અમદાવાદમાં વાતાવરણ ધૂંધળું બનતાં વિઝિબિલિટી ૨ કિલોમીટર થઈ

અમદાવાદમાં બે દિવસથી વાતાવરણ ધૂંધળું બનતાં વિઝિબિલિટી ૫ કિલોમીટરથી ઘટીને ૨ કિલોમીટર થઈ ગઈ છે. વહેલી સવારે-મોડી સાંજે વાતાવરણ ધૂંધળું રહે છે. વાતાવરણમાં રહેલી ધૂળ, ધુમાડા અને કેમિકલ્સના પ્રદૂષણ ઉપરાંત પવનની ગતિ એકદમ ઘટી જતાં આ સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, શહેરમાં પવનની ગતિ ૫ કિલોમીટરથી વધુ રહે છે.

પરંતુ, બે દિવસથી તે ઘટીને દિવસે ૩થી ૫ કિમી અને રાત્રે ૦ કિમીની આસપાસ રહેતા વાતાવરણમાં રહેલી ધૂળ, ધુમાડો અને કેમિકલ્સનાં પાર્ટીકલ્સ ભેજ સાથે ભળીને વાતાવરણને ધૂંધળું બનાવે છે. વાતાવરણમાં એર પોલ્યુશન પાર્ટિકલ, ધૂળ, ધૂમાડાની સાથે સૂકી હવામાં રહેલા સલ્ફર કાર્બન ડાયોકસાઈડ સાથે ભેજમાં રહેલા પાણીના રજકણો ભળી જાય છે, તેમજ પવનની ગતિ ન હોવાથી આ પાણી મિશ્રિત રજકણો વાતાવરણમાં ઉપર જવાને બદલે હવાના નીચલા સ્તરમાં રહેતા રિલેક્શનથી વાતાવરણ ધૂંધળું (હેઝી) બને છે.

હજુ બે દિવસ વાતાવરણ આવું જ રહેશે. સાયક્લોનિક સરક્યુલેશન પસાર થઇ જતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગનાં શહેરોના તાપમાનમાં વધારો થયો છે. પરંતુ, વાદળિયા અને ધૂંધળા વાતાવરણને કારણે દિવસ દરમિયાન ઠંડી હતી. આગામી બે દિવસ દરમિયાન અમદૃાવાદમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા છે.