અમરેલીમાં અઠવાડીયામાં કોરોના લેબ કાર્યરત થશે

  • તા.29 માર્ચે અવધ ટાઇમ્સે શરૂ કરેલી ઝુંબેશમાં સૌ જોડાયા અને અમરેલીને આરટી પીસીઆર કોરોના લેબ મળી
  • શાંતાબા ગજેરા હોસ્પિટલના ચેરમેન શ્રી વસંતભાઇ ગજેરા દ્વારા મેડીકલ કોલેજમાં ડો. કાનાબાર અને રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીના સહયોગથી લેબ શરૂ થશે
  • અમરેલીના વિવિધ સંગઠનો, સંસ્થાઓ દ્વારા સરકારમાં રજુઆતો થઇ હતી : અમરેલીના દર્દીનો રિપોર્ટ તાત્કાલીક આવી જશે : હવે સંક્રમણ વધવાનું છે ત્યારે સમયસર લેબ મળી

અમરેલી,
અમરેલીમાં જ્યારે કોરોનાનો એક પણ કેસ નહોતો નોંધાયો તે સમયે તા.29 મી માર્ચે સૌરાષ્ટ્રના ન્યુઝ પેપરોમાં એક માત્ર અવધ ટાઇમ્સે અમરેલીને કોરોના લેબ મળવી જોઇએ તેની ઝુંબેશ શરૂ કરી હતી અને તેમાં વિવિધ સંસ્થાઓ અને આગેવાનો જોડાયા તેના પરિણામ સ્વરૂપે અમરેલીના વતનના રતન એવા શ્રી વસંતભાઇ ગજેરાના પ્રયાસોથી અને સરકારની મદદથી અમરેલીમાં એક સપ્તાહની અંદર કોરોના લેબ શરૂ થનાર હોવાનું જાણવા મળેલ છે.
લોકો માટે એડવાન્સમાં આવનારી સમસ્યાને જોઇ અને અહેવાલ પ્રસિધ્ધ કરવાની અવધ ટાઇમ્સની પરંપરા છેલ્લા 25 વર્ષથી રહી છે જ્યારે કોરોનાનો એક પણ કેસ નહોતો ત્યારે અવધ ટાઇમ્સે શરૂ કરેલી ઝુંબેશને પરિણામે અમરેલીને કોરોનાની લેબ મળતા તાત્કાલીક દર્દીઓનું નિદાન થશે અને વધુ લોકો સંક્રમિત થતા અટકશે હાલમાં પરિસ્થિતી એવી હતી કે કોરોનાના નેગેટીવ અને પોઝિટિવ દર્દીઓને એક જ વોર્ડમાં નિદાન ન થાય ત્યાં સુધી સાથે રાખવામાં આવતા હતા અને જ્યારે સેમ્પલનો રિપોર્ટ આવે ત્યાં સુધીમાં નેગેટીવ દર્દી પણ પોઝિટિવ થઇ રહયો હતો.
હવે અહીં બ્રેક લાગશે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલના ચેરમેન અને અમરેલીના પનોતા પુત્ર શ્રી વસંતભાઇ ગજેરા દ્વારા ડો. કાનાબારના માધ્યમથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની મદદથી કોરોના લેબ માટેના મશીનનો ઓર્ડર દેતા મશીન આવી ચુક્યુ હોવાનું અને અઠવાડીયામાં જ લેબ શરૂ થાય તેવી શક્યતા હોવાનું જાણવા મળેલ છે.