અમરેલીમાં કોરોનાનો ફુંફાડો : કલેકટરશ્રી દ્વારા કડક પગલા

અમરેલી,
અમરેલી જિલ્લામાં શાંત પડેલ કોરોનાએ ફુંફાડો માર્યો છે અને કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે બેસતા વર્ષ પછી કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હોય કોરોનાને રોકવા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા કડક પગલાઓ શરૂ કરવામાં આવ્યા છે બેસતા વર્ષના દિવસે આવેલા બે ચાર કેસ વધીને સીધા 22 ઉપર પહોંચી ગયા છે જ્યારે અત્યાર સુધી લોકો અને તંત્ર વચ્ચે સેતુરૂપ કામગીરી કરનાર અને વખતો વખત એકપણ ખાડો પાડયા વગર મિડીયા સુધી કોરોનાની માહિતી પહોંચાડનાર જિલ્લા માહિતી અધિકારીશ્રી સુમિત ગોહીલ પણ કોરોનાની ઝપટમાં આવી જતા ચિંતાની લાગણી પ્રસરી છે.
દિવાળીના તહેવારોમાં બજારોમાં ભીડ વધારે થઇ હોય કોરોનાનું સંક્રમણ ફેલાયુ હોય હવે પછીના અઠવાડીયામાં મોટા પ્રમાણમાં કેસો સામે આવે તેવી શક્યતતાને જોઇને તંત્ર દ્વારા કડક પગલા શરૂ કરાયા છે અમરેલી શહેરમાં એસડીએમશ્રી સી.કે. ઉંધાડ તથા પાલીકાના શ્રી હસમુખ દેસાઇ,રાજુલામાં મામલતદારશ્રી ગઢીયા સહિતની ટીમ અને જિલ્લાના સાવરકુંડલા સહિતના પાલીકા વિસ્તારોમાં પાલિકા, પોલીસ, પંચાયત, આરોગ્યની ટીમોને મેદાનમાં ઉતારાઇ છે આ ટીમ દ્વારા માસ્ક વગરના લોકોને 1000નો દંડ અને દંડ ન હોય તો પોલીસને સોંપી દેવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.
અમરેલીના પ્રાંત અધિકારીશ્રી ઉંધાડે જણાવ્યુ હતુ કે અમરેલી શહેરમાં 10 દિવસ સુધી આ ડ્રાઇવ ચાલુ રહેશે અને આજે મીઠાઇના વેપારીઓના મળી કુલ 29 આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા છે લોકો સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરે અને ખાણી પીણીની દુકાનો, ધાર્મિક સ્થળોએ એક સાથે ભેગા ન થાય અને સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવે તથા તકેદારી રાખે તે માટે તંત્ર દ્વારા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન અને સુચના હેઠળ અનેક પગલાઓ શરૂ કરાયા છે.
બીજી તરફ જિલ્લામાં તા.15 ના રોજ ચાર કેસ, તા.16 ના બે કેસ, તા.17 ના 12 કેસ અને તા.18 ના 22 કેસ આવ્યા છે અને બે દિવસમાં ચાર દર્દીઓના મૄત્યુ નીપજ્યાં છે તા.15 ના દામનગરના પટેલ શેરીમાં રહેતા 72 વર્ષના મહિલા દર્દીનું મૃત્યુ નીપજ્યુ હતુ અને કાલે તા.18 ના અમરેલીના નાના ગોખરવાળા ગામના 70 વર્ષના વૃધ્ધ તથા અમરેલીના શંભુપરા ગામના 62 વર્ષના વૃધ્ધનું મોત નીપજ્યુ હતુ તા.19 ના અમરેલી શહેરના ચિતલ રોડે શ્રીરંગ સોસાયટીમાં રહેતા 75 વર્ષના વૃધ્ધા તથા ધારીમાં રહેતા 70 વર્ષના વૃધ્ધ દર્દીઓના મૃત્યુ નીપજ્યા હતા.