અમરેલીમાં કોરોના લેબનો શ્રી આયુષ ઓકના હસ્તે શુભારંભ

  • માર્ચ મહિનાથી જ અવધ ટાઇમ્સની ઝુંબેશ અને વતનનાં રતન શ્રી વસંતભાઇ ગજેરાએ લેબોરેટરીના તમામ ઇન્સ્ટ્રુમેન્ટનો ખર્ચ ઉઠાવતા
  • શાંતાબા ગજેરા હોસ્પિટલમાં અદ્યતન સાધનોથી સજ્જ લેબમાં 6 કલાકમાં કોરોનાનાં રીઝલ્ટ મળશે
  • ડીડીઓશ્રી તેજસ પરમાર, એસડીએમશ્રી ઉંધાડ, ડો. કાનાબાર, ડો.હરેશ વાળા, શ્રી શોભનાબેન મહેતા, કેમ્પસ ડાયરેકટર શ્રી પીન્ટુભાઇ ધાનાણી, ડો. ડાભી,શ્રી હીરેન હીરપરા, શ્રી એમ.કે.સાવલીયા,શ્રી કાળુભાઇ રૈયાણીની ઉપસ્થિતી
  • અંદાજિત 1 કરોડના ખર્ચે અદ્યતન અને સુવિધા સભર લેબોરેટરી બની જતા સુવિધામાં વધારો થયો

અમરેલી,
કોરોના લેબ વગર હેરાન થતા અમરેલીને રાહત થઇ છે શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકના હસ્તે અંદાજિત 1 કરોડના ખર્ચે તૈયાર થયેલી કોવિડ-19 ટેસ્ટીંગ લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું અને લેબ કાર્યરત કરવામાં આવી હતી.
માર્ચ મહિનાના અંતમાં અવધ ટાઇમ્સ દ્વારા કોરોના લેબ અનિવાર્ય હોવાની મહત્વતા સમજાવી અને કોરોના લેબ માટે જાગૃતી ફેલાવવામાં આવી ઝુંબેશ શરૂ કરાઇ હતી જેમાં વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીથી માંડી વિશ્ર્વ હિન્દુ પરિષદના શ્રી હસમુખ દુધાત, અમરેલીના વેપારીઓ, વિવિધ સંસ્થાઓ જોડાઇ હતી ડો. ભરતભાઇ કાનાબારએ રૂબરૂ ગાંધીનગરનાં ધક્કા ખાધા હતા ત્યારે 5 મહિનાની જહેમત પછી અમરેલીની લેબ મંજુર અને કાર્યરત થઇ હતી.
આ તકે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકએ જણાવ્યું હતું કે આ અગાઉ કોવિડ-19ના દર્દીના સેમ્પલ ટેસ્ટીંગ માટે ભાવનગરની લેબોરેટરીમા મોકલવા પડતા હતા. અને રીપોર્ટ આવતા અંદાજે બે થી ત્રણ દિવસનો સમય લાગી જતો હતો. પરંતુ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે જ લેબ બનતા હવે આ ટેસ્ટનું રિઝલ્ટ માત્ર 5 થી 6 કલાકમાં જ મળી રહેશે. કોવિડ-19ની સારવારમાં તાત્કાલિક નિદાન ખુબ મોટો ભાગ ભજવે છે. જો દર્દીનો જલ્દી ટેસ્ટ થાય અને સમયસર સારવાર મળી રહે તો દર્દી ખુબ જ ઓછા સમયમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ઘરે જાય છે.
આમ, આજે શરુ કરેલી લેબ અત્યંત ઉપયોગી નીવડશે.વધુમાં કલેક્ટરશ્રીએ ઉમેર્યુ હતું કે રાજ્ય સરકાર દ્વારા રોજના 200 જેટલા ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો એટલે આ લેબ શરુ થતા આ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં ખુબ જ સરળતા રહેશે તેમજ વધુમાં વધુ ટેસ્ટિંગ થાય એ દિશામાં વહીવટી તંત્રના પ્રયત્નો શરૂ રહેશે.
ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્યુ હતુ કે અમરેલીનાં સરકાર દ્વારા કોરોના લેબને મંજુરી આપવામાં આવી અને શ્રી વસંતભાઇ ગજેરાએ પોતાના ખર્ચે સાધનો વસાવતા અમરેલીમાં કોરોના સામેની લડાઇ અસરકારક બનશે.
હોસ્પિટલના અધિકારીએ આ હાઈટેક ટેસ્ટિંગ લેબના સંદર્ભમાં કહ્યું હતું કે આ લેબના કારણે અમરેલી જિલ્લામાં કોરોના ટેસ્ટિંગની ક્ષમતા વધશે. કોરોના સામે લડવામાં આ હાઈટેક લેબ અત્યંત મદદરૂપ બનશે. એમણે વધુમાં ઉમેર્યુ હતું કે અંદાજિત 1 કરોડના ખર્ચે તૈયાર થયેલી કોવિડ-19 ટેસ્ટીંગ લેબ અદ્યતન સાધનોથી સજ્જ છે અને 24 કલાકમાં અંદાજે 200 જેટલા ટેસ્ટની ક્ષમતા ધરાવે છે જેથી ટેસ્ટિંગની ક્ષમતા વધશે.
ડીડીઓશ્રી તેજસ પરમાર, એસડીએમશ્રી સી.કે. ઉંધાડ, ડો. ભરતભાઇ કાનાબાર, સિવીલ સર્જન ડો.હરેશ વાળા, સુ્પ્રીટેન્ડેન્ટ શ્રી શોભનાબેન મહેતા, કેમ્પસ ડાયરેકટર શ્રી પીન્ટુભાઇ ધાનાણી, ડો. ડાભી, શ્રી હીરેન હીરપરા, શ્રી જેે.પી.સોજીત્રા, શ્રી એમ.કે.સાવલીયા,શ્રી કાળુભાઇ રૈયાણી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા ડો. એ.કે.સીંઘ, સિવિલ સર્જન, તબીબી અધિકારીઓ વિગેરે શહેરના અગ્રણીશ્રીઓ હાજર રહ્યા હતા.