અમદાવાદમાં પત્નીને પકડવા પતિએ રોક્યો જાસૂસ, પણ ફોટા પાડતા જાસૂસ ખુદ પકડાઈ ગયો

પતિ – પત્ની વચ્ચે મનમેળ નહીં રહેતા પત્ની બે સંતાનો સાથે અલગ રહેતી હતી. જો કે પત્નીને આડા સંબંધ હોવાની શંકાથી પતિએ એક યુવાનને પૈસા આપીને તેની જાસૂસી કરવા ૭ દિવસથી પાછળ લગાવ્યો હતો. જો કે કોઇ પીછો કરી રહૃાો હોવાની જાણ થતા પત્નીએ જાસૂસને તેના ફોટા પાડતો અને વીડિયો ઉતારતો રંગે હાથે ઝડપી લઈ પોલીસને હવાલે કરી દીધો હતો. સાઉથ બોપલમાં રહેતા મોનાબહેન(૩૫) ને પતિ નીરવ સાથે મનમેળ નહીં રહેતા બંને ઘણા સમયથી અલગ રહેતા હતા. જો કે ૧૩ વર્ષની દીકરી અને ૮ વર્ષનો દીકરો મોનાબહેન સાથે જ રહેતા હતા. તા.૨૦ નવેમ્બરે બપોરે મોનાબહેન સેટેલાઈટ વિસ્તારમાં એક શો રૂમમાં ખરીદી કરવા ગયા હતા. ત્યારે દીકરીએ તેમને કહૃાું હતું કે મમ્મી એક ભાઈ તારી સામે એકીટસે જોયા કરે છે અને તે તારો પીછો કરતા હોય તેવું લાગે છે. ૨૧મીએ સાંજે મિત્ર સાથે પ્રહલાદનગર ગાર્ડન પાસે એક હોટેલમાં જમવા ગયાં ત્યારે સામેના ટેબલ ઉપર બેઠેલો યુવાન મોનાબહેનના ફોટા પાડતો હતો. જેથી મોનાબહેને તેનો ફોન ચેક કરતાં તેમાંથી ૬ દિવસના મોનાબેનના ફોટો અને વીડિયો મળતાં આ અંગે મોનાબહેને આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોનાબહેનનો પીછો કરીને તેમના ફોટા પાડીને તેમજ વીડિયો ઉતારીને નીરવને મોકલનાર જીલુજી ઠાકોર (થલતેજ) ને ઝડપી લીધો હતો. (બંને પાત્રના નામ બદલેલ છે) પોલીસે જીલુજીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતુ કે, નીરવે તેને રૂ.૧૭૦૦ આપીને ૧૪ નવેમ્બરથી મોનાબહેનની જાસૂસી કરવાનું કામ સોંપ્યું હતું. જેથી મોનાબહેન જ્યાં પણ જતા ત્યાં જીલુજી તેની પાછળ જતો હતો અને તે કોને મળે છે, કોની સાથે બહાર જાય છે તે તમામ ફોટા પાડીને નીરવને મોકલી દૃેતો હતો.