અમરેલીનાં સચિનભાઇએ લોકડાઉનમાં પોતાનાં બંને બાળકોને ટેબલ ટેનીસમાં માહેર બનાવ્યાં

  • ઘરનાં ડાયનીંગ ટેબલનો ઉપયોગ કરી બાળકોને ટેબલ ટેનીસ શીખવ્યું : જો સ્પોર્ટ્સ સંકુલમાં પુરતી વ્યવસ્થા હોય તો બાળકોને સુવિધા મળી રહે અને વ્યસનો તરફ કે અન્ય કમાર્ગે ન જાય

અમરેલી,
અમરેલીમાં જે તે વખતે રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગનાં મંત્રી પદે શ્રી બાવકુભાઇ ઉંધાડ હતા ત્યારે અમરેલીનાં પેવેલીયનમાં ભવ્યાતિભવ્ય અને લાખો રૂપિયાનાં ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ બનાવ્યું પરંતુ તેમા સ્વિમીંગ, ક્રિકેટ, હોકી સિવાય અન્ય કોઇ સગવડતા નથી જો કે સ્વિમીંગનો પણ બાળકોને લાભ મળતો નથી. તેથી આ ત્રણ સિવાય અન્ય રમતોને સ્થાન મળતુ નથી બાળકોને બીજી રમતો ન મળતા શહેરી રમતો સાવ ભુલાઇ ગઇ છે. અને રમત ગમત ક્ષેત્રે વિકાસ અટવાયો છે. એટલું જ નહીં અન્ય કોઇ પ્રવૃતિ ન હોવાથી નવરા રહેલા બાળકોમાં પાન માવાનું દુષણ વધ્યું છે તેની ગંભીરતાથી નજર કરનાર અમરેલીનાં સચિનભાઇ રાવલને બે બાળકો છે. લોકડાઉન વખતે સ્કુલો બંધ હોવા ઉપરાંત રિક્રીયેશન માટે કોઇ સગવડતા ન હોવાથી પોતાનાં બાળકો પ્રિયાંશ (ઉ.વ.9) અને બેનીષા (ઉ.વ.14) ને ટેબલ ટેનીસની રમત તરફ વાળ્યા અને ઘરમાં જ રહેલા ડાઇનીંગ ટેબલનો ઉપયોગ કરી ટેબલ ટેનીસ રમત માટે અનોખુ વાતાવરણ ઉભુ કર્યાની સાથે શિક્ષણ આપવું પણ શરૂ કર્યુ. આ અંગે અવધ ટાઇમ્સ સાથેની વાતચિતમાં સચિનભાઇ રાવળે જણાવ્યું કે, મને સ્પોર્ટસમાં ખુબજ રસ હતો પણ અમરેલીમાં સ્પોર્ટસ માટેકોઇ સગવડતા ન હતી તેથી હું સ્મોકીંગ તરફ વળ્યો હવે એ ભુલ સમજાણી એટલે મારી ભુલ સુધારવા મારા સંતાનો પ્રિયાંશ અને બેનીષાને રમત ગમત તરફ વાળ્યાં છે. અમરેલીનાં સ્પોર્ટસ સંકુલમાં તમામ રમતો સાથે પુરતી સગવડતા ઉભી કરવામાં આવે તો શિક્ષણ સાથે બાળકોને સ્પોર્ટસમાં પણ આગળ લાવી શકે તેમ સચિનભાઇ રાવલે જણાવ્યું હતું.