અમરેલીના જેલ કાંડમાં બે જેલ કર્મચારીઓની પણ સંડોવણી

  • અમરેલીનાં બહુચર્ચિત જેલ પ્રકરણમાં નવો ધડાકો કરતી પોલીસ
  • ચાર કેદીઓ અને જેલના બે કર્મચારીઓની ધરપકડ કરતી સીટ : જેલના બે કર્મચારીઓએ જ જેલની અંદર કેદીઓને મોબાઇલ અને સીમકાર્ડ પહોંચાડયા હોવાનું બહાર આવ્યું
  • 12 લોકોની ધરપકડ : હજુ 4 ની ધરપકડ થશે અને બીજાની સંડોવણી હોવાની પણ શક્યતા : બંને જેલ સહાયકોને આરોપી નરેશ વાઘેલા રૂપીયા ઉઘરાવી પહોંચાડતો હતો

અમરેલી,
અમરેલીની જિલ્લા જેલમાંથી ઝડપાયેલા મોબાઇલ અને બનાવટી મેડીકલ સર્ટીફીકેટ પ્રકરણમાં આજે પોલીસ તપાસ દરમિયાન નવો ધડાકો થયો છે પોલીસે આ પ્રકરણમાં ચાર આરોપીઓ અને બે જેલના કર્મચારીઓની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગેની વિગતો આપતા સાવરકુંડલા વિભાગના વિભાગીય પોલીસ વડાશ્રી કે.જે.ચૌધરીએ પત્રકારોને જણાવ્યુ હતુ કે આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે ગઇ તા.29 જુલાઇના અમરેલી જેલમાંથી એક મોબાઇલ મળી આવેલ અને તે મોબાઇલ પકડાતા એસપીશ્રી નિર્લિપ્ત રાયએ રેન્જ આઇજીશ્રી અશોકકુમાર યાદવની સુચનાથી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી આર.કે. કરમટાને તપાસ સોંપેલ અને તપાસ દરમિયાન જેલની વીઆઇપી બેરેક 9 અને 10 માં પીસીઓ ચાલતુ હોવાનું અને બળજબરીથી કોલ કરવાના પૈસા ઉઘરાવવામાં આવતા હોવાનું ખુલવા પામતા એસપીશ્રી નિર્લિપ્ત રાયએ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરેલ જેમાં મુખ્ય માર્ગદર્શક અધિકારીશ્રી મહાવીરસિંહ રાણા, મુખ્ય તપાસનીશ અધિકારી શ્રી આર.કે.કરમટા, સહાયક તપાસનીશ અધિકારી એમ.એ.મોરી, શ્રી એન.એ. વાઘેલા,શ્રી વાય.પી. ગોહીલ અને શ્રી જયંત કડછાની નિમણુંક કરી હતી અને ચાર દિવસ પહેલા રાજકોટના એક ડોકટર સહિત જેલમાં રહેલા પાંચ આરોપીઓ મળી 6 આરોપીઓની ધરપકડ કરાઇ હતી.
દરમિયાન વધ્ાુ તપાસમાં જિલ્લા જેલના કર્મચારીઓએ જ જેલની અંદર કેદીઓને મોબાઇલ તથા સીમકાર્ડ પહોંચાડયા હોવાનું ખુલવા પામેલ અને જેલમાં કેદીઓને મોબાઇલનો ઉપયોગ કરવા દેવા માટે કેદીઓના સગા સબંધીઓ પાસેથી અગાઉ પકડાયેલ આરોપી નરેશ ઉર્ફે નરશી ભીખા વાઘેલા રૂપીયા ઉઘરાવી આ બે કર્મચારીઓને પહોંચાડતો હતો વળી આ બંને કર્મચારીઓ જિલ્લા જેલની સ્થાનિક જડતી સ્કવોર્ડમાં હતા અને ઝડતી દરમિયાન વહીવટ વાળા કેદીઓ પાસેથી મોબાઇ લ મળે તો આંખ આડા કાન કરતા હતા પોલીસે આ અંગે પુરાવાઓ એકત્ર કરી અમરેલી ઓમનગરમાં રહેતા જેલના કર્મચારી એવા જેલ સહાયક જયરાજભાઇ ઘોહાભાઇ માંજરીયા અને ચિતલ રોડ પર રહેતા સુરેન્દ્રભાઇ ધીરૂભાઇ વરૂની ધરપકડ કરી હતી તથા જેલમાંથી સુરેશ ઉર્ફે સુરા સાર્દુળ હાડગરડા, શૈલેષ નાથાભાઇ ચાંદુ, ઇરફાન ઉર્ફે ટાલકી અને કાંતી મુળજીભાઇ વાળાની ધરપકડ કરી હતી આમાંથી શૈલેષ ચાંદુ ગુજસીટોકનો આરોપી છે ટાલકી ખોટો દસ્તાવેજ બનાવી મારામારી ધાક ધમકી હથીયાર દારૂના ગુનાઓમાં પકડાયેલ છે, કાંતી સામે ખુન, છેડતી અને પ્રીઝન એક્ટના ગુના છે જ્યારે સુરેશ ઉર્ફે સુરા ભરવાડ સામે લુંટની કોશીશ, છેતરપીંડી, બળાત્કાર, એટ્રોસીટી મારામારીના ગુનાઓ છે.
પોલીસે જણાવ્યુ હતુ કે આ કેસમાં હજુ દાદુ નાથાભાઇ ચાંદુ, નાનજી કાળાભાઇ વાઘેલા રહે. ટીંબી, ભુપત હીરાભાઇ લીખાળા, અને રણજીત ધીરૂભભાઇ વાળા રે. નાની ધારીના નામ ખુલ્યા છે તેની ધરપકડ કરાશે આ ઉપરાંત આમા હજુ વધારે આરોપીઓની સંડોવણી હોવાની શક્યતા હોય તપાસમાં વધારે આરોપીઓના નામો આવે તો નવાઇ નહી.

  • આરોપીઓને અમરેલીની જેલમાં મળતી સુવિધાથી કાયદાનો ડર નહોતો રહયો

અમરેલીના જેલ કાંડમાં એક પછી એક વિગતો ખુલી રહી છે પોલીસ તપાસ દરમિયાન એવી વિગત સામે આવી છે કે આરોપીઓને જેલમાં મળતી સુવિધાથી કાયદાનો ડર નહોતો રહયો અને આરોપીઓ જેલની અંદર મનચાહી સુવિધાઓ મેળવી લેતા હતા પરિવાર સાથે સંપર્કમાં પણ રહેતા હતા.

  • ગુનેગારોના કાળ ગણાતા શ્રી નિર્લિપ્ત રાય ગુનેગારોના અંતિમ ઠેકાણા સુધી પહોંચ્યા

જેલમાં સજા હોય કે મજા હોય ? જવાબ મળે કે સજા હોય પણ અમરેલીની જેલ મજા કરવાનું સાધન બની હતી તેવું ત્યાં ઝડપાયેલા મોબાઇલ અને બનાવટી મેડીકલ સર્ટીફીકેટના કૌભાંડ ઉપરથી બહાર આવ્યુ છે ત્યારે જેના મુળમાં ગુનેગારોના કાળ ગણાતા શ્રી નિર્લિપ્ત રાય છે જે ગુનેગારોના અંતિમ ઠેકાણા સુધી પહોંચ્યા હતા અને હવે જેલમાં થયેલી સાફસુફીના પગલે આરોપીઓને ખરા અર્થમાં જેલનો મતલબ સમજાશે.