અમરેલીને ધમરોળતો દિપડો ફતેપુરથી ઝડપાયો

અમરેલી,
અમરેલી શહેરથી માત્ર પ જ કિમિ દૃૂરથી ગ્રામ્ય વિસ્તારના લોકોને રંઝાડતા દિપડાને વન વિભાગની ટીમ દ્વારા ઝડપી લેવાયો છે. આ અગાઉ ચાંપાથળ ગામે દીપડા દ્વારા હુમલાની ઘટના પણ બની હતી.અમરેલી શહેરને અડીને જ આવેલા ફતેપુર, ચાંપાથળ સહિતના ગામોમાં લાંબા સમયથી દીપડાની રંઝાડ હતી અને આના કારણે લોકોને પોતાના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. આ અગાઉ ચાંપાથળમાં દીપડા દ્વારા માનવ ઉપર હુમલાની ઘટના પણ બની છે. શેત્રુંજી વન્યપ્રાણી વિભાગ નીચે લીલીયા રેન્જમાં આવતા આ ગવામડાઓમાં આતંક મચાવનારા દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા આઠથી દસ દિવસથી રાતના પણ જાગીને પ્રયાસો કરવામાં આવતા હતા અને ફતેપુર, ચાંપાથળ તથા આસપાસના ગામોમાં અલગ અલગ જગ્યાએ કુલ પાંચ પિંજરા મૂકવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે પ:00 વાગ્યાના અરસામાં દીપડો પાંજરામાં મૂકાયેલા શિકાર ઉપર તરાપ મારવા જતા જ પકડાઈ ગયો હતો. આ કામગીરીમાં વન વિભાગના આરફએફઓ ગઢવી તેમજ ચાંપાથળ ગામના સરપંચ બટુકભાઈ ખૂંટ અને જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ બગડા જોડાયા હતા.