અમરેલીમાં કારમાં આવેલ પાંચ લૂંટારુ લૂંટ ચલાવી ફરાર

  • અમરેલી શહેરના બસસ્ટેન્ડ જેવા ભરચક વિસ્તારમાં બનેલી ઘટનાથી ખળભળાટ : પોલીસ દ્વારા નાકાબંધી
  • સીલ્વર સ્કોપિયોમાં આવેલ ત્રણ પુરુષ તથા એક મહીલા અને એક એક છોકરીએ નાગનાથ બસસ્ટેન્ડમાં ઉભેલ પરિવારના મોભી મહીલા પાસેથી પર્સની લૂંટ ચલાવી
  • ચલાલાના ભીમનાથ ફરસાણવાળા પરિવારના ચાર સભ્યો એ પ્રતિકાર કરતા પાંચેય લૂંટારુઓ તુટી પડયા : બગસરા તરફ ભાગ્યા : પોલીસે લૂંટારુ ગેંગના સગડ દબાવ્યા

અમરેલી,
અમરેલી નાગનાથ મહાદેવ નજીક આવેલા બસ સ્ટેશન પાસે ચલાલાના ભીમનાથ ફરસાણવાળા વૈભવગીરી હસમુખગીરી ગોસાઇના માતા પાસેથી 17 હજાર રૂપીયાની રોકડ તથા પર્સમાં રહેલ સોનાની નથણી મળી 20 હજારની મતા લુંટી પાંચ શખ્સો સ્કોર્પીયો કારમાં ફરાર થઇ જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને આ ઘટનાના પગલે પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી દીધી છે.
અમરેલી શહેર પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમો દ્વારા ફરાર લુંટારૂઓની શોધખોળ ચલાવાઇ રહી છે.
નાગનાથ પાસેના નાના બસ સ્ટેન્ડે વૈભવગીરી પોતાના માતા શોભાબેન અને પત્ની સેજલબેન તથા બહેન પુજા સાથે બાબરાના કલોરાણાથી ધાર્મિક વિધી પતાવી અમરેલી બસ સ્ટેન્ડે ઉતર્યા હતા અને ચલાલાની બસની રાહ જોતા હતા ત્યારે ચિતલ રોડ તરફથી આવેલ સિલ્વર કલરની જય મુરલીધર લખેલ સ્કોર્પીયોમાં ત્રણ પુરૂષ એક મહિલા અને એક છોકરી આવ્યા હતા તેમણે શોભાબેનના હાથમાં રહેલ પર્સ કે જેમાં સતર હજાર રોકડા અને ત્રણ હજારની સોનાની નથણીની લુંટેલ જેથી પરિવારે રોકતા લુંટારૂઓએ ઢીકાપાટુનો માર મારી રોકડ રૂપીયા અને નથણી સાથે સ્કોર્પીયો ફોરવ્હિલ જીજે 01 એચકયુ 9797માં બગસરા તરફ નાશી છુટયા હતા.
પોલીસ તંત્ર દ્વારા નાકાબંધી કરી અને આ ગેંગને પગેરૂ દબાવ્યુ છે અને જિલ્લાભરમાં નાકાબંધી કરી હોય તે ઝડપથી પોલીસના હાથમાં આવી જાય તેવી શક્યતા રહેલ છે. આ ગુનાની તપાસ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ પીએસઆઇ પી.વી.પલાસ ચલાવી રહયા છે.