- ધીમી ધારે પડેલા એકધારા વરસાદને કારણે જમીનમાં પાણી અંદર ઉતરતા
- અમરેલીના સ્પોર્ટસ સંકુલના મેદાનમાંથી મોડી સાંજ સુધી પાણી ચિતલ રોડને ઠેકી સોસાયટીઓમાં વહયું : પોલીસ હેડક્વાર્ટરનાં મેદાનમાંથી પાણીની સરવાણીઓ શરૂ
- રાધીકા હોસ્પિટલની બાજુમાં કોવિડ હોસ્પિટલના દરવાજે ગોઠણ-ગોઠણ પાણી ભરાયાં શહેરમાં અનેક જગ્યાએ વરાપ છતા રાતભર પડેલા વરસાદથી સરવાણીઓ વહેતી રહી
અમરેલી,
અમરેલીમાં ગઇ કાલે રવિવારે દિવસના અને રાત્રીના ધીમી ધારે પડેલા માત્ર 2 ઇંચ વરસાદ છતા પણ જમીન પાણીથી તૃપ્ત થઇ ગઇ હોય આજે સવારના નીકળેલા વરાપ છતા પણ શહેરભરમાં અનેક જગ્યાએથી પાણીની સરવાણીઓ ફુટી નીકળી હતી અને સોમવારે સાંજ સુધી સરવાણીઓ ચાલુ રહી હતી.
અમરેલીનો વિશાળ ઠેબી ડેમ પહેલી વખત જ પુરી સપાટીએ ભરાયો છે અને એ પહેલા ધીમી ધારે સતત પડી રહેલા વરસાદથી જમીન તૃપ્ત થઇ જતા અમરેલી શહેરમાં ઠેબી ડેમના હેઠવાસના વિસ્તારોમાં ઠેર ઠેર પાણીની સરવાણીઓ ફુટી હતી. અમરેલીના ચિતલ રોડ ઉપર આવેલા એરપોર્ટ પાસેના સ્પોર્ટસ સંકુલમાંથી દિવસભર પાણીની સતત સરવાણીઓ રોડ ઠેકી અને ચિતલ રોડની સોસાયટીઓમાં પહોંચી હતી જ્યારે પોલીસ હેડક્વાર્ટરમાં પણ ગ્રાઉન્ડમાંથી મણીનગર જવાના ગ્રાઉન્ડ ઉપર પાણીની સરવાણી વહી હતી આ ઉપરાંત ચિતલ રોડ ઉપર રાધીકા હોસ્પિટલની બાજુમાં કોવિડ હોસ્પિટલ પાસેના બ્રાહ્મણ સોસાયટીમાં જવાના માર્ગ ઉપર ગોઠણ સમાણા પાણી ભરાયા હતા આ ઉપરાંત માર્કેટયાર્ડના રોડ ઉપર દરવાજા સુધી પાણી વહેતુ રહયુ હતુ તથા શહેરના અંડરબ્રીઝોમાંથી પણ પાણી વહયુ હતુ જિલ્લા બેંકથી ભીડભંજન સુધી પણ પાણીની સરવાણીઓ વહી હતી.