અમરેલીમાં એક જ દિવસમાં કોરોનાનાં બે પોઝિટિવ કેસ

અમદાવાદથી આવેલા ઓમનગરના 23 વર્ષના યુવાનને અને અવધ રેસીડેન્સીનાં 62 વર્ષનાં વૃધ્ધને ટ્રાન્સમીશનથી કોરોનાનું સંક્રમણ : વૃધ્ધ રાજકોટમાં વેન્ટીલેટર ઉપર

ઓમનગરમાં અને અવધ રેસીડેન્સીમાં દર્દીના ઘર આસપાસના વિસ્તારને સીલ કરાયો ચક્કરગઢ રોડ પછી ઓમનગર, અવધ રેસીડેન્સીમાં કન્ટેનમેન્ટ એરીયા જાહેર થશે

 

અમરેલી,અમરેલી પંથકમાં લોકડાઉન ખુલતા જ કોરોનાનું પ્રમાણ વધી રહયુ હોય તેમ આજ સુધીમાં 11 કેસ નોંધાયા હતા જેમાં અમરેલીનાં ઓમનગર અને સાંજે અવધ રેસીડેન્સીમાં એક કેસ પોઝીટીવ આવતા કુલ 13 કેસ થયા છે સાથે સાથે અમરેલીનાં તાલીમી આઇપીએસ અધિકારીને પણ સુરતમાં કોરોના પોઝીટીવ આવતા હોસ્પિટલમાં ખસેડાયા છે અમરેલીમાં બે વિસ્તારમાં કન્ટેનમેન્ટ એરીયા જાહેર કરવા અને પોઝીટીવ કેસના રહેણાંકની આસપાસના વિસ્તારને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.તા.30 મે ના અમદાવાદના નિકોલથી અમરેલી આવેલા ઓમનગરમાં રહેતા 23 વર્ષના યુવાનને ગઇ કાલે તકલીફ થતા અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવાનનાં કુટુંબીજનોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા અને આ દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટ્રેસીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ અમરેલીમાં દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત ગઇ 29મી તારીખે અમરેલીની અવધ રેસીડેન્સીમાં રહેતા 62 વર્ષના વૃધ્ધને તકલીફ સાથે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ખસેડી તેનું સેમ્પલ લેવામાં આવતા તેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો અને ત્યાર બાદ તે પુર્ણ રૂપે સ્વસ્થ ન થતાં તેને રાધીકા હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાંથી બે દિવસ પહેલા તેમને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ત્યાં પણ બીજી ખાનગી હોસ્પિટલમાં રીફર કરાતા ત્યાં તેમનો કોરોના રિપોર્ટ કરાતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેમની તબીયત વધ્ાુ લથડતા વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે.રાજકોટથી તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની જાણ થતાં તેમને ખાનગીમાંથી સીવીલમાં ખસેડાયા છે અને અમરેલી જાણ કરાતા તંત્ર દ્વારા અવધ રેસીડેન્સીમાં તે જે રો માં રહે છે તે રો ને સીલ કરી દેવામાં આવી છે અને તે કોના કોના કોન્ટેકટમાં આવ્યા છે અને રાધીકા હોસ્પિટલમાં સારવાર કરનાર સહિતના કોન્ટેકટને આરોગ્ય તંત્ર દ્વારા શોધવામાં આવી રહયા છે.અમરેલી શહેરમાં એક જ દિવસમાં બે વિસ્તાર સીલ કરવામાં આવ્યા છે અને શહેરમાં લોકો ઉપર હવે સાચુ ટ્રાન્સમીશનનું જોખમ ઉભુ થયુ છે છતા પણ સાવચેતી લોકોને બચાવી શકશે.