અમરેલીની નદીમાં ઠલવાતા માંસના કચરાથી ધાર્મિક લાગણીને ઠેસ

અમરેલી,અમરેલીમાં દરેક જગ્યાનું કોઇને કોઇ ધણી છે પણ અમરેલીની વડી અને ઠેબી તથા ખારો જયાં ભેગા થાય છે તે ત્રિવેણી સ્થાન ધરાવતી નદીનું કોઇ ધણી ધોરી છે કે નહી ? તેવો સવાલ ઉઠયો છે.
અમરેલીના કામનાથ મહાદેવ મંદિરની સામેની પવિત્ર ત્રિવેણી સંગમના સામા કાંઠા સામે સ્મશાનની પાછળ જ લોહી-માંસના કચરાના ઢગઅને અમરેલીની આ નદીમાં ઠલવાતા માંસના કચરાથી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે.
શહેરમાંથી ઉઘરાવાતા ડોર ટુ ડોર કચરામાં માંસાહારીઓના કચરાનો નિકાલ ન થતો હોય તેવી રીતે મરઘાઓના પીછા અને માછલાઓ તથા માંસના ટુકડાઓ આ નદીમાં બેરોકટોક નાખી દેવામાં આવે છે અને તેને કોઇ રોકવાવાળું પણ નથી.
અમરેલીના ગાયત્રી મોક્ષધામની બરાબર પાછળ કોઇ કાયદા કે કાનુનની બીક વગર બેરોકટોક રોગચાળો ફાટી નિકળે તેવો લોહી માસનો કચરો નાખવામાં આવે છે અને નવાઇની બાબત એ પણ છે કે કયાંય જો સામાન્ય એવો મેડીકલ વેસ્ટેજ દેખાય ત્યા દેકારો મચાવનારા શુરવીરો અહી સાવ મૌનધારી સાધ્ાુની જેમ ચુપ છે .
કામનાથ મંદિર તથા મેલડી માના મંદિરની વચ્ચે આવેલા પવિત્ર ત્રિવેણી સંગમના આથમણા કાંઠે લોકો પિતૃઓનું તપર્ણ કરે છે અને તેની સામે જ ઉગમણા કાંઠે માંસનો કચરો નખાય છે કારણ કે સરકારી જવાબદાર તંત્ર સુતુ છે. અહીના સ્થાનિક કોળીવાડના લોકોએ અનેક વખત રજુઆતો કરી છે પણ અભણ અને ઓછુ જ્ઞાન ધરાવતા આ કોળીવાડના સ્થાનિક લોકોને કોઇ જવાબ સુધ્ધા નથી અપાયો.
અહી લોકોની ધાર્મિક લાગણીને તો ઠેસ પહોંચી રહી છે પણ તે સીવાય એક ગંભીર બાબત એ પણ છે કે, આ નદીમાં નખાતા માંસ-મટનના કચરાને કારણે અહી સેકડોની સંખ્યામાં લોહીતરસ્યા કુતરાઓ વસે છે અને તાજેતરમાં કુતરાઓએ સામા કાંઠાના વિસ્તારમાં એક બાળકને ફાડી ખાધ્ાુ હતું.