અમરેલીનાં પાણી વિતરણને લોકડાઉન નડ્યું : ખોડીયાર ડેમની મશીનરી અટકી

અમરેલી,અમરેલી શહેરમાં દર વર્ષે ઉનાળામાં જ કાંઇક ને કાંઇક પાણી વિતરણમાં ગડબડ ઉભી થતી જ હોય છે. હાલમાં નાવડા પમ્પીંગ સ્ટેશનમાં ખામી સર્જાવાના કારણે ઉપરથી પાણી ન આવતા અમરેલી શહેરમાં પાણી વિતરણના રાઉન્ડમાં ગડબડ સર્જાયેલ છે. અને જે તે વિસ્તારોમાં રેગ્યુલર પાણીના રાઉન્ડ અપાતા હતા. તેના બદલે તેમાં ફેરફારો અને એકાદ બે દિવસ આગળ પાછળ રાઉન્ડમાં ફેરફારો થયેલ છે. નાવડા પમ્પીંગ સ્ટેશનમાં રીપેરીંગ થઇ જતા ફરી પાણી વિતરણના રાઉન્ડ વ્યવસ્થિત થઇ જશે. તેમ પાલીકા પાણી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા જણાવ્યુ હતુ. મહીપરીયેજ યોજનાનું પાણી ઉપરથી 70 ટકા આપવામાં આવે છે. જેના કારણે હાલમાં 30 ટકા પાણીની ઘટ પડે છે. અમરેલીના ઠેબી ડેમમાં પાણી ન હોવાથી હાલમાં એક માત્ર ખોડીયાર ડેમ ધારી ઉપર આધાર છે. હાલમાં કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ખોડીયાર ડેમ ઉપર ફીટ કરવા માટેની મશીનરી અમદાવાદ હોવાથી કર્ફયુના કારણે અને ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી આવી શકેલ નથી. ટ્રાન્સપોર્ટેશન હવે શરૂ થતા ટુંક સમયમાં મશીનરી આવ્યેથી ખોડીયાર ડેમ પર ફીટ કરવામાં આવશે. અને શહેરના પાણીનો પ્રશ્ર્ન વહેલી તકે પાણીકા તંત્ર દ્વારા હલ કરવા માટે પુરતા પ્રયત્નો કરવામાં આવી રહયા છે.