અમરેલીમાં કોરોના લેબ માટે રવિવારે શ્રી પરેશ ધાનાણીના ધરણા

  • શુક્ર-શનિ બે દિ’ સરકારનાં, રવિવાર આપણો : કોરોના લેબ માટે સરકારને બે દિવસનું અલ્ટીમેટમ આપતા શ્રી પરેશ ધાનાણી
  • પહેલા સુરતથી પેસેન્જર આવતા હતા હવે પેશન્ટ આવે છે : અઠવાડિયામાં અમરેલી કોરોનાનાં દર્દીથી છલકાશે : રાજુલા, કુંડલા હોસ્પિટલને અપગ્રેડ કરો : શ્રી ધાનાણી
  • સુરતમાં હોસ્પિટલોમાં જગ્યા નથી અને લોકો સીધા બસમાં બેસી અમરેલી આવી હોસ્પિટલમાં દાખલ થાય છે :નર્સીગ હોસ્ટેલમાં પણ કોવિડ હોસ્પિટલ બનાવો : શ્રી ધાનાણી

અમરેલીને કોરોના ટેસ્ટીંગ લેબ આપવા માટે શ્રી પરેશ ધાનાણી આક્રમક બન્યા છે તેમણે સરકારને બે દિવસની મહેતલ આપી છે શુક્ર અને શનિ સુધીમાં અમરેલીને કોરોના લેબ નહી મળે તો રવિવારથી શ્રી ધાનાણી અમરેલીમાં હોસ્પિટલાના દરવાજા પાસે જ પલોઠી વાળી ધરણા શરૂ કરનાર હોવાનું તેમણે અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ.શ્રી ધાનાણીએ જણાવ્યુ છે કે અમરેલીમાં પહેલા સુરતથી પેસેન્જર આવતા હતા હવે ત્યાંની હોસ્પિટલોમાં જગ્યા ન હોવાને કારણે પેશન્ટો આવી રહયા છે અને અઠવાડિયામાં જ અમરેલીની હોસ્પિટલ કોરોનાના દર્દીથી છલકાઇ જશે અમરેલીની હોસ્પિટલમાં કોરોનાના દર્દીને રાખવાની જગ્યા નહી હોય તેટલી હદમાં સુરતથી દર્દીઓ આવવાના શરૂ થયા છે આવા સમયે સરકાર અમરેલી સાથે કોરોના ટેસ્ટીંગ લેબ આપવામાં ઓરમાયુ વર્તન શું કામ કરી રહી છે ? તેવા સવાલ સાથે શ્રી ધાનાણીએ જણાવેલ કે આ સંજોગોમાં સાવરકુંડલા અને રાજુલાની હોસ્પિટલને અપગ્રેડ કરવાની જરૂર છે અને અમરેલીમાં સિવીલ હોસ્પિટલના કેમ્પસમાં જ નર્સીગ હોસ્ટેલનું બિલ્ડીંગ છે જેમાં માત્ર બેડ અને ઓક્સીજનની લાઇન નાખવાથી હોસ્પિટલ ઉભી થઇ શકે તેમ છે કારણકે અહીં સ્ટાફ પણ છે.અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીને કોરોના ટેસ્ટીંગ લેબ આપવા માટે ભાજપના સંસદસભ્ય, જિલ્લા પ્રમુખ, ભાજપના હોદેદારો, વિશ્ર્વ હિંદુ પરિષદ, વિવિધ સંસ્થાઓ દ્વારા અવિરત રજુઆતો છતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને લેબ અપાઇ છે પણ અમરેલીને બાકાત રખાતા અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણીએ અમરેલીની લેબ માટે નગારે ઘા કરી લડતનો બુંગીયો ફુંકયો છે.