અમરેલીમાં ઘાતક કોરોનાની એન્ટ્રી છતા ગ્રીનઝોન યથાવત

અમરેલી, અમરેલી જિલ્લામાં લોકડાઉનના અંદાજે 50 દિવસ બાદ આજે સૌપ્રથમ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. આ અંગે વધુ વાત કરતા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકએ જણાવ્યું હતું કે ગઈકાલે સવારના 11 વાગ્યા આસપાસ સુરતથી આવેલી એસ.ટી. બસમાં 27 જેટલા મુસાફરો પૈકી સુરતના સના રોડ વિસ્તારના 67 વર્ષીય વૃદ્ધાને ચાવંડ ચેકપોસ્ટ ખાતે ચેક કરવામાં આવતા તાવ-શરદી જેવા લક્ષણો જણાયા તાત્કાલિક અમરેલી તાલુકા કોરન્ટાઇન ફેસિલિટી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા. ત્યાં એમની સઘન તપાસ કર્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી બપોરે 1.30 કલાકથી જ શંકાસ્પદ કેસ તરીકે માની સારવાર કરી દેવામાં આવી હતી. ગઈ કાલે રાત્રે જ એમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે અને એમના સેમ્પલ્સ ભાવનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. આજે સવારે 11 કલાકે એમનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે.
આ વૃદ્ધાના 26 જેટલા કોન્ટેક્ટમાં આવેલા વ્યક્તિઓ છે જેમને કોરન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલીમાં સેમ્પલના રીઝલ્ટની રાહ જોયા વગર જ કાલે સાંજથી જ કોન્ટેક્ટ ટ્રેસીંગ ચાલુ કરવામાં આવ્યું હતું. સદનસીબે આ કેસની વહેલા જાણ થતા આપણે દર્દીને કોરન્ટાઇન કે સિવિલ હોસ્પિટલની બહાર કોઈ ગામમાં જવા દેવામાં આવ્યા નથી. અને આના કારણે આપણા જિલ્લામાં કોઈ કંટેઇન્મેન્ટ એરિયા પણ નથી. જેના થકી અત્યારે જે દુકાનો કે રાબેતા મુજબનું જનજીવન યથાવત ચાલુ રહેશે. પરંતુ પોઝિટિવ કેસને લઈને રાજ્ય કે કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન્સ મુજબ સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. વૃદ્ધાના પોઝિટિવ કેસની જાણ આપણે સુરત ખાતે પણ કરવામાં આવી છે. એટલે સુરત પ્રશાસન દ્વારા કોન્ટેન્ટ ટ્રેસીંગ કરી કોરન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જયારે પણ અમરેલી જિલ્લામાં શંકાસ્પદ કેસો સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થાય છે ત્યારથી જ આગોતરા પગલાં લઈને એમનું કોન્ટેન્ટ ટ્રેસીંગ અને કોરન્ટાઇનની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્રીન ઝોન અમરેલીમાં જિલ્લાની અંદરથી વાયરસ ફેલાવાની કોઈ ઘટના બની નથી જેથી અમરેલી હજુ ગ્રીન ઝોનમાં જ યથાવત રહેશે.