અમદાવાદમાં વેપારીઓ જીએસટી ક્રેડિટ લેવાની જાહેરાત નહીં થતાં પરેશાન

વેપારીઓએ જીએસટીની ક્રેડિટ લેવાની રહી ગઈ હોય તેવા કિસ્સામાં સપ્ટેમ્બરમાં ભરવાના થતાં રિટર્નમાં તેનો ઉલ્લેખ કરવાનો હોય છે. જે અંગેની કેન્દ્ર સરકારે મુદત વધારવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં નહીં આવતા વેપારીઓની સાથે ટેક્સ કન્સલ્ટન્ટ પણ મુંઝવણમાં મુકાયા છે. નાણાકીય વર્ષ દરમિયાન જે કરદાતાઓને જીએસટીની ક્રેડિટ લેવાની રહી ગઇ હોય તેમણે સપ્ટેમ્બરના રિટર્નમાં ગણતરી કરીને લઇ શકે છે. જેને વેપારીઓ સપ્ટેમ્બર માસના રિટર્નમાં એટલે કે ૨૦ ઓકટોબર પહેલા ભરવામાં આવતા રિટર્નમાં આઇટીસી ક્રેડિટ અંગે જાણ કરવાની હોય છે. આ અંગે બે માસની મુદત વધારવાની જાહેરાત જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવી હતી. જેના કારણે કરદાતાઓ અને વેપારીઓએ ડિસેમ્બર માસમાં રિટર્ન ફાઇલ કરી ક્રેડિટ લઇ શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આ અંગેનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં ન આવતા વેપારીઓની બાકી રહી ગયેલી ક્રેડિટ લેવા માટે મુંઝવણમાં મુકાયા છે. જીએસટી ડિપાર્ટમેન્ટ પાસે પડેલી અમારી ક્રેડિટ લેવાની હોય તો મુદત બાદ પણ રાહ જોવી પડે છે. જ્યારે એડવાન્સ ટેક્સ માટે ઉતાવળ કરે છે. બે મહિનાનો વધારો કરાયો હોવા છતાં હજુ સુધી પરિપત્ર થયો નથી.