અમરેલીની ઇન્દીરા શાકમાર્કેટ પાસે દબાણ હટાવવા પ્રશ્ર્ને દેકારો

અમરેલી, 31મી તારીખે લોકડાઉન પુર્ણ થઇ રહયુ છે અને નવો નિર્ણય શું લેવાય તે હવે નક્કી થવાનું છે તે પહેલા અમરેલી ઇંદિરા શાકમાર્કેટનું ફોરવર્ડના ગ્રાઉન્ડમાં સ્થળાંતર કરાયું છે તે ચોમાસામાં ત્યાં બેસી શકશે નહી અને લોકો પણ શાકભાજી લેવા જઇ શકે નહી તેવી સ્થિતી વચ્ચે જો આ શાકભાજીના વેપારીઓને મુળ જગ્યાએ બેસાડવાના થાય તો અમરેલી શહેરમાં આવેલ ઇંદિરા શાકમાર્કેટમાં શાકભાજીના થડા બહાર રાખેલા વધારાના પાટીયાઓ દુર કરવા પાલિકા તંત્ર દ્વારા સુચના આપવામાં આવેલ હતી અને આજે સવારથી સ્વૈચ્છીક રીતે ઓટલા, બાકડા હટાવવાનું કાર્ય શરૂ હતુ ત્યારે સાંજના સમયે નગરપાલીકાના ચીફ ઓફીસર શ્રી હુણ તથા એન્જીનીયર શ્રી ખોરાસીયા સહિતની ટીમે જેસીબી સાથે જઇ અને દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ કરતા દેકારો બોલ્યો હતો.વેપારી આગેવાનશ્રી યોગેશભાઇ કોટેચાએ આક્રોષ સાથે જણાવ્યુ હતુ કે અત્યારના સમયે ડીમોલેશન કેટલા અંશે વ્યાજબી છે ? લોકડાઉનમાં સરકારે અનેક કાર્યો પડતા મુક્યા છે ત્યારે અમરેલીની ઇંદિરા શાકમાર્કેટમાં આ સમયનું ડીમોલેશન આઘાત જનક છે.શાકમાર્કેટમાં શાકભાજીના થડા વાળા વેપારીઓ દ્વારા સ્વૈૈચ્છિ રીતે પાટીયાઓ દુર કરવાની કામગીરી વેપારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે અને આવા સમયે તંત્ર નિંદનીય કાર્ય કરી રહયુ છે અને તેના માટે કલેકટર અને સબંધીતોને જાણ કરવામાં આવી છે તંત્ર દ્વારા શાકમાર્કેટની પાછળની લાઇનમાં છાંયા માટે કરાયેલા પતરા હટાવવાની કાર્યવાહી કરાઇ હતી પરંતુ વેપારીઓના ઉગ્ર સ્વરૂપને જોઇને અટકાવી દેવાઇ હતી.
દરમિયાન આ માથાકુટની જાણ થતાં અમરેલીના વેપારી એસો.ના પ્રમુખ શ્રી સંજય વણજારા પણ દોડી આવ્યા હતા અને સીટીપીઆઇશ્રી ખેર પણ દોડી આવ્યા હતા શ્રી ખેરની મધ્યસ્થિથી શાકમાર્કેટના થડામાં બહાર કઢાયેલા ઓટલા અને પાટીયા હટાવી લેવાશે તેવી વેપારી આગેવાનોએ ખાતરી આપી અને જેસીબીથી તોડ ફોડ થાય તો ગરીબ થડાવાળાઓને નુકશાન પણ થાય તેમ હતુ પરંતુ આખરે નગરપાલીકાના સ્ટાફે જેસીબી સાથે વિદાય લીધી હતી અને વેપારીઓએ તેની રીતે ઓટા, બાકડા હટાવવાનું કાર્ય શરૂ કર્યુ હતુ.શ્રી ભાવેશ સોમૈયાએ જણાવ્યુ હતુ કે અમરેલી ઇંદિરા શાકમાર્કેટની હાલત હાલમાં જર્જરીત હોવાથી આખી શાકમાર્કેટને રીનોવેશન કરવા માટે દરેક થડાવાળા અને અન્ય વેપારીઓ દ્વારા દરેક વ્યક્તિદીઠ રૂા. 10 હજાર ઉઘરાવીને રીનોવેશન કરવામાં આવશે જેના કારણે ઘના વર્ષો પહેલા બનાવેલ આ ઇંદિરા શાકમાર્કેટ નવા રંગરૂપ ધારણ કરશે.