અમરેલીમાં આઠમો માસ, ગર્ભમાં ત્રેલડુ હતું અને 21 વર્ષની પરણીતાને ખબર પડી કે તે છે પોઝિટિવ

  • કોરોનાના કપરા સમયમાં બની રહી છે અનેક ચોંકાવનારી ઘટનાઓ
  • શાંતાબા ગજેરા હોસ્પિટલમાંથી ગભરાયેલ પરણીતા ઘેર ચાલી ગઇ : હોસ્પિટલના કેમ્પસ ડાયરેક્ટર દ્વારા પરણીતા માટે વિશેષ વ્યવસ્થા કરી સારવાર માટે દાખલ કરાઇ

અમરેલી,
લાગણી અને ડર માપવાનું મીટર બનેલા કોરોનાના કપરા સમયમાં અનેક ચોંકાવનારી અને હદયને હચમચાવતી તો ક્યાંક હાસ્ય રેલાવતી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં એક ચોંકાવનારી અને જેના માટે જન્મ મરણ સહજ છે તેવી હોસ્પિટલના સંચાલકોમાં પણ કેવુ સંવેદનશીલ હદય છે અને કોરોનાનો ડર કેવો છે તેની સાક્ષી પુરતી ઘટના અમરેલીમાં બનવા પામી હતી.
અમરેલીના તળ શહેરમાં રહેતી 21 વર્ષની પરણીતા સગર્ભા હોય તેને આઠમો માસ ચાલી રહયો હતો અને અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં તે સારવાર લેતી હોય તેણીના ગર્ભમાં ત્રેલડુ છે અને તેણીના લક્ષણો જોઇ સારવાર આપનાર તબીબે સાવચેતી માટે કોરોના ટેસ્ટ કરવા જણાવતા આ પરણીતાએ કોરોનાનો રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો જ્યારે આ 21 વર્ષની પરણીતાને ખબર પડી કે તે છે પોઝિટિવ ત્યારે શાંતાબા ગજેરા હોસ્પિટલમાંથી આ ગભરાયેલ પરણીતા ઘેર ચાલી ગઇ હતી સામાન્ય રીતે પોઝિટિવ આવેલ વ્યક્તિ હોસ્પિટલની રજા વગર ચાલી જાય ત્યારે પોલીસને જાણ કરી તેને ફરી હોસ્પિટલમાં લાવવામાં આવતી હોય છે પરંતુ આ કિસ્સામાં એ પરણીતા અને તેના ગર્ભમાં રહેલ ત્રણ સંતાનો મળી ચાર ચાર જિંદગીઓનો સવાલ હતો. શાંતાબા ગજેરા હોસ્પિટલના કેમ્પસ ડાયરેક્ટર શ્રી પીન્ટુભાઇ ધાનાણીને જ્યારે આ કિસ્સાની ખબર પડી ત્યારે તેમણે માનવીય અભીગમ અપનાવી અને તેમના પરિચિત મારફતે આ પરણીતાના પતિ, સસરા અને પરિવારને હોસ્પિટલે બોલાવી તેમની પ્રસુતીની અને કોરોનાની બંને સારવાર અહીં એક જ જગ્યાએ થઇ શકે તેમ હોય તેમ સમજાવેલ અને ગાયનેકની સારવાર બીજી જગ્યાએ જ્યારે કોરોનાની સારવાર બીજી જગ્યાએ એવુ કરવામાં આ પરણીતા અને તેના ગર્ભમાં રહેલ સંતાનો જોખમમાં મુકાય તેમ હોવાનું જણાવી સમજાવેલ પરંતુ કોરોનાથી ભયભીત પરિવાર આ પરણીતાને એકલી રહેવા દેવા તૈયાર ન હતો આથી ચાર ચાર જિંદગીઓનું જોખમ જોઇ શ્રી પીન્ટુભાઇ ધાનાણીએ આ પરણીતાને હોસ્પિટલમાં દાખલ કરી અને તેના માટે તેની સામે જ સલામત અંતરે જ્યાં સુધી તેની સારવાર અને રિપોર્ટ ન થાય ત્યાં સુધી મહિલા નર્સિગ સ્ટાફના એક બહેનને વિશેષ ફરજરૂપે ત્યાં મુકતા આ પરિવાર સંમત થયો હતો અને આ પરણીતાને હોસ્પિટલમાં દાખલ કરી તેની સારવાર અને વિવિધ પરીક્ષણો શરૂ કરી દેવાયા છે.