અમરેલીને ધમરોળતો કોરોના:એક મોત વધુ 3 પોઝિટિવ

અમરેલી,
ગઇ કાલે અમરેલીના ચિતલ રોડ ઉપર આવેલ જયોતીરાવ નગરમાં આવેલ 80 વર્ષના વૃધ્ધાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આજે સવારે તેમનું સારવાર દરમિયાન મૃત્યું નીપજતા અમરેલી શહેરમાં કોરોનાને કારણે મૃત્યુંનો આંક 2 ઉપર પહોંચ્યો છે અને આજે તા. 9 જુનના અમરેલી જિલ્લામાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયેલ છે. અમરેલી શહેરના લાઠી રોડ પર રહેતા 71 વર્ષીય પુરૂષ જે અમદાવાદથી આવેલા એમના ભાઈના સંપર્કમાં આવેલા છે એમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવેલો છે. લીલીયાના સલડી ગામના 29 વર્ષીય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ છે. આ પુરુષની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ ઉપરાંત સાવરકુંડલાના નાની વડાળના 70 વર્ષીય પુરુષ જે મુંબઈથી તા. 7 જુનના આવ્યા હતા એમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ છે.
આજ સુધીમાં અમરેલી જિલ્લામાં 2 દર્દીઓના દુ:ખદ અવસાન થયા છે અને 9 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ કુલ 18 પોઝિટિવ કેસમાંથી હાલ 7 એક્ટિવ કેસ છે. આજે કોવિડ-19 પોઝિટિવ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઈન કરવાની કામગીરી તેમજ દર્દીઓના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.