અમરેલીના કોન્ટ્રાકટર પાસેથી વ્યાજખોરે 32 વીઘા જમીન પડાવી લીધી

  • એસપીશ્રી નિર્લિપ્ત રાયના 300 વ્યાજખોરોના લીસ્ટમાંથી વધુ એક વ્યાજખોર ઝપટમાં
  • સાવરકુંડલાના વ્યાજખોર ઉપર પોલીસ ફરિયાદ દાખલ : એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા વ્યાજખોરો સામેના આકરા પગલાઓ સતત ચાલુ : જુના બનાવો પણ સામે આવી રહયા છે : વ્યાજખોરોમાં ફફડાટ
  • 2013 માં અમરેલીના કોન્ટ્રાકટરે કુંડલાના શખ્સ પાસેથી 40 લાખ 5 ટકાના વ્યાજે લીધેલ : 16 લાખનું વ્યાજ ચુકવી દીધા પછી 32 વીઘા જમીન પડાવી લીધી હતી : 7 વર્ષ પહેલા ખાધેલ માલ ઓકાવતી પોલીસ

અમરેલી,
અમરેલી જિલ્લાના 300 જેટલા વ્યાજખોરોનુ લીસ્ટ તૈયાર કર્યા બાદ એક પછી એક વ્યાજખોરો એસપીશ્રી નિર્લિપ્ત રાયની ઝપટે ચડી રહયા છે આજે રૂા. 40 લાખ વ્યાજે આપી 32 વીઘા જમીન પડાવી લેનારા સાવરકુંડલાના વ્યાજખોર ઉપર વ્યાજવટાવ અને બળજબરીથી જમીન પડાવી લેવાનો ગુનો દાખલ થતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે મુળ લીલીયાના વતની અને અમરેલીના લાઠી રોડ ઉપર એસટી ડીવીઝન સામે વૃંદાવન પાર્ક 3 માં રહેતા જીતુભાઇ ફુલજીભાઇ પટેલ નામના કોન્ટ્રાકટરે તેના ધંધામાં જરૂર પડતા સાવરકુંડલાના શિવાજીનગરમાં રહેતા અનકભાઇ ભાયાભાઇ ખુમાણ પાસેથી 5 ટકાના વ્યાજદરે રૂા. 40 લાખ લીધા હતા અને દર મહિને 2 લાખ પ્રમાણે 8 મહિનામાં તેમનું 16 લાખ રૂપીયા વ્યાજ ચુકવ્યુ હતુ ત્યાર પછી તેમની પાસે તેમને દેવાના પૈસા ન હોય તેની ખાંભાના કોટડા ગામે આવેલી 32 વીઘા જમીન આપી દેવા માટે અનકે દબાણ કર્યુ હતુ અને 40 લાખના વ્યાજ સાથે 80 લાખ મારે જોઇએ છે તેમ કહી તેને ગાળો આપી દબાણમાં લાવી કોઇ ત્રીજી વ્યક્તિના નામે આ 32 વીઘા જમીન ચડાવી તે જમીન પડાવી લીધી હતી ત્યાર બાદ હવે પરિવારજનોએ હિંમત આપતા જીતુભાઇએ ગેરકાયદેસર વ્યાજવટાવનો ધંધો કરનાર અને જમીન પડાવી લેનારા અનકભાઇ ખુમાણ સામે સાવરકુંડલા શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા સાવરકુંડલાના પીઆઇ શ્રી આર.આર. વસાવાએ તેમના રૂબરૂ આ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.