અમદાવાદમાં વૅક્સિન લીધાના ૧૨ કલાક બાદ શ્વાસ લેવામાં તકલીફથી આધેડનું મોત

જીવલેણ કોરોના વાઈરસના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે વૅક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહૃાો છે. લોકોને વધુમાં વધુ પ્રમાણેમાં કોરોના વિરોધી રસી લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જો કે વૅક્સિન લીધા બાદ પણ અનેક લોકોની તબીયત ખરાબ થયા હોવાની વાતો સામે આવી છે. આવા જ એક કિસ્સામાં કોરોના વિરોધી રસી લીધાના ૧૨ કલાક બાદ એક આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં મનસુખ ગેડિયા તેમના સંતાનો સાથે રહે છે. રાજ્યમાં કોરોનાના વધતા જતાં સંક્રમણને જોતા તેમણે પણ વૅક્સિન લેવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ મનસુખભાઈ પોતાની પત્ની સાથે રસી લેવા માટે વિરાટનગર સ્થિત અર્બન હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડૉક્ટરોને જાણ કરી હતી કે, તેમની બાયપાસ સર્જરી થઈ છે. શું તેના કારણે શ્ર્વાસ લેવામાં કોઈ તકલીફ થશે? જેના જવાબમાં ડૉક્ટરોએ ના પડ્યા બાદ તેમણે અને પત્નીએ રસી લીધી હતી. કોવિડ વૅક્સિન લીધા બાદ તેઓ કામ પર પણ ગયા હતા.

કામ પરથી આવ્યા બાદ મનસુખભાઈ અને તેમની પત્નીને તાવ આવવા લાગ્યો હતો. જો કે મનસુખ ગેડિયાની તબીયત વધારે ખરાબ થવા લાગી હતી. મોડી રાત્રે તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમનું મોત નીપજ્યું હતું.