અમરેલીમાં ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો

અમરેલી,
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે અમરેલી શહેરના ગાંધીબાગ ખાતે કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને ’ગાંધી વંદના’ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીબાગ સ્થિતિ મહાત્મા ગાંધીની પ્રતિમાને કેન્દ્રીય મંત્રીશ્રી, વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ અગ્રણીઓ સાથે સૂતરની આંટી પહેરાવી ફૂલહાર કર્યા હતા. સૌએ ગાંધીજીના વિચારોને જીવનમાં અમલ બનાવી તેમના આદર્શોને અનુસરવાની હાકલ કરી હતી.ગાંધીબાગના કાર્યક્રમ બાદ કેન્દ્રીય મંત્રીશ્રી અને નાયબ મુખ્યદંડકશ્રી તેમજ સાંસદશ્રી સાથે મહાનુભાવોએ અમરેલી શહેરમાં રાજમકલ ચોક સ્થિતિ ખાદી ભંડાર ખાતેથી ખાદીની ખરીદી કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીને પ્રિય વિષય સ્વચ્છતાને સમગ્ર રાષ્ટ્રમાં જનઆંદોલન બનાવ્યું છે. વડાપ્રધાનશ્રી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી જ ગાંધીજીને પ્રિય એવી ખાદીની બીજી ઓક્ટોબરે સૌ આગેવાનો ખરીદી કરે તેવી શરૂઆત કરી હતી. વડાપ્રધાનશ્રીની આ પહેલના કારણે ખાદી ખરીદીને પ્રોત્સાહન મળ્યું છે. ખાદી ભંડારના આંકડાઓ મુજબ સમગ્ર વર્ષ દરમિયાન જેટલું ખાદીનું વેચાણ થાય છે એટલું વેચાણ માત્ર બીજી ઓક્ટોબરે ગાંધીજીની જયંતિ નિમિત્તે થાય છે. ખાદી ખરીદી સાથે ફક્ત વેચાણ જ નહીં પરંતુ ખાદી વણાટ કરનાર, ખાદી તૈયાર કરનારા કારીગરો, કપાસ ઉગાડનારા ખેડૂતોને પણ આ કાર્યથી પ્રોત્સાહન મળે તેવો ઉમદા હેતુ છે.આ સાથે અમરેલી ગાંધીબાગ ખાતેથી ’નશાબંધી સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ થયો હતો. એક અઠવાડિયા દરમિયાન અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નશાબંધી વિષયક લોકડાયરો, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રાસ ગરબા હરિફાઈ, પ્રવચન, કઠપૂતળીના ખેલ સહિતના કાર્યક્રમો યોજાશે.કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિન ભાઈ સાવલિયા, સ્થાનિક પદાધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા .