અમરેલીમાં કોવિડ કેર સેન્ટરમાં પરીક્ષાનું કેન્દ્ર અપાયું

  • શિક્ષણ ક્ષેત્રની ગંભીર બેદરકારી સામે આવતા ખળભળાટ : વાલીઓમાં ભભુકતો રોષ
  • અમરેલી સ્વામી નારાયણ ગુરૂકુળની હોમીયોપેથીક કોલેજમાં બીએડના બીજા સેમની પરીક્ષા 200 જેટલા પરીક્ષાર્થીઓ ત્રણ દિવસ માટે આપવાના છે : પરીક્ષાનો પ્રારંભ થયો
  • આજ કોલેજમાં કોવિડ કેર સેન્ટરમાં કોરોનાનાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે : 200 પરીક્ષાર્થીઓએ ફફડતા જીવે પરીક્ષા આપી : શિક્ષણ મંત્રીને વાલીઓની રાવ

અમરેલી,
અમરેલીના આજથી શરૂ થયેલ બીએડની બીજા સેમેસ્ટરની પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની ઘોર બેદરકારી સામે આવી છે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા જ્યાં કોવિડ કેર સેન્ટર ચાલે છે ત્યાં 200 પરીક્ષાર્થીઓને કેન્દ્ર આપી પરીક્ષા આપવા મોકલી દેવાતા વિદ્યાર્થીઓમાં અને તેના વાલીઓમાં ફફડાટ ફેલાયો છે અને રોષ પણ ભભુકી ઉઠયો છે.
જાણવા મળતી માહિતી મુજબ ધારી રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળની હોમીયોપેથીક કોલેજમાં સરકાર દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે અને તેમાં પોઝિટિવ દર્દીઓની સારવાર કરાઇ રહી છે આજ જગ્યાએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા પરીક્ષાનું કેન્દ્ર નક્કી કરાતા પરીક્ષાર્થીઓ પરીક્ષા દેવા ગયા ત્યારે કોવિડ કેર સેન્ટરનું લાલ બોર્ડ જોઇ પરીક્ષાર્થીઓના હાજા ગગડી ગયા હતા અને પરીક્ષાર્થીઓના વાલીઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનીવર્સીટીનો સંપર્ક કરાતા ત્યાં કોઇએ ફોન ઉપાડયા ન હતા આથી શિક્ષણ મંત્રીને રજુઆત થઇ હોવાનું વાલીઓમાંથી જાણવા મળેલ છે.