અમરેલીમાં કોરોનાથી વધુ બે મોત : ભારતમાં સૌથી ઉંચો મૃત્યુદર

  • અમરેલીના ગજેરાપરાનાં 90 વર્ષના વૃધ્ધા અને અમરેલીના પાણીયા ગામના 55 વર્ષના પ્રૌઢનું સારવારમાં મૃત્યુ
  • કુલ મરણાંક 11 થયા, હજુ પરિસ્થિતી ખરાબ થવાની શક્યતા
  • કોરોના હવે ગામડાઓમાં પંજો ફેલાવે છે : બાબરા, કુંડલા, વણોટ, બગસરા, મોટા મુંજીયાસર, પાડરશિંગા અને અમરેલીના ગજેરાપરાનાં દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

એક વખતના ગ્રીન ઝોન અને કોરોનામુક્ત અમરેલી જિલ્લાની હાલત આજે મૃત્યુદરના મામલે દેશમાં ભયંકર તબક્કામાં છે આજે વધુ 2 મૃત્યુ નોંધાતા અમરેલીનો મૃત્યુદર 10 એ પહોંચ્યો છે સાથે સાથે કોરોનાએ છેલ્લા 24 કલાકમાં ત્રણ આંકડામાં પ્રવેશ કર્યો છે ગઇ કાલે 99 દર્દી હતા આજે નવા 7 દર્દી આવતા કુલ આંક 106 થયો છે.
અમરેલી જિલ્લામાં કોરોનાની ભયાનકતા દિવસે ને દિવસે વધી રહી છે અને તેમાય સૌથી ચિંતાજનક બાબત કોરોનાના ઉંચા મૃત્યુદરની છે છેલ્લા 24 કલાકમાં બે મૃત્યુ થતા કોરોનાથી મૃત્યુનો આંક 11 થયો છે અમરેલી તાલુકાના પાણીયા ગામે એક પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા ગોરધનભાઇ વશરામભાઇ કાછડીયા ઉ.વ.55 ને તા.24 ના અમરેલી દાખલ કરાયા હતા અને 26મી એ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આજે બપોરે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યુ હતુ જ્યારે તા.2 ના દાખલ કરાયેલા અમરેલી ગજેરાપરા વિસ્તારમાં રહેતા ભાજપના આગેવાન શ્રી કાળુભાઇ પરમારના માતુશ્રી રતનબેન રામજીભાઇ પરમાર ઉ.વ.90 નો તા. 4 ના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ તેમનું પણ ગત રાત્રીના સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા અમરેલી જિલ્લામાં મરણાંક 11 થયો છે જે કદાચ ભારતમાં સૌથી ઉંચો છે દર 100 લોકોએ મરણનું પ્રમાણ 10 ટકા ઉપર ગયુ છે.
આજે સોમવારે અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ આવ્યા હતા જેમાં બાબરાના સુરતની હિસ્ટ્રી ધરાવતા 57 વર્ષના પુરૂષ, સાવરકુંડલામાં સોમનાથ ગયેલ 74 વર્ષના વૃધ્ધ, સુરતના સંપર્કમાં આવેલ બગસરાના 75 વર્ષના વૃધ્ધ, સાવરકુંડલાના વણોટ ગામના સુરત આંટો મારેલ 60 વર્ષના વૃધ્ધ તથા અમરેલી ગજેરાપરાના 54 વર્ષના મહિલા, બગસરાના મોટા મુંજીયાસર ગામના 45 વર્ષના આધેડ અને દામનગરના પાડરશિંગા ગામનો 32 વર્ષના યુવાનના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા આ સાથે જિલ્લાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 106 થઇ છે જેમાં 66 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે 11 ના મૃત્યુ થયા છે અને 29 દર્દી સારવાર હેઠળ છે.