- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના મુખ્યમંત્રીઓ સાથે કરેલી બેઠકમાં ગામડાઓમાં ધ્યાન રાખવા કરેલ સુચન સાચુ ઠરી રહ્યું છે
- સાવરકુંડલાના ધાર કેરાળામાં તેર દિવસમાં દસના મોત, લાઠીના અકાળામાં ત્રણ દિવસમાં ચારના મોત : લીલીયાના આંબામાં દસ દિવસમાં છ ના મોત
- સતાવાર રીતે એકેયના મોત કોરોનાથી નહી પણ કોઇને કોઇ કારણે મોતના બનાવોથી ત્રણેય ગામો સ્તબ્ધ: ધારમાં રેપીડમાં 8 કેસ : તાકીદે સર્વેલન્સ જરુરી
અમરેલી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના મુખ્યમંત્રીઓ સાથે જોયેલી બેઠકમાં કોરોનાનાં બીજા રાઉન્ડમાં ગામડાઓમાં કોરોના ન પહોંચે તેની તકેદારી રાખવા ચિંતા વ્યક્ત કરી હતી તે ચિંતા સાચી ઠરતી હોય તેમ પ્રાથમિક રીતે બહાર આવેલી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના લાઠી, લીલીયા અને કુંડલા પંથકના ત્રણ ગામોમાં છેલ્લા 13 દિવસમાં બિમારીને કારણે 20 લોકોના મોત નીપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર સાવરકુંડલાના ધાર (કેરાળા) ગામે તા.25મી એ પ્રથમ મરણ થયુ હતુ સુરતમાં રહેતા અને છેલ્લા 15-20 દિવસથી વતન ધાર આવેલા પ્રવિણભાઇ કનુભાઇ ડાવરાનું નિધન થયુ હતુ તેમની અંતિમ વિધી માટે તેમના મૃતદેહને સુરત લઇ જવામાં આવ્યો હતો ત્યાર બાદ તા.26-3 ના ગંગાબેન મગનભાઇ સુદાણી તા.27 ના દિવાળીબેન રવજીભાઇ ઠુંમર, તા.31 ના બાબુભાઇ મનજીભાઇ શિરોયા અને તા.3 ના 26 તારીખે મૃત્યુ પામનાર ગંગાબેનના પતિ મગનભાઇ નાનજીભાઇ સુદાણી તથા તા.4 ના જીવીબેન શામજીભાઇ સુદાણી, તા.5 ના મગનભાઇ લખમણભાઇ સુદાણી અને તા.6 ના બચુભાઇ નારણભાઇ સુદાણીના મૃત્યુ નીપજ્યા હતા ધારના સુદાણીપરા અને પીર વિસ્તારમાં મરણનું પ્રમાણ અને બિમારીનું પ્રમાણ સૌથી વધારે દેખાયુ હતુ ધાર ગામમાં તા.25 થી 6 સુધીમાં આ આઠ લોકો ઉપરાંત સુરત રહેતા ધાર ગામના બાવચંદભાઇ રામાણી અને અમદાવાદ રહેતા પોપટભાઇ ઠુંમરનું નીધન થયુ હતુ.
748 મતદારો ધરાવતા ધાર ગામની વસ્તી સરકારી ચોપડે 1600 છે પણ ત્યાં માત્ર 900 જેટલા લોકો રહે છે તેમાં ટપોટપ આવા બનાવો બનતા ગામના સરપંચ શ્રી યોગેશભાઇ ખુમાણએ ગંભીરતા પારખી અને હેલ્થ વિભાગને જાણ કરતા ગામમાં 80 ટકા વેક્સિનેશન પુરૂ કરાવ્યુ અને આજે કરાયેલા રેપીડ ટેસ્ટમાં કોરોનાનાં 8 પોઝિટિવ કેસ નીકળ્યા હતા અહીં જો ઘરે ઘરે સર્વેલન્સ થાય તો અહીં હજુ પણ મૃત્યુદર ઘટી શકે તેમ છે મૃત્યુ પામનાર તમામના મૃત્યુ પાછળનું કારણ બિમારી હતી તે કઇ હતી તે સચોટ રીતે બહાર નથી આવ્યુ પણ આ ગામમાં રેપીડમાં નીકળેલા 8 કેસથી કોરોનાની શક્યતા વધી જાય છે.
આવી જ રીતે લીલીયાના આંબા ગામના સરપંચ શ્રી જીજ્ઞેશભાઇ સાવજે અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે છેલ્લા 10 દિવસમાં અમારા ગામમાં 6 મૃત્યુ થયા છે અને અમારા ગામમાં તાવ અને શરદીના ઘેર ઘેર ખાટલા છે અમારા ગામમાં રોગચાળા પાછળ સત્સંગ અને પાણીઢોળના પ્રસંગ પછી રોગચાળો ઉપડયો છે અહીં આરોગ્ય તંત્ર દ્વારા ઘેર ઘેર તપાસણી થવી જોઇએ.
શ્રી સાવજે જણાવેલ કે, આંબા ગામમાં હાલમાં 3000 હજાર લોકો રહે છે આજે મંગળવારે અહીંથી રાજકોટ લઇ જવાયેલા 75 વર્ષના વૃધ્ધાનો કોરોના રિપોર્ટ નેગેટીવ હતો પરંતુ તેમને તકલીફ કોરોના જેવી જ હતી તેમનું મૃત્યુ થયુ હતુ ગઇ કાલે સોમવારે અમરેલી સિવીલમાં 80 વર્ષના વૃધ્ધાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો અને તેમનું મૃત્યુ નીપજ્યુ હતુ અને શુક્રવારે 65 વર્ષના વૃધ્ધાને તાવ આવ્યો અને ગામમાં જ મૃત્યુ પામ્યા હતા આ ઉપરાંત આજે મંગળવારે જ એક 35 વર્ષના બિમાર યુવાનનું મૃત્યુ થયુ હતુ તથા દસેક દિવસ પહેલા 95 વર્ષના મહિલાનું મૃત્યુ થયુ હતુ અને ત્રણ દિવસ પહેલા 45 વર્ષના આધેડનું હદય રોગના હુમલાથી મૃત્યુ થયુ હતુ આમ 10 દિવસમાં અમારા ગામમાંથી 6 લોકોના મૃત્યુ થતા અમારા ગામમાં ભય ફેલાયો છે અને તાત્કાલીક આરોગ્યની ટીમ પગલા લે તે જરૂરી છે.
લાઠીના અકાળા ગામે અવધ ટાઇમ્સના પત્રકાર શ્રી રાજુભાઇ વ્યાસનો અહેવાલ જણાવે છે કે, શનિવારે ડાયાબીટીસના દર્દી એવા 60 વર્ષના મહિલાનું મૃત્યુ થયુ છે રવિવારે ન્યુમોનીયાની તકલીફથી 44 વર્ષના આધેડનું મોત નથયુ છે અને 42 વર્ષના આધેડનું ન્યુમોનીયાથી ભાવનગર દવાખાને સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે જ્યારે અકાળાના વતની અને સુરત રહેતા 80 વર્ષના વૃધ્ધનું મૃત્યુ થયુ છે આમ 3 દિવસમાં અમારા ગામમાં ચાર લોકોના મૃત્યુ થયા છે.