અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો યથાવત્

દિવસે પણ ઠંડા પવનો સીસકારો બોલાવી દે તેવી ઠંડી ગુજરાત સહિત દેશભરમાં જોવા મળી રહી છે. અને તેનું કારણ છે પહાડો પર થઇ રહેલી બરફવર્ષા. શ્રીનગરમાં તાપમાન -૫ ડીગ્રીની નીચે ઉતરી ગયું છે.. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત પણ શીતલહેરની ઝપેટમાં આવી ગયા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો યથાવત છે. જૂનાગઢ, કેશોદ સહિત સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં પણ હજી બે દિવસ કોલ્ડવેવની અસર જોવા મળશે. નલિયામાં તાપમાનનો પારો ૪ ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે અમદાવાદમાં ૯.૯ ડિગ્રી તાપમાન, ગાંધીનગર, ડીસા, કંડલા એરપોર્ટ પર ૮.૮ ડિગ્રી, માઉન્ટ આબુમાં પણ ઠંડીનુ જોર યથાવત રહૃાું છે. માઇનસ ૩ ડીગ્રી તાપમાનથી નક્કી લેકમાં બરફ જામ્યો છે. ગુજરાતમાં આ સીઝનમાં અત્યાર સુધીના સૌથી કોલ્ડેસ્ટ ડેનો સામનો ગુજરાતીઓ કરી રહૃાાં છે. ત્યારે ગુજરાતીઓને હજુ બે દિવસ કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. ગુજરાતમાં હજુ ૨ દિવસ સિવિયર કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આી છે.

રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી કરાઈ છે. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીથી લોકો રીતસરના ઠૂઠવાયા છે. હજુ આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્રના જુનાગઢ અને કેશોદમાં તેમજ કચ્છ પંથકમાં કોલ્ડવેવની અસર રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.હવામાન ખાતાના આંકડા પ્રમાણે, ગુરૂવારે વલસાડ સિવાય રાજ્યના તમામ શહેરોમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી કરતા નીચું નોધાયું હતુ. અત્રે નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં ઠંડી ૩૦ વર્ષનો રેકોર્ડ તોડી રહી છે. જાન્યુઆરીમાં આ વર્ષે કાશ્મીર સતત બરફની ચાદર તળે ઢંકાયેલું રહૃાું છે. બે દિવસ પહેલાં કાશ્મીરમાં થયેલી બરફવર્ષાની અસરથી તાપમાનનો પારો સતત નીચે સરકી રહૃાો છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -૫.૬ ડીગ્રી સુધી નીચે ઉતરી ગયું.

કાશ્મીરનાં પહાડી વિસ્તાર પહેલગામમાં -૧૨.૩ ડીગ્રી. અને ગુલમર્ગમાં -૧૩.૪ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખનાં મુખ્ય શહેર લેહમાં -૧૬.૮ ડીગ્રી તાપમાન, કારગીલમાં -૨૧.૩ ડીગ્રી અને દ્રાસમાં -૨૮.૧ ડીગ્રી તાપમાન નોંધાયું. જમ્મુ કાશ્મીરમાં હજુ ૩૧ જાન્યુઆરી સુધી ઠંડીથી રાહત મળવાની કોઇ શક્યતા નહીં હોવાનું હવામાન વિભાગ કહે છે કે ૩૧ જાન્યુઆરી બાદ તાપમાનનો પારો થોડો ઉપર આવી શકે છે.. પણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ૨ અને ૩ ફેબ્રુઆરીએ વરસાદ અને બરફવર્ષા થવાની પણ આગાહી છે. તો હિમાચલ પ્રદેશમાં એક સપ્તાહ સુધી બરફવર્ષાથી રાહત રહેવાની છે.