અમરેલીના ડો. જાદવ સહિત દેશના 300 ડોકટરોના કોરોનાથી મોત થતા ડો. ગજેરાએ શોકાંજલી પાઠવી

  • વિશ્વ ભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે
  • કોરોનાનાં જરા પણ શંકાસ્પદ લક્ષણો દેખાય એટલે તુરત જ કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ : ડો. ગજેરા

અમરેલી,
અમરેલી સૌથી પ્રથમ તો આ કોરોનાની મહામારીમાં આઇએમએ અમરેલીનાં અમારા સાથી ડોકટરો ડો. જાદવ અને ડો. હિતેષ શાહના મૃત્યુ માટે તેઓને ભાવભીની શ્રધ્ધાંજલી એ જ રીતે સમગ્ર ભારતમાં લગભગ 300 ડોકટરોના કોરોનાથી મૃત્યુ થયા છે અને એ સિવાય પેરા મેડીકલ, નર્સીગ સ્ટાફ, લેબોરેટરી સ્ટાફ અને સફાઇ કામદારો પણ આ કોરોનાની ઝપટે ચડી મૃત્યુ પામ્યા છે એ સર્વેને હદયપુર્વક શ્રધ્ધાંજલી.મારો પોતાનો કોરોનાનો અનુભવ એવો છે કે કોરોનામાં જરા પણ શંકાસ્પદ લક્ષણો દેખાય તો તરત જ કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ અને એ જો પોઝિટિવ આવે તો ડોકટરની સલાહ પ્રમાણે દવા ચાલુ કરી દેવી જોઇએ અને જરૂર પડે તો હોસ્પિટલમાં દાખલ થઇ જવુ જોઇએ. આ બિમારીમાં ડર રાખવાની જરૂર નથી. આમા મૃત્યુ દર લગભગ 2 ટકા થી 3 ટકાની આસપાસ જ છે એટલે મનમાં બીક રાખ્યા સિવાય ડોકટર કહે તે પ્રમાણે અનુસરવુ જોઇએ.મારો વ્યક્તિગત અનુભવ એવો છે કે દવા ઉપરાંત દુઆ પણ એટલુ જ કામ કરે છે મને પહેલા દિવસે રિપોર્ટ પોઝિટિવ આવ્યો એટલે મારા ખાસ મિત્રો શ્રી વિજયભાઇ ચૌહાણ અવધ ટાઇમ્સ, દિલીપભાઇ રાવલ, દિવ્ય ભાસ્કર, ડો. કાનાબાર, ડો. દવે, ડો. તોગડીયા, અમારા આ.હિ.પ.નાં સર્વે કાર્યકરો એવા અનેક હિતેચ્છુઓનાં ફોન આવ્યા કે તમે કાઇ પણ દવા નહિ લો અને ફક્ત આરામ કરશો તો પણ તમે સાજા થઇ જશો. મેં કારણ પુછયુ તો સૌનું કહેવુ એવુ હતુ કે તમે ગરીબ માણસોની અવિરત નિસ્વાર્થ સેવા સિવીલ હોસ્પિટલના માધ્યમથી કરી છે એ બધાના આશીર્વાદ તમને મળશે અને એ બધા જાણીતા અજાણ્યા દર્દીઓ તમારા માટે પ્રભુને પ્રાર્થના કરશે અને એના જ આશિર્વાદ અને એની જ આપના માટેની પ્રાર્થનાથી આપ સાજા થઇ જાશો, દવા, દુઆ અને સાથો સાથ તમારૂ મનોબળ પણ તેટલુ જ કામ કરે છે બિમારીથી ડરી જઇ નિરાશ થઇ જાશો તો દર્દ વધારે જોર કરી જાય છે. અને દવાની અસર પણ ઓછી થઇ જાય છે. દર્દ આવ્યુ જ છે તો તેનો હિંમતપુર્વક સામનો કરીને ડોકટરની સલાહને અનુસરવુ વધુ હિતાવહ છે. મને શરૂઆતમાં બે ત્રણ દિવસ સામાન્ય તાવ આવ્યો હતો અને એ વખતે વરસાદ પણ ખુબ જ પડતો હતો એટલે એમ લાગ્યુ કે આ તાવ ૠતુને લીધે હશે એટલે એ બે ત્રણ દિવસ સામાન્ય દવા લીધી. પણ એ દવાથી તાવ ન ઉતર્યો એટલે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો અને તે પોઝિટિવ આવતા ફરજીયાત હોમ કવોરન્ટાઇન થવુ પડયુ. ત્યાર બાદ ચાર પાંચ દિવસ તબીયતમાં ચડાવ ઉતાર આવતા રહયા. વચ્ચે તો બે ત્રણ દિવસ એવુ લાગ્યુ કે હવે આ બિમારીમાંથી ઉભુ નહી થઇ શકાય અને આગળ રાજકોટ કે અમદાવાદ મોટી હોસ્પિટલમાં દાખલ થવુ પડશે. ઓક્સિજન લેવલ પણ ઘટતુ જતુ હતુ. ફેફસામાં ન્યુમોનીયાની અસર દિવસે દિવસે વધતી જતી હતી પણ બીજી શ્ર્વાસની કોઇ તકલીફ નહોતી એટલે પુરેપુરી હિંમતમાં હતો. મોઢામાં સ્વાદ કે નાકમાં ગંધ પણ આવતી નહી જમવાનું તો નામ જ નહી લેવાનું આ બધ્ાુ હોવા છતા મનમાં ઇશ્ર્વર ઉપર શ્રધ્ધા હતી કે ભગવાન કાંઇ નહી થવા દે અને ક્યાય આગળ જવાની જરૂર નહી પડે અને એ શ્રધ્ધા ખુબ જ કામ કરી ગઇ. મને કોરોના પોઝિટિવ આવ્યા પછીથી મારા અંગત મિત્રો ડોકટરો ડો. કમલેશ ઉપાધ્યાય છે જે સમગ્ર ગુજરાતના કોરોનાનાં નોડલ ઓફિસર છે તેઓ સીનર્જી હોસ્પિટલનાં ડોકટર જયેશ ડોબરીયા, અમદાવાદના ડોકટર કેતન પટેલ, અહીંના ડો. ધાખડા, ડો. પરમાર, ડો. રામાનુજ, ડો. વિજય વાળા તથા આઇએમએ ના ડોકટરએ એટલો સહકાર આપ્યો કે હું ઘેર બેઠા હોમ આઇસોલેશનમાં રહીને કોઇ પણ તક્લીફ વિના સંપુર્ણપણે કોરોનામુક્ત થઇ ગયો આ તકે તે સૌનો હું દિલથી આભારી છુ. લોકલ વહીવટી તંત્ર કલેકટરશ્રી, ડે. કલેકટરશ્રી ગોહીલ, સીડીએચઓ પટેલ, સિવીલ સર્જન ડો. વાળા કે જેઓએ મને દરરોજ ફોન કરીને મારી તબીયત સમાચાર પુછતા તેઓનો પણ હું આ તકે આભાર માનુ છુ. પ્રાર્થનાની શક્તિ મે મારી બિમારી દરમ્યાન અનુભવી લીધી. કદાચ મને એવુ લાગે છે કે દવાઓએ જેટલુ કામ કર્યુ તેન કરતા વધારે મારા દર્દીઓ અને શુભેચ્છકોની પ્રાર્થનાએ કર્યુ છે. સમુહમાં જે પ્રાર્થના થાય તે ચોક્કસ ઇશ્ર્વર સુધી પહોંચતી હોય છે એવુ મારૂ દ્રઢપણે માનવુ છે. આનો મોટામાં મોટો દાખલો અયોધ્યાનાં રામ મંદિર નિર્માણનો છે કે જે કરોડો માણસોની પ્રાર્થનાનું પરિણામ છે તેમ ડો. જીજે ગજેરાએ જણાવ્યુ છે.