અમરેલીમાં કોરોનાનાં દર્દીને એક મીનીટમાં 10 લીટર ઓક્સિજન, એન્ટીબાયોટીક અને જરૂર પડયે સ્ટીરોઇડના ઇંજેકશન અપાય છે

  • કોરોનાનાં દર્દીને કેવી રીતે અને કેવી સારવાર મળે છે શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ?
  • 95ની નીચે ઓક્સિજન લેવલ હોય તો દર્દીને ઓક્સિજન ઉપર મુકાય છે : અમરેલીમાં 85, 70 અને 40 ઓક્સિજન સુધીના દર્દીઓ આવ્યા છે
  • દર્દીને ન્યુટ્રીશ્યન લીકવીડ અને પલ્સ તથા ઓક્સિજન મીટરથી સતત ચકાસણી : કોરોનાના દર્દીને રજા આપ્યા પછી પણ 15 દિવસ જોખમવાળા

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
અમરેલીમાં 13 મે 2020 થી આજ સુધીમાં 243 કોરોનાનાં પોઝિટિવ દર્દીઓ આવ્યા છે જેમાં 133 દર્દીઓ સાજા થઇ ઘેર ગયા છે અને અત્યારે 94 દર્દીઓ સારવાર લઇ રહયા છે દુનિયાભરના લોકોને બદલાવી નાખનાર અને બુકાની બાંધવા માટે મજબુર કરનાર તથા લાખો લોકોનો ભોગ લેનાર ઘાતક કોરોના સામે અમરેલીમાં કેવો જંગ ખેલાય છે તેની તપાસ અવધ ટાઇમ્સે કરી હતી કોરોનાના દર્દીઓને સારવાર આપનાર તબીબ, મેનેજમેન્ટ કરનાર અને સારવાર લેનાર લોકોની પુછપરછ કરી માહિતી એકત્ર કરી હતી જે અહીં રજુ કરી છે.
અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને અપાય રહેલી સારવાર ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહી છે કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારથી કોરોનાના દર્દીઓને સારવાર આપનારા યંગ કોરોના વોરીયર્સ ડો. વિજય વાળાએ જણાવ્યુ હતુ કે કોરોનાના દર્દીઓને ટેમીફલુ, એજીથ્રોમાઇસીન તથા એન્ટીબાયોટીક અને સ્ટીરોઇડના ઇંજેકશન અને લોહી પાતળુ કરવાની દવાઓ અપાય છે અને અહીં સામાન્ય રીતે ઓછામાં ઓછુ 95 ટકા માનવીના શરીરમાં ઓક્સિજન હોવુ જોઇએ પણ આ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓમાં 85/90/70 અને છેક 40 ટકા સુધીના ઓક્સિજન લેવલ વાળા દર્દીઓ આવ્યા છે આવા દર્દીઓને વેન્ટીલેટર ઉપરાંત સામાન્ય સ્થિતીમાં ઉંધા સુવાની સલાહ અને વીટામીન વાળા ન્યુટ્રીશ્યલ લીકવીડનું પ્રમાણ વધારે આપવામાં આવે છે અને તે સાજા થઇ ગયા પછી રજા આપી દેવાયા બાદ તેમને 14 થી 15 દિવસ આરામ કરવાની સલાહ અપાય છે આ સમય દરમિયાન સાવધાની એ પણ રાખવાની રહે છે કે તેમના પરિવારજનો તેમના સંપર્કમાં આવે તો 15 દિવસ સુધી રજા અપાયેલ દર્દી બીજાને સંક્રમિત કરી શકે છે માટે રજા અપાયા પછી દર્દીએ 15 દિવસ સેલ્ફ કવોરન્ટાઇન રહેવુ જોઇએ.
શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કેમ્પસ ડાયરેકટર શ્રી પીન્ટુ ધાનાણીએ જણાવ્યુ હતુ કે નર્સીગ હોસ્ટેલના સ્ટુડેન્ટને પણ પોઝિટિવ વોર્ડમાં દરેક દર્દીઓના ઓક્સિજન લેવલ અને પલ્સ ચકાસવા તૈનાત રખાયા છે સુરેન્દ્રનગરથી ઓક્સિજનના જમ્બો સીલીન્ડરના ટ્રક મંગવાઇ રહયા છે કોરોનાનાં એક દર્દીને એક મીનીટે 10 લીટર ઓક્સિજન જોઇએ અને એક કલાકે 600 લીટર અને દિવસ દરમિયાન એક સીલીન્ડર વપરાય જતુ હોય છે અને સાત લોકો ઓક્સિજનના સીલીન્ડરો બદલવા અને ફેરવવા માટે સ્પેશ્યલ નિયુક્ત કર્યા છે આ ઉપરાંત એન્ટીબાયોટીક અને ટેનીફલુ જેવી તથા લોહી પાતળા કરવાની ગરમ દવાઓની આડ અસરથી દર્દીઓને બચાવવા માટે રાત્રે ફરજીયાત તમામને અમુલ ગોલ્ડ દુધ આપવામાં આવે છે અને એકલવાયા પરિવારથી દુર એવા દર્દીને હુંફ મળી રહે તે માટે સઘન પ્રયાસો કરાય છે.
કોરોનાની સામે લડી સાજા થયેલા સાવરકુંડલાના ફાયટર અને સેવાદીપ ટ્રસ્ટના સ્થાપક શ્રી હિતેષ સરૈયાએ જણાવ્યુ હતુ કે હોસ્પિટલમાં સમયસર સુંદર સારવાર મળી હતી અને ત્યાર પછી યોગા, પ્રાણાયામ અને વિવિધ કાળજી સાથે મે 28 દિવસને બદલે 30 દિવસનો સમય એકાંતમાં પાર પાડયો હતો હવે છેલ્લા 8 દિવસથી હું કામે લાગી ગયો છુ અને સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં તમામ દર્દીઓને ટીફીનની સેવા શરૂ કરી દીધી છે.