અમરેલી,અમરેલી જિલ્લાના વતની અને નર્મદામાં ફરજ બજાવતા ડોકટરને ગઇ કાલે કોરોના પોઝીટીવ આવતા અને તેમની મેડીકલ હિસ્ટ્રીમાં તેમણે 27મી એ અમરેલી શહેરના ખ્યાતનામ ઇએનટી સર્જન પાસે સારવાર લીધી હોવાનું ખુલતા ફફડાટ ફેલાયો છે અને આ અહેવાલના પગલે અમરેલીના ડોકટરને પણ આઇસોલેટ કરી તેમના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે અમરેલી જિલ્લાના વતની અને નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા તબીબે ગઇ 27 એપ્રિલે અમરેલીમાં શહેરના ઇએનટી તબીબ પાસે સારવાર લીધી હતી અને તા.3 મે ના તે નર્મદા જઇ ડયુટી ઉપર ચડી ગયા હતા ત્યાર બાદ ગઇ કાલે તેને કોરોના પોઝીટીવનો રિર્પોટ આવ્યો હતો.
અમરેલીમાં તેમણે સારવાર લીધી તેને 15મો દિવસ થઇ ગયો છે અને કોરોના સામાન્યવત 8 થી 10 દિવસે પોતાના લક્ષણો દેખાડે છે ત્યારે 3 તારીખે આ ડોકટર ગયા હોય તેને આજે 9 દિવસ થતા હોય તો કોરોના તે અમરેલીથી જ લઇ ગયા છે? અમરેલીમાં કોરોનાના દર્દી છે ? કે પછી નર્મદામાં ફરજ દરમિયાન દર્દીઓની સારવારમાં તેમને ચેપ લાગ્યો છે ? આવા અનેક સવાલોએ ફફડાટ ફેલાવ્યો છે અને બીજી તરફ અમરેલી જિલ્લાના આરોગ્ય તંત્રએ સર્તક બની અને આ તબીબને અમરેલીમાં સારવાર આપનાર ઇએનટી ડોકટરને કવોરન્ટાઇન અને આઇસોલેટ કરી તેમનું સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.બીજી એક શક્યતા આરોગ્ય તંત્રએ એ પણ દર્શાવી હતી કે નર્મદા જિલ્લામાં ફરજ દરમિયાન તેમને ચેપ લાગ્યો હોય અને બે દિવસમાં પણ કોરોના લક્ષણ બતાવી શકે છે જેનાથી એ નક્કી ન કરી શકાય કે તેને ચેપ ક્યાંથી લાગ્યો છે આમ છતા અમરેલીમાં તકેદારીના પગલા લેવાયા છે અને તેમણે જેમની પાસેથી સારવાર લીધી હતી તે ઇએનટી સર્જનને આજે 15મો દિવસ થઇ ગયો છે અને સ્વસ્થ છે. જેનાથી અમરેલીમાં કોરોનાની શક્યતા ઓછી રહેલી છે.