અમરેલીમાં ચડી બનિયાનધારી ગેંગ ઝળકી : નાશી છુટી

  • કડકડતી ટાઢના સમયમાં આસપાસમાં બંધ મકાન પાસે અવાજ આવે તો ધ્યાન રાખજો
  • અમરેલીના લાઠી રોડ બાયપાસનો બનાવ : પાડોશીના એક જ પડકારે હથિયારબંધ ચોર ભાગ્યા : અવાજને પગલે બે જમીનીટમાં પોલીસ દોડતા ચોર ખેતરાવ રસ્તે પલાયન
  • લોકો અને પોલીસની સતર્કતાથી ચોરી અટકી : પોલીસ તંત્ર દ્વારા જાગૃત નાગરીકને બિરદાવવામાં આવ્યા : શનિવારે માધવનગરમાં બનેલા બનાવથી શહેરમાં ખળભળાટ

અમરેલી,
કડકડતી ઠંડી લોકોના આરોગ્ય માટે સારી હોય છે પણ ચોર માટે આ ઠંડી વરદાનરૂપ હોય છે સૌ બારી બારણા પેક કરી માથે ઓઢીને સુતા હોય આવા સમયે ચોર વધુ સક્રિય થતા હોય છે અમરેલી શહેરના લાઠી રોડ બાયપાસે આવેલ માધવનગરમાં શનિવારે રાત્રીના શિક્ષકના મકાનને ચડીબનીયાનધારી સાત શખ્સોએ નિશાન બનાવ્યુ હતુ પરંતુ હિંમતવાન પાડોશી અને નજીકમાં જ પેટ્રોલીંગ કરી રહેલ પોલીસની સતર્કતાને કારણે હથીયારધારી આ ટોળકીએ મુઠીઓ વાળવી પડી હતી અને ચોરી થતી અટકી ગઇ હતી.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે શનિવારે સાંજે કોળી સમાજના યુવા આગેવાન અને ભાજપના કાર્યકર એવા શિક્ષક શ્રી ભરતભાઇ મકવાણા લાઠી રોડ બાયપાસે કાર વર્લ્ડ સામે માધવનગરમાં રહે છે તે બહારગામ ગયા હતા અને રાત્રીના સવા બે વાગ્યે કેસ કટર જેવા આધ્ાુનિક હથીયારો સાથે હાથમાં છરી, પાઇપ, ટોમી જેવા હથીયારો સાથે ચડી અને ટી શર્ટ પહેરેલા સાત શખ્સોએ ભરતભાઇના મકાનનો નકુચો ગેસ કટરની મદદથી કાપ્યો હતો આ સમયે અવાજ થતા ભરતભાઇના પાડોશી અશોકભાઇ રબારી જાગી ગયા હતા તેમણે પોતાના ઘરની બહાર આવી જોતા બાજુમાં જ રહેતા ભરતભાઇ મકવાણાના મકાનમાં સાત શખ્સોને જોયા હતા અને આ સાત પૈકીના એક શખ્સે હાથની ટોમી સાથે અશોકભાઇને ઘરની અંદર જતુ રહેવા ઇશારો કર્યો હતો પરંતુ હિંમતવાન અશોકભાઇએ ચોર ગેંગને એકલા હોવા છતા પડકારો કરતા તેમના અવાજથી આજુબાજુના રહીશો અને નજીક જ આવેલી હોટલ પાસે પહોંચેલ અમરેલી સીટી પીએસઆઇ શ્રી પંડયા બે જ મીનીટમાં ત્યાં આ પડકારો સાંભળી ધસી ગયા હતા અને તસ્કરો આ પડકારાથી ગભરાઇને ભાગતા અશોકભાઇએ તેમને તસ્કરો ગયા તેની દિશા બતાવતા પોલીસ પાછળ દોડી હતી પરંતુ આ સાતેય શખ્સો ખેતરાવ રસ્તે નાશી છુટયા હતા.
ભરતભાઇ બહારગામ હોય તેમને રાત્રે સવા બે વાગ્યે આ બનાવની જાણ કરવામાં આવતા સવારે સાડા પાંચ વાગ્યે પરત પહોંચી ગયા હતા અને ઘરમાં ચકાસણી કરતા દરેક વસ્તુઓ હેમખેમ રહી હતી અને તેમના પાડોશીઓ પણ મધરાતથી સવાર સુધી જાગ્યા હતા અને પાડોશી ધર્મ બજાવ્યો હતો.