અમરેલીનાં સંદિપ ઘીનૈયાએ વ્યાજખોરોના દબાણથી આપઘાત કરેલ

  • વ્યાજખોરો સામે જો શ્રી નિર્લિપ્ત રાયની ઝુંબેશ ન હોત તો આવા અસંખ્ય બનાવો બન્યા હોત : વ્યાજખોરોના વધુ એક કારસતાનનો પર્દાફાશ 
  • મરનારના મોબાઇલના વોટસએપમાંથી ભેદ ખુલ્યો : માંડવડા ગામના બે અને અમરેલીના એક શખ્સની સામે ધારી પોલીસમાં ગુનો દાખલ કરાયો

અમરેલી,
બે મહિના પહેલા ધારીના ખોડીયાર ડેમમાં પડી આપઘાત કરી લેનારા અમરેલીના મેડીકલ સ્ટોરના સંચાલક યુવાન ના આપઘાત પાછળ વ્યાજખોરો કારણભુત હોવાનું તેમના મોબાઇલ માંથી જાણવા મળતા ત્રણ વ્યાજખોરો સામે ધારી પોલીસમાં ગુન્હો દાખલ થતા ખળભળાટ મચી જવા પામેલ છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, અમરેલીની બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા અને માણેકપરાના ભગવતી ચોકમાં વિનાયક મેડિકલ સ્ટોર ધરાવતા સંદિપભાઇ નાથાલાલ ઘીનૈયા ઉ.વ. 40 એ ગઇ તા.20-10ના અમરેલીથી ધારી નીકળી જઇ અને ખોડીયાર ડેમામાં પડી આત્મહત્યા કરી લીધી હતી. જેતે વખતે આર્થિક સંકડામણને કારણે સંદિપભાઇએ આત્મહત્યા કરી લીધી હોવાનું જાહેર થયેલ મરનાર સંદિપભાઇને 9 વર્ષ નો દિકરો અને 16 વર્ષની દિકરી હોય તેમના ધર્મ પત્ની ઉપર આભ તુટી પડયું હતુ.આઘાતમાં રહેલા લતાબહેને 2 દિવસ પહેલા તેના પતિ સંદિપભાઇનો મોબાઇલમાં રહેલ વોટસેપ ચેક કરતા તેમા લાલભાઇ ત્રણ લખેલ વોટસેપ નંબરમાં વ્યાજની લેતી દેતી થયેલ હોવાનું અને 10 લાખ 8 ટકાના વ્યાજે તેમણે માંડવડા ગામના દીલુ આપાભાઇ વાળા પાસેથી લીધ્ાું હોવાનું અને તેમે મહિને 80 હજાર વ્યાજ ચુકવતું હોવાનું તથા તે ઉપરાંત બીજા નાંણા પણ ત્યાથી તેણે વ્યાજે લીધા હોવાનું અને વ્યાજ ભરતા હોવાનું તથા અતિશય ઉધરાણીનોં ત્રાસ હોવાનું જણાઇ આવેલ.
આ ઉપરાંતના સંદિપભાઇના મોબાઇલમાં કોલ હિસ્ટ્રી અને રેકોર્ડીંગ ચકાસતા તેમાં નાણા ધીરધારનું લાયસન્સ ન હોવા છતા ઉંચા વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરી દીલુ આપાભાઇ વાળા તથા લાલા દીલુભાઇ વાળા રહે. માંડવડા દ્વારા તેમને રૂપીયા વસુલવા પઠાણી ઉઘરાણી થતી હોવાનું અને અઢી લાખની પ્રોમીસરી નોટ લખાવી લઇ હોવાનું જાણવા મળેલ આ ઉપરાંત તેમની દુકાનનો દસ્તાવેજ પણ અમરેલીના પ્રતાપ પરશોતમભાઇ કાછડીયાએ વ્યાજે આપેલા નાણાની અવેજીમાં પોતાની પાસે લઇ લીધો હોવાનું જાણવા મળતા આ ત્રણેય સામે આરોપીઓએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મરી જવા મજબુર કર્યાની મૃતકના પત્નિ લતાબેન સંદિપભાઇ ઘીનૈયાએ ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.