અમરેલીનો બ્લેકસ્ટોન છેક આંધ્રપ્રદેશમાં જતો હતો

હમણા હમણા બાંધકામના ભાવો આસમાનને આંબ્યા છે દરેક વસ્તુઓ મોંઘી થઇ છે આવા સમયે અમરેલીના વિકાસ માટેની એક તક કે જેના ઉપર કોઇનું ધ્યાન નથી તે પણ ઉજાગર થઇ છે બહુ ઓછા લોકોને એ જાણ હશે કે અમરેલીમાં દોઢસો વર્ષ પહેલા અમરેલી અને આસપાસના વિસ્તારમાં કાળા પથ્થરોની ખાણ હતી અને અમરેલીના પેટાળમાંથી કિંમતી પથ્થર નીકળતો હતો આ વાતને પુષ્ટી આપે છે કેપ્ટન એફ એચ જેકસનના 1879/80ના અમરેલી પ્રાંતના અહેવાલ.
આ અહેવાલમાં પણ અમરેલી આસપાસની કવોરીનો ઉલ્લેખ કરાયો છે અને જણાવાયુ છે કે અમરેલી શહેરની નજીક આવેલી બ્લેક સ્ટોનની ફાઇન ક્વોરી નવી ડિટેચમેન્ટ લાઇન્સ માટે જોખમી હોવાને કારણે બ્લાસ્ટીંગને કારણે બંધ કરવામાં આવી છે કોન્ટ્રાક્ટરોએ આજુબાજુમાં કોર્નિગ માટે સારો પથ્થર શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હજુ સુધી તે સફળ થયા નથી વર્ષ દરમિયાન કોઇપણ કિંમતની કોઇ નવી ક્વોરી ખોલવામાં આવી નથી.
અમરેલીમાં હાલમાં વિદ્યાસભાની પાછળ, અમરેલીથી ચાર કિ.મી. દુર અમરપુર વરૂડી ખાતે અને ત્યાંથી આગળ રાંઢીયા ખાતે તથા જાળીયાની ઉપર કમીગઢ ખાતે પાણાખાણ છે પણ ખનનનું કામ બંધ છે આમા રાંઢીયાની ખાણ 85 ફુટ સુધી ઉંડી છે અને તેમાં ભેખડો પડતા બુરાઇને 50 ફુટ જેવી રહી છે પણ અહીંથી દાણેદાર કાળો પથ્થર સાપર અને મોરબી જતો હતો અને સાપરથી આ પથ્થર આંધ્રપ્રદેશમાં જતો હતો અહીં નીકળતા ફુટ બાય ફુટના પથ્થરને ખંડો કહેવાતો હતો અને દોઢ બાય બે ફુટના પથ્થરને છવીસ્યો તથા પાંચ ફુટના પથ્થરને પેટી કહેવાતી હતી તેમ ભુતળના અભ્યાસુ વિદ્યાસભાના કેમ્પસ ડાયરેક્ટ શ્રી હસમુખ પટેલે જણાવ્યુ હતુ. તેમણે જણાવેલ કે રાંઢીયાની મુલાકાત વખતે તેમણે આ પાણાખાણ જે હાલમાં બંધ છે તે જોઇ હતી તેને પીપીપીના ધોરણે લીઝ ઉપર આપવામાં આવે તો એ ચારેક કિ.મી. સુધી રોડના કાંઠે કાંઠે ઉંડી ઉતરી શકે તેમ છે પથ્થર નીકળતા લોકોને રોજી મળશે અને તેમાં પાણી ભરાતા બહુ લાંબુ તળાવ પણ બની શકે તેમ છે.
ભારતમાં ખાસ કરી ને જયપુર અને કર્ણાટક માં ગ્રેનાઈટ ની ખાણો કાર્યરત છે અને ગુજરાત માં પણ વિપુલ પ્રમાણ માં ગ્રેનાઈટ ની ખાણો છે પરંતુ જે ગ્રેનાઈટ અમરેલીના રાંઢિયામાં જોવા મળે છે એવી ઉંચી કિંમત નો ગ્રેનાઈટ બહુ જૂજ જગ્યા પર જોવા મળે છે તેમ શ્રી પટેલે જણાવ્યુ હતુ.
અમરેલીના નાગનાથ મહાદેવ સામે આવેલા જુના કૈલાશબાગની જમીનમાં હનુમાનજીની પ્રતિમાનો પાયો ગળાતો હતો ત્યારે મહિલા ગૃહ ઉદ્યોગવાળા શ્રી વિઠલભાઇ બાંભરોલીયાએ ત્યાં નિરીક્ષણ કરતા ધ્યાનમાં આવ્યુ હતુ કે આ જમીનમાં સફેદ ટપકીવાળો કિંમતી કાળો પથ્થર છે અને આવો જ પથ્થર રાજમહેલ કેમ્સમાં નાગદેવતાના મંદિર પાસે પણ જોવામાં આવ્યો હતો અને જિલ્લા ભાજપ કાર્યાલય જ્યાં છે તે વિસ્તારને ધારપરા કહેવાય છે જેથી ત્યાં ભુતકાળમાં ધાર હોય અને નિચાણમાં પથ્થરો હોવાની શક્યતા છે.
અમરેલીમાં હાલમાં બીજા કોઇ મોટા ઉદ્યોગો નથી તેવા સમયે સરકાર દ્વારા અમરેલીમાં સરકારી ખરાબાની જગ્યાઓ અને આવી ખાણોમાં આધ્ાુનિક ટેકનોલોજીના ઉપયોગથી આ વ્યવસાય વિકસી શકે તેમ છે કે કેમ તેનો સર્વે કરવામાં આવે તો અમરેલી આસપાસમાં આ નવો ઉદ્યોગ શરૂ થઇ શકે તેમ છે.
બાકી આજથી 142 વર્ષ પહેલા ગાયકવાડી રાજ સમયે થયેલ રિપોર્ટમાં અમરેલી શહેર પાસે બ્લેક સ્ટોનની ફાઇન ક્વોરી જે તે વખતના જોખમને કારણે બંધ કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટરોને નવી ખાણ માટે મંજુરી પણ આપવામાં આવી હતી. આ અધ્ાુરી રહેલી કામગીરીને સરકાર ધ્યાન આપી શરૂ કરાવે તો અમરેલીમાં રાજુલાની જેમ મોટો પથ્થર ઉદ્યોગ વિકસી શકે તેમ છે. આમા રાંઢીયાનો પથ્થર એટલે કે ગ્રેનાઇટ ઉતમ ગુણવતાનો હોય અહીં તપાસ થાય તો વિકાસના નવા દ્વાર ખુલી શકશે.