અમરેલીની બજારમાં દિવાળીની ખરીદી સાવ ફીક્કી

  • નોટબંધી, લોકડાઉન જેવા અનેક જખ્મો સહન કરીને લોકોની કમર આર્થીક રીતે બેવડી વળી જતા
  • અનાજ કરીયાણા કે કટલેરી કાપડ બજારમાં ખરીદી અભાવે વેપારીઓ સાવ નવરા ધૂપ્પ
  • વેપારીઓએ પણ મંદીનો માહોલ જોઇ બજારમાં મુકવા નવો માલુ ઉપાડયો જ નથી

અમરેલી,
અગાઉ નોટબંધીની કળ વળે તે પહેલા જ કોરોનાએ માથુ ઉંચકતા લોકડાઉન બાદ અનેક ધંધા રોજગારને માઠી અસર થઇ છે અને લોકો આર્થિક રીતે બેવડા વળી જતા તેની અસર બજારમાં દિવાળીની ખરીદી ઉપર થઇ છે હાલ અમરેલીની બજારમાં દિવાળીની ખરીદી સાવ ફીકકી હોય તેમ માંડ માંડ 30 થી 35 ટકાજ ખરીદી તે પણ રેડીમેઇડ કાપડ, બુટચંપલ અને કટલેરીમાં થઇ છે ઓણ અતિવૃષ્ટિને કારણે ખેતીપાકોને નુકસાન થતાં ગામડાની આર્થિક કરોડરજજુ પણ ભાંગી ગઇ હોય તેમ લોકો જયાં ચાલે તેમ ન હોય ત્યાં જ નહીંવત પ્રમાણમાં પૈસા ખર્ચે છે પરીણામે બજારમાં સીધી અસર જોવા મળે છે .
અમરેલીમાં દરવર્ષે સુકા મેવા સહીતની ચીજવસ્તુમાં ધોમ ખરીદી થતી પણ તેમાંય હજુ ઘરાગી નિકળી નથી તેમ અનાજ કરીયાણા એસોશિયેશનના શ્રી ચતુરભાઇ અકબરી અને સંજપભાઇ વણજારાએ જણાવ્યુ છે એજ રીતે કાપડ બજારમાં હાલ 30 થી 35 ટકા જ ધરાગી નિકળી પણ ગામડાનો ટ્રાફીક જોવા મળ્યો નથી બીજી તરફ ખેડુતોની રહીસહી ખેતજણસો પણ હજી ઘરમાં જ પડી છે.તેથી ખેડુતોનો હાથ છુટો થયો નથી તેની અસર કાપડ બજાર અને રેડીમેઇટ વસ્ત્રોમાં પડી છે.
તેમ કાપડ મર્ચન્ટ એસોશિયેશનના નટુભાઇ મસોયાએ જણાવ્યું છે.એકદંરે નાનામોટા તમામ વેપારીઓએ પહેલે જ પારખી જઇ નવો માલ પણ દુકાનોમાં ઠાલવ્યો નથી પણ જે રોકાણ છે તેનો પણ નિકાલ થતો નથી તેનો વસવટો બજારમાં જોવા મળે છે.