અમરેલીનાં મુક સેવાભાવી બચુબાપા વિરપરાનું નિધન

  • 4500 થી વધુ શહેરીજનોને અંતિમ સફર કરાવનાર બચુબાપા વિરપરા ભજન સાથે અંતિમ સફરે નીકળ્યાં 
  • એસટીમાંથી નિવૃત થયાં બાદ બચુબાપા કૈલાશ મુક્તિધામ કમિટીમાં નિ:સ્વાર્થ સેવા આપતા હતા મુક્તિધામનાં મોક્ષરથના સારથી બની લોકોને અંતિમ સફર કરાવતા હતા
  • સદગતને અંજલી આપવા માટે 5000 શહેરીજનોએ ફુલહાર કરી બચુબાપાની અંતિમ સફરને વંદન કર્યા : સદગતની સાત દિકરીઓએ કાંધ આપી દિકરાની ફરજ નિભાવી

અમરેલી,
એસટીમાંથી નિવૃત થયા બાદ અમરેલીના કૈલાશ મુક્તિધામમાં નિ:સ્વાર્થ સેવા આપનાર અને જ્યાં સુધી શરીરે સાથ આપ્યો ત્યાં સુધી સેવા માટે કાર્યરત રહેનાર બચુભાઇ પોલાભાઇ વિરપરા કે જેને લોકો બચુબાપાના નામે જાણતા હતા તેવા બચુબાપાનું આજે 92 વર્ષની વયે નિધન થતા તેમની અંતિમ સફરમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં 5000 નાગરીકોએ સદગતને ફુલહાર પહેરાવી તેમની અંતિમ સફરને વંદન કરી શ્રધ્ધાંજલી આપી હતી.
અમરેલીનાં કૈલાશ મુક્તિધામનાં રથનાં સારથી બચુબાપા અમરેલી શહેરમાં 4500 લોકોની અંતિમ વિદાયનાં સારથી બન્યા હતાં.
છેલ્લે તેઓએ નાદુરસ્ત તબીયતનાં કારણે કૈલાશ મુક્તિધામ રથમાંથી નિવૃતી લીધ્ોલ. જેમનું આજે અવસાન થતા તેમની સ્મશાન યાત્રા રામધુન સાથે શહેરનાં મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. જેમાં કૈલાશ મુક્તિધામ કમિટીનાં મેમ્બરો, શહેરીજનો, વિશાળ સંખ્યામાં જોડાયા હતાં. અમરેલી રાજકમલ ચોકમાં સ્મશાન યાત્રા આવતા અમરેલી શહેરનાં અગ્રણી વેપારીઓ કાળુભાઇ રૈયાણી, ચતુરભાઇ અકબરી, સંજયભાઇ વણજારા, ઘનશ્યામભાઇ રૈયાણી, પાલિકાનાં કારોબારી ચેરમેન સુરેશભાઇ શેખવા તેમજ વેપારીઓ દ્વારા પુષ્પાંજલી પાઠવી શ્રધ્ધાંજલી વ્યક્ત કરી હતી. બચુબાપાને સંતાનમાં સાત દિકરીઓ છે સાતેય દિકરીઓ કૈલાશબેન વામજા, જયશ્રીબેન ગોલ, દક્ષાબેન વામજા, અલ્કાબેન ગોલ, કંચનબેન બોરસાણીયા, ભાવનાબેન ગોલ અને ગીતાબેન વડાલીયાએ તેમને કાંધ આપી દિકરાઓ બની અંતિમ વિધી કરી હતી.શ્રી વિઠલભાઇ બાંભરોલીયા તથા અમરેલી જિલ્લા બિલ્ડર એસોસીએશનના શ્રી ચંદુભાઇ વોરા અને કૈલાશ મુક્તિધામ કમિટીએ તાત્કાલીક નિર્ણય લઇ બચુબાપાની અંતિમ યાત્રા લોકોના સુચન અનુસાર અમરેલી શહેરમાંથી કાઢવાનું નક્કી કરી અને આગળ બચુબાપાના ફોટા સાથે ભજનની રમઝટ સાથે બચુબાપાની છેલ્લી સફર શહેરના રાજમાર્ગો ઉપર કાઢી ત્યારે ઠેર ઠેર તેમને શ્રધ્ધાંજલી આપવા માટે ઉભા રહેલા નાગરીકોને જોઇને સૌ નવાઇ પામી ગયા હતા કે આ કેવી હસ્તી છે કે લોકો તેમને શ્રધ્ધાંજલી આપવા માટે રોડ ઉપર પોતાના કામ ધંધા મુકી ઉભા રહી ગયા હતા. સ્વ. બચુબાપા વિરપરા પરિવાર અને કૈલાશ મુક્તિધામ કમિટી દ્વારા સંયુક્ત રીતે તા.14 ને સોમવારે સવારે 9 થી 12 સુધી સદગતનું બેસણું કૈલાશ મુક્તિધામ ખાતે રાખવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કૈલાશ મુક્તિધામ ખાતે યોજાયેલા પિતૃમોક્ષ યજ્ઞ દરમિયાન અભુતપુર્વ સેવા આપી સૌને નવો રાહ ચિંધનાર બચુબાપાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતુ કારણકે પોતાના એસટીના ફરજકાળ દરમિયાન લાખો ઉતારૂઓને સફર કરાવનાર બચુબાપાએ નિવૃતી પછી પણ સાડા ચાર હજાર લોકોના અંતિમ યાત્રાના સારથી બની એક રેકોર્ડ પ્રસ્થાપીત કર્યો હતો.