અમરેલીના વડી-ઠેબીમાં નર્મદાના નિર ભરવા પાઇપ બિછાવવાનો પ્રારંભ

અમરેલી, અમરેલી શહેર તેમજ જીલ્લો માત્ર વરસાદ ઉપર આધરિત હોવાના કારણે પ્રજા છેલ્લા 3 દસકાથી પીવાના પાણીની સમસ્યા ભોગવી રહી છે. જો સમયસર વરસાદ ન પડવાના કારણે શહેરની તેમજ જીલ્લાની પ્રજાને એક બેડુ પાણી મેળવવા માટે ઠેર ઠેર ભટકવું પડતુ હોય છે. અને અમરેલી શહેરની પ્રજાને છેલ્લા કેટલાય વર્ષોથી દર 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે. તેનુ મુખ્ય કારણ એ છે કે શહેરની પ્રજાને પીવાનું પાણી પુરૂ પાડતા એવા ઠેબી,વડી,ખોડીયાર ડેમમાં પાણીનો જથ્થો નહીવત હોવાના કારણે શહેરની પ્રજા પીવાના પાણીની મુશ્કેલી વેઠી રહી છે. ત્યારે આ સમસ્યાને ભુતકાળ દેવા બનાવી દેવા માટે અમરેલી સિંચાઇ વિભાગ દ્વારા રૂા. 370 કરોડના ખર્ચે 4 ફુટથી માંડીને 5 ફુટ સુધીની પાઇપો બીછાવી અને ઠેબી વડી ડેમને નર્મદાના નીરથી ભરવા માટે પાઇપલાઇન બીછાવવાની કામગીરીનો પ્રારંભ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે અને આ કામ એક વર્ષની અંદર પુર્ણ કરવામાં આવશે તેમ અમરેલી સિંચાઇ વર્તુળ કચેરીના સુત્રોએ જણાવ્યુ હતુ. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી શહેરની પ્રજા છેલ્લા ચાર દસકાથી પીવાના પાણીની સમસ્યા ભોગવી રહી છે. અત્યારે શહેરની પ્રજાને દર 3 દિવસે પીવાનું પાણી પાલીકા દ્વારા વિતરણ કરવામાં આવી રહયુ છે. અને તેમાય તે ખાસ કરીને જ્યારે ઉનાળાના દિવસો જેમ જેમ નજીક આવતા જશે તેમ તેમ શહેરની પીવાના પાણીની સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ બનતી જશે અને એક બેડુ પાણી મેળવવા માટે મહિલાઓને ઠેર ઠેર ભટકવું પડશે આ પાણીની સમસ્યાને ભુતકાળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પાઇપલાઇન દ્વારા નર્મદાના નીરથી સૌરાષ્ટ્રના ડેમોને ભરવા માટેની સૌની યોજના અંતર્ગત અમરેલી શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા એવા ઠેબી,વડી ડેમને પાઇપલાઇન દ્વારા ભરવા માટેનું આયોજન પુર્ણતાના આરે છે. જેમાં ખંભાળાથી અમરેલી સુધીની 47 કિ.મી. સુધીની પાઇપલાઇન બીછાવવામાં આવશે. જેના દ્વારા વડી તથા ઠેબી ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવામાં આવશે. આ ઉપરાંત કુંકાવાવથી ધારી નજીક આવેલ ખોડીયાર ડેમ સુધીની 43 કિ.મી. સુધીની પાઇપલાઇન નાખવાનું કામ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. આ પાઇપ લાઇન બીછાવવા પાછળ અંદાજે રૂા. 370 કરોડનો ખર્ચ થશે. અમરેલી સિંચાઇ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે વડી તેમજ ઠેબી ડેમમાં પાણી ઠાલવવા માટેની જે પાઇપલાઇન નાખવામાં આવનાર છે તે 1200 એમએમથી 1500 એમએમ સુધીની એટલે કે 4 ફુટથી માંડીને 5 ફુટ સુધીની પાઇપલાઇન નાખવામાં આવશે. આમ આ કામ પુર્ણ કરવાની ટેન્ડરમાં જે શરત છે તે મુજબ તા. 8/3/2021 ના કામ પુર્ણ કરવાની શરત રાખવામાં આવી છે.