અમરેલી,
2016ની સાલમાં અમરેલીના પરિણીત પુરુષ એવા એલઆઇસીના એજન્ટ અને વિધવા મહીલાની બેવડી હત્યાના કેસમાં અમરેલીની સેશન્સ કોર્ટે પતિની હત્યારણ મહીલા અને તેના પ્રેમીને મૃત્યુ સુધીની સજા ફટકારી છે.આ ઘટનાની વિગતો એવા પ્રકારની છે કે, મુળ ફીફાદના વતની અને અમરેલીમાં રહી એલઆઇસીનું કામ કરતા સંજયભાઇ વલ્લભભાઇ ધાખડા (ઉ.વ.41)ને કેટરર્સમાં કામ કરતી ઇન્દુબેન અશોકભાઇ તણેસા નામની વિધવા મહીલા વચ્ચે આડા સબંધો હતા તેવી જ રીતે સંજયભાઇની પત્ની કંચનને પણ હરીરોડ ઉપર આવેલી સાડીની દુકાનમાં કામ કરતા મુળ બાંટવા ગામના વતની જીતેન્દ્ર શીતલદાસ બુઢાણી સાથે આડા સબંધો હતા અને જીતુએ પોતે મામાદેવ હોવાનું કહી અંધશ્રધ્ધામાં ફસાવી હતી જેથી પોતાના પતિને વિધવા ઇન્દુ સાથેના આડા સબંધો ન ગમતા મામાદેવ એટલે કે જીતુને પોતાના પતિને પતાવી દેવા કહયુ હતુ.
જેથી સંજયનું કાસળ કાઢવા માટે જીતુએ પુર્વ આયોજીત કાવત્રુ ઘડયું હતુ અને આ કાવત્રા મુજબ ગત તા. 7-4-2016ની રાત્રીના અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર આવેલ શેત્રુજી નદીના પુલ નીચે જીતુએ સંજયને બોલાવ્યો હતો પણ સંજય સાથે ઇન્દુને લાવ્યો હતો અને અમે ત્રણ દિવસથી ઘેરથી નિકળી ગયા છીએ તેમ જણાવેલ સંજયને પણ અંધશ્રધ્ધામાં ફસાવી મામાદેવ દર્શન આપશે તેમ કહી તેની આંખે પાટા બાંધી માથામાં અને વાંસામાં કુહાડીના ઘા ઝીકી હત્યા કરી દીધી હતી તેણે આ સમયે ઇન્દુને પુલના બીજા છેડે બેસાડી દીધી હતી સંજયની હત્યા કર્યા બાદ ઇન્દુએ સંજય કયા છે તેમ કહેતા તે આવે છે તેમ કહી પકડાઇ જવાના ડરે તેણે ઇન્દુની પણ હત્યા કરી નાખી હતી.અને અકસ્માત થયો છે તેમ દર્શાવવા માટે પુલ ઉપરથી સંજયની બાઇકને નીચે પાણીમાં નાખી દીધી હતી પણ ભાંડો ફુટી ગયો હતો અમરેલી એલસીબીના બાહોશ પીએસઆઇ શ્રી વીજી ભરવાડ અને તેની ટીમે ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો અને બન્નેની ધરપકડ કરી હતી આ કેસની તપાસ અમરેલી તાલુકા પીએસઆઇ શ્રી મીનાબા ઝાલાએ કરી હતી અને સાંયોગિક પુરાવાઓ એકત્ર કર્યા હતા.આ કેસ અમરેલીના સેશન્સ જજ શ્રી પ્રશાંત બ્રહ્મભટ્ટની કોર્ટ ચાલ્યો હતો અને એપીપી શ્રી મમતાબહેન ત્રિવેદીએ આરોપીએ અંધશ્રધ્ધા અને સમાજ વિરોધી કૃત્ય કરી બે માનવીઓનો વધ કર્યો હોય તેને ફાંસીની સજા કરવા દલીલો કરી હતી કોર્ટે હત્યાના ગુનામાં આજીવન કેદ એટલે કે જીવે ત્યા સુધી જેલની સજા અને હત્યાનું કાવત્રુ ઘડવાના ગુનામાં આજીવન કેદ તથા પુરાવાનો નાશ કરવા માટે સાત વર્ષની કેદ અને 10/10 હજારનો દંડ કર્યો હતો