિંગ બ્રાન્ચમાં જવા ઇચ્છતા આશરે ૧૫૦૦ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાઈ હતી. બુધવારથી જેઇઇ, બીઈ અને બી.ટેક માટેની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં અમદાવાદમાં આશરે ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદના બોપલમાં અને ઓઢવમાં બે અને ત્રણ કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઇ છે. પરીક્ષા કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. માસ્ક ફરજીયાત પહેર્યું હતું. પરિક્ષામાં એજન્સી દ્વારા પરીક્ષા સેન્ટરની બહાર સેનેટાઇઝર અને માસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષા બાદ પેપર એકંદરે સરળ રહૃાા હોવાનું વિદ્યાર્થીઓએ કહૃાું હતું.
પરીક્ષાર્થી મનીષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કોરોનાનો ડર ઘણા સમયથી હતો, તેની વચ્ચે તૈયારી કરી હતી. પરીક્ષા લેવાશે કે કેમ તેને લઇને છેક સુધી અસમંજસ હતું પરંતુ પેપર આપ્યું તેમાં ઘણા સહેલા સવાલો પુછાયા હતા. જોકે એકંદરે પરીક્ષા સારી રહી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓની ૫૦ ટકા બેઠકોમાં પ્રવેશ માટે જેઈઈ મેઈનો સ્કોર ધ્યાને લેવાય છે. જ્યારે બાકીની તમામ કોલેજોમાં પ્રવેશ માટે ગુજકેટ લેવાય છે. ડિગ્રી ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટે ગત વર્ષથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા વર્ષમાં બે વખત જેઈઈ મેઈન લેવાનું શરૂ કરાયુ છે. જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામની મુખ્ય લેખિત પરીક્ષા અગાઉ સીબીએસઈ દ્વારા એક જ વાર લેવાતી હતી.