અમદાવાદમાં પેટ્રોલનો ભાવ આસમાને પહોંચ્યો, લિટરનો ભાવ ૮૨.૪૨ રૂપિયા થયો

દેશની ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨૫-૨૫ પૈસાનો વધારો કરતા દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૮૫ રૂપિયાની નજીક પહોંચી ગયો છે જ્યારે મુંબઇમાં એક લિટર ડીઝલનો ભાવ ૮૨ રૂપિયાની નજીક પહોંચી ગયો છે. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાના કારણે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૨.૪૨ થયો હતો, જે અગાઉ પ્રતિ લીટર ૮૨.૧૮ રૂપિયા હતો. પેટ્રોલમાં રૂ. ૩૨.૯૮ એક્સાઈઝ ડયૂટી અને રૂ. ૧૭ વેટ સાથે કુલ ટેક્સનો હિસ્સો રૂ. ૪૯.૯૮ છે, જે ૬૦ ટકાથી વધુ થઈ જાય છે.

એ જ રીતે ડીઝલમાં પણ ભાવ પ્રતિ લીટર રૂ. ૮૦.૪૮થી વધીને રૂ. ૮૧.૦૫ થઈને અત્યાર સુધીની ટોચે પહોંચ્યો છે. ડીઝલમાં રૂ. ૩૧.૮૩ એક્સાઈઝ ડયુટી અને રૂ. ૧૭ વેટ સાથે કુલ ટેક્સ રૂ. ૪૮.૮૩ થાય છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૮૪.૯૫ રૂપિયા થઇ ગયો છે જે લાઇફ ટાઇમ હાઇ સપાટી છે. જ્યારે દિલ્હીમાં એક લિટર ડીઝલનો ભાવ ૭૫.૧૩ રૂપિયા થઇ ગયો છે તેમ ઓઇલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા પ્રાઇસ નોટિફિકેનમાં જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૧૩ અને ૧૪ જાન્યુઆરી એમં બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૫૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૧.૫૬ રૂપિયા થઇ ગયો છે જે અત્યાર સુધીની લાઇફ ટાઇમ હાઇ સપાટી છે. જ્યારે એક લિટર ડીઝલનો ભાવ ૮૧.૮૭ રૂપિયા થઇ ગયો છે. મુંબઇમાં ડીઝલનો ભાવ પણ અત્યાર સુધીની લાઇફ ટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયો છે.

મુંબઇમાં આ અગાઉ ૪ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ પેટ્રોલનો ભાવ ૯૧.૩૪ રૂપિયા હતો. સરકારી માલિકીની ઓઇલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ(આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(એચપીસીએલ)એ એક મહિનાના વિરામ પછી ૬ જાન્યુઆરીથી દૈનિક ધોરણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરવાનું શરૂ કર્યુ હતું. દિલ્હીમાં અત્યાર સુધીનો ડીઝલનો સૌથી ઉંચો ભાવ ૪ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ૭૫.૪૫ રૂપિયા હતો. તે જ દિવસે દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૮૪ રૂપિયા હતો.